નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ તરફથી આ લિસ્ટમાં ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે કન્હૈયા કુમારને ઉત્તર પૂર્વી દિલ્હીથી ટિકિટ આપી છે. કન્હૈયા કુમાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનોજ તિવારીને પડકાર આપશે. પાર્ટીએ દિલ્હીમાં ત્રણ, પંજાબની છ અને ઉત્તર પ્રદેશની એક સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો દિલ્હીની ચાંદની ચોક સીટથી જેપી અગ્રવાલ અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પંજાબના પટિયાલાથી ધર્મવીર ગાંધી, સંગરૂરથી સુખપાલ સિંહ ખેરા, અમૃતસરથી ગુરજીત ઔજલા, જાલંધરથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને અલ્હાબાદથી ઉજ્જવલ રેવતી રમન સિંહને ટિકિટ આપી છે.



37 વર્ષીય કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયનો રહેવાસી છે. આ વખતે તે બીજીવાર લોકસભા ચૂંટણી લડશે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) ની ટિકિટ પર બેગુસરાય લોકસભા સીટથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિરુદ્ધ ચૂંટણી લડી હતી. તે ચૂંટણીમાં તેને 4 લાખ કરતા વધુ મતે હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ જેએનયુ અધ્યક્ષ કન્હૈયા કુમાર 2021માં કોંગ્રેસમાં સામેલ થયો અને 2023માં તેને કોંગ્રેસ કાર્ય સમિતિમાં સામેલ કરવામાં આવ્યો હતો.


ઉત્તર પૂર્વી દિલ્હી લોકસભા સીટથી મનોજ તિવારી બે ટર્મથી સાંસદ છે. પાછલી ચૂંટણીમાં તેમણે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર જેપી અગ્રવાલ ચાંદની ચોક લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલ વિરુદ્ધ ચૂંટણી લડશે. જય પ્રકાશ અગ્રવાલે આ સીટથી વર્ષ 1984, 1989 અને 1996માં જીત હાસિલ કરી હતી. ઉદિત રાજ ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ભાજપ નેતા યોગેન્દ્ર ચંદોલિયા વિરુદ્ધ ચૂંટણી લડશે.