કર્ણાટકઃ કોંગ્રેસને ફટકો, વિદ્રોહી ધારાસભ્ય ઉમેશ જાધવ ભાજપમાં જોડાયા
એવું કહેવાય છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેશ જાધવ કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જૂન ખડગેની સામે ચૂંટણી લડશે
કલબુર્ગી(કર્ણાટક) : કોંગ્રેસના વિદ્રોહી ધારાસભ્ય ઉમેશ જાધવ બુધવારે એક રેલીમાં ભાજપમાં જોડાઈ ગયા. બે દિવસ પહેલા તેમણે કર્ણાટક વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. એવું કહેવાય છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેશ જાધવ કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જૂન ખડગેની સામે ચૂંટણી લડશે. જાધવ અહીં રેલી દરમિયાન પીએમ મોદીના સંબોધન પહેલા ભાજપમાં જોડાયા હતા.
વડા પ્રધાન મોદીના મંચ પર આવતા જાધવે જણાવ્યું કે, "ભાજપમાં જોડાવાથી હું ખુશ છું અને મને તેના પર ગર્વ છે." તેમણે મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવા માટે કુલબર્ગીના લોકોનો આશિર્વાદ પણ માગ્યો હતો. 9 વખત ધારાસબ્ય અને બે વખત લોકસભામાં ચૂટાયેલા ખડગે ક્યારેય ચૂંટણીમાં હાર્યા નથી અને જાધવ હવે તેમની સાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
'ભારત ઈઝરાયેલ બની શકે નહીં અને બની શકશે પણ નહીં': વી.કે. સિંહ, કેન્દ્રીય મંત્રી
જાધવે સોમવારે વિધાનસભા સ્પીકર રમેશ કુમારને પોતાનું રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પણ અરજી આપીને ઉમેશ જાધવ, રમેશ જરકીહોલી, બી.નાગેન્દ્ર અને મહેશ કુમાથલીને પક્ષ-પલટા કાયદા અંતર્ગત ગેરલાયક ઠેરવવાની પણ માગ કરી છે.
જાથવ એ ચાર ધારાસભ્યોમાંના એક છે, જેઓ ભાજપના સંપર્કમાં હતા. કોંગ્રેસે ગયા મહિને યોજાયેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં ગેરહાજર રહેવા અંગે વિધાનસભાના અધ્યક્ષને જાધવ તથા અન્ય ત્રણ વિદ્રોહીઓ રમેશ જરકિહોલી, બી. નાગેન્દ્ર અને મહેશ કુમાથલી સામે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો.