નવી દિલ્હી:  મુંબઈની કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ગુરુવારે મોડી રાતે લાગેલી ભીષણ આગમાં 14 જીંદગીઓ હોમાઈ ગઈ. હવે આ અગ્નિકાંડ ઉપર પણ રાજકિય પક્ષો વચ્ચે નિવેદનબાજી ચાલુ થઈ ગઈ છે. મુદ્દો આજે સંસદમાં ખુબ ગાજ્યો. લોકસભામાં શિવસેના સાંસદ અરવિંદ સાવંત અને ભાજપના સાંસદ કિરીટ સોમૈયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ દરમિયાન અરવિંદ સાવંતે આ ભીષણ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગણી કરી. બીજી બાજુ સોમૈયાએ આ માટે બીએમસી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યાં. સોમૈયાએ  કહ્યું કે આ અકસ્માત અધિકારીઓની બેદરકારીનું પરિણામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં બેદરકારી વર્તાઈ હોવાના આરોપ પર સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે કહ્યું કે બીએમસીના કમિશનરે મધરાતે જ કમલા મિલ્સ કમ્પાઉન્ડની મુલાકાત લીધી હતી. આ અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ અને દોષિત કર્મચારીઓ સામે તત્કાળ કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. 


મહારાષ્ટ્રના એક સમાજસેવી મંગેશ કલાસ્કરનું કહેવું છે કે આ અકસ્માત ફક્ત બેદરકારીને કારણે થયો છે. તેમણે કહ્યું કે મિલ કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ તેમણે નગરપાલિકમાં અનેકવાર ફરિયાદ કરી હતી. પરંતુ બીએમસીએ દર વખતે એ જ જવાબ આપ્યો કે ત્યાં કોઈ બાંધકામ  ગેરકાયદેસર નથી. 




ત્યાં હાજર એક અન્ય વ્યક્તિએ જણાવ્યું કે રેસ્ટોરામાં તે વખતે લગભગ 150 લોકો હતાં. અકસ્માત વખતે બધા આમતેમ ભાગી રહ્યાં હતાં. પરંતુ કોઈને સીડીઓ અંગે માલુમ નહતું. તમામ લોકો લિફ્ટ બાજુ ભાગી રહ્યાં હતાં. આગના કારણે લિફ્ટને બંધ કરી દેવાઈ હતી. આ ઉપરાંત રેસ્ટોરામાં વાંસ અને પ્લાસ્ટિકથી હંગામી બાંધકામ કરાયું હતું. જેના કારણે આગ વધુ ભડકી ગઈ. કમલા મિલ કમ્પાઉન્ડમાં અનેક કોર્પોરેટ ઓફિસ, રેસ્ટોરા, પાસપોર્ટ ઓફિસ અને મીડિયા સંસ્થાનો છે. પોલીસે રેસ્ટોરાના માલિક સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે અને હવે આગળની તપાસ ચાલુ છે. 




બીજી બાજુ રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને  કહ્યું કે કમલા મિલ એક ભૂલભૂલૈયા જેવી છે. અને તેની  ગલીઓ ખુબ જ સાંકડી છે. આથી સ્વાભાવિક પણે ત્યાં બેદરકારી થઈ છે. અત્રે જણાવવાનું કે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી ભીષણ આગમાં 14 જીંદગીઓ સ્વાહા થઈ ગઈ. મૃતકોમાં 12 તો મહિલાઓ છે. 




ઘાયલોને હાલ અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. જેમાંથી બેની હાલત ગંભીર છે. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM)એ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પોલીસે હવે રેસ્ટોરાના માલિક વિરુદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે.