નવી દિલ્હી : તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર)એ ગુરૂવારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી. આ સાથે જ રાજ્યમાં સમય પહેલા ચૂંટણી કરાવવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો હતો. વિધાનસભા ભંગ કરતાની સાથે જ ચંદ્રશેખર રાવે સૌથી પહેલા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ચંદ્રશેખર રાવે રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. રાવે રાહુલ ગાંધીને દેશનો સૌથી મોટો જોકર ગણાવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા ભંગ કર્યા બાદ કેસીઆરએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, સમગ્ર દેશે જોયું કે કઇ રીતે સંસદમાં વડાપ્રધાન મોદીને ગળે મળ્યા અને ત્યાર બાદ આંખ મારી. જ્યારે કેસીઆરને પુછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી તેલંગાણામાં તેમની પાર્ટીને કેટલી ટક્કર આપશે, તો તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી તેલંગાણામાં જેટલી રેલીઓ કરે તેટલો ફાયદો અમને જ મળવાનો છે. તેથી તેઓ શક્ય તેટલી વધારે રેલીઓ કરે. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી દિલ્હી સલ્તનત તેલંગાણામાં પણ લાગુ કરવા માંગતા હતા. માટે અમે અમારા લોકોને અપીલ કરી છે. અમારે દિલ્હી સલ્તનત અને કોંગ્રેસનાં મજુર નથી બનવું. તેલંગાણાનો નિર્ણય તેલંગાણામાં જ થવો જોઇએ. 




મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલંગાણામાં કોંગ્રેસ અને ટીડિપી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. જે કેસીઆરની પાર્ટી ટીઆરએશને પડકારશે. ટીઆરએસ અને ભાજપની વચ્ચે ગઠબંધનનાં સમાચારોને પણ ચંદ્રશેખર રાવે ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, અમે 100 ટકા સેક્યુલર પાર્ટી છીએ, એવામાં અમે ગઠબંધન કઇ રીતે કરી શકીએ. જો કે 2009ની લોકસભા ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી એનડીએનો હિસ્સો રહી ચુકી છે. તે સમયે ચૂંટણી પહેલા એનડીએની મોટી રેલીઓમાં તેમણે ભાગ લીધો હતો. કેસીઆરએ કહ્યું કે, અમે તેલંગાણામાં એકલા હાથે ચૂંટણી લડીશું. ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધનના જવાબમાં તેમણે ઓવૈસીને સારો મિત્ર ગણાવ્યો પરંતુ ગઠબંધનની મનાઇ કરી હતી.