નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ સતત બદલાઇ રહેલા સમીકરણો વચ્ચે હવે નક્કી થઇ ગયું છે કે બી એસ યેદિયુરપ્પાએ શનિવારે સાંજે ચાર વાગ્યા સુધી વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરવો જ પડશે. ભાજપ પાસે હાલમાં માત્ર 104 ધારાસભ્યો છે. જ્યારે સરકાર બનાવવા માટે 112 ધારાસભ્યોની જરૂરીયાત છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે ભાજપ કેવી રીતે જાદુઇ આંકડો પાર કરશે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તવમાં કોંગ્રેસના 78 અને જેડીએસના 38 ધારાસભ્યો છે. બંને મળીને સરકારનો દાવો કરી રહ્યા છે. પરંતુ રાજ્યપાલે મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવતાં ભાજપને ઝટકો મળ્યો છે. શુક્રવારે સવારે આ મામલે થયેલ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો છે. 


કોંગ્રેસ અને જેડીએસએ પોતાના ધારાસભ્યોને તૂટતાં બચાવવા માટે પણ કવાયત હાથ ધરી છે. બેંગલુરૂના રિસોર્ટમાંથી તમામ ધારાસભ્યોને ખસેડી હૈદરાબાદ લઇ જવાયા છે. તમને જણાવી દઇએ કે અહીં અપક્ષ પણ બે જ હોવાથી મજબૂત રીતે મદદ કરી શકે એવી સ્થિતિમાં નથી.


મીડિયા રિપોર્ટ અનુસાર કહેવાય છે કે કોંગ્રેસના અંદાજે 10 ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે. જેમાંથી ચાર ધારાસભ્યો તો એવા છે જે કોંગ્રેસના એ ધારાસભ્યોમાં જોડાયા નથી કે જેમને હૈદરાબાદ લઇ જવાયા છે. આ ધારાસભ્યોમાં આનંદ સિંહ, પ્રતાપ ગૌડા, રાજશેખર પાટિલ અને નાગેન્દ્ર. સુત્રોના જણાવ્યા અનુસારા જેડીએસના પણ બે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે. એક અપક્ષ ધારાસભ્ય પણ ભાજપને સમર્થન આપવા માટે તૈયાર હોવાનું કહેવાય છે. જો કોંગ્રેસના ધારાસભ્યોનું સમર્થન ભાજપને મળે તો ભાજપની સરકાર બચી શકે છે. 


બહુમતનો આંકડો 111 થઇ શકે
કર્ણાટક વિધાનસભામાં અત્યારે બહુમતનો આંકડો 112 છે. પરંતુ જેડીએસના કુમારસ્વામી બે બેઠકો પરથી ચૂંટાઇ આવ્યા છે. જેથી એમની એક બેઠક ઓછી થઇ શકે છે. આ સંજોગોમાં બહુમતનો આંકડો ઘટીને 111 થઇ શકે છે. અહીં પણ ભાજપને 7 ધારાસભ્યોની જરૂર પડી શકે છે.