કર્ણાટક ચૂંટણી LIVE: શાંતિપૂર્ણ રીતે મદતાન સંપન્ન, 2,654 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
મોટાભાગના સર્વેક્ષણો અને ઓપિનિયન પોલ મુજબ સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપ સત્તા માટે બે પ્રબળ દાવેદારો છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાની જનતાદળ સેક્યુલર કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભાની 222 સીટો પર યોજાયેલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય હતો. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ટક્કર છે. સાંજે 5 કલાક સુધીમાં 61.25 ટકા મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં અહીં 70.23 ટકા મતદાન નોંધાયું હતું.
કર્ણાટકની 224માંથી 222 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પ્રદેશમાં સવાર સવારથી જ લોકોમાં મતદાન પ્રત્યે જાગરૂકતા જોવા મળી. મતદાન કેન્દ્રો બહાર લોકો મતદાન માટે લાઈનમાં ઊભેલા જોવા મળ્યાં. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા પણ સવારે જ મતદાન માટે બૂથ પહોંચી ગયા હતાં. તેમણે શિકારપુરના શિમોગામાં મતદાન કર્યું. મોટાભાગના સર્વેક્ષણો અને ઓપિનિયન પોલ મુજબ સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપ સત્તા માટે બે પ્રબળ દાવેદારો છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાની જનતાદળ સેક્યુલર કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.રાજ્યમાં 4.98 કરોડથી વધુ મતદાતાઓ છે. જે 2600થી વધુ ઉમેદવારોમાંથી પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરશે. આ મતદાતાઓમાં 2.52 કરોડથી વધુ પુરુષો, લગભગ 2.44 કરોડ મહિલાઓ અને 4552 ટ્રાન્સજેન્ડર્સ છે. વોટિંગ પહેલા યેદિયુપરપ્પા ભગવાનના શરણે, કહ્યું-'અમે સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ'
છેલ્લા મળેલા આંકડા પ્રમાણે સાંજે 5 કલાક સુધીમાં 64 ટકા મતદાન નોંધાયું છે. ઘણા વિસ્તારમાં વરસાદ હોવાને કારણે તેની અસર મતદાન પર પડી હતી.
અનેક જગ્યાઓ પર ઈવીએમ મશીન ખોટકાયા હોવાના અહેવાલો છે. રાજાજીનગરના એક વિસ્તારમાં પોલિંગ બૂથ પર શરૂઆતના કલાકોમાં વીજળી ગુલ થઈ હોવાની પણ જાણકારી મિળી. કેટલાક મતદાન કેન્દ્રો પર મતદાતાઓના નામ ગાયબ હોવાનું જાણવા મળ્યું. બેલાગવી મતદાન કેન્દ્ર પર બુરખો પહેરેલી મહિલાઓએ પોતાનો ચહેરો બતાવવો પડ્યો. આ બધાના કારણે મતદાનમાં અડચણો ઊભી થઈ હતી.
LIVE અપડેટ્સ:
1.40 PM: કોપ્પલમાં એક વાગ્યા સુધીમાં 36 ટકા, ઉડ્ડુપી અને બેંગ્લુરુ ગ્રામીણમાં 44 ટકા અને બેંગ્લુરુ શહેરમાં 28 ટકા મતદાન થયું.
1.35 PM: લગ્નની બરાબર પહેલા એક દુલ્હને મતદાનની ફરજ બજાવી.
12.48 PM: કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ રાજ્યમાં જનતા કોંગ્રેસને જ સત્તાની કમાન સોંપશે. તેમણે કહ્યું કે ભાજપના નેતા યેદિયુરપ્પાનું દિમાગ ખરાબ થઈ ગયું છે આથી તેઓ જીતના દાવા કરી રહ્યાં છે.
12.45 PM: સવાર બાદ બપોરે પણ લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો.
12.42 PM: કોંગ્રેસ અને ભાજપના જૂથો વચ્ચે ઝડપ થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા બેંગ્લુરુના ડીસીપી રવિ ચન્નાનાવરે જણાવ્યું કે હાલ સ્થિતિ કંટ્રોલમાં છે.
12.30 PM: ભાજપના નેતા બી શ્રીરામુલુએ પત્ની સાથે બેલ્લારીના પોલિંગ બૂથ પર મત આપ્યો. તેઓ બાદામી મતવિસ્તારથી વર્તમાન સીએમ અને કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધારમૈયા સામે ચૂંટણી લડી રહ્યાં છે.
11.40 AM: સિદ્દાગંગા મઠના 111 વર્ષના શ્રી શિવકુમારા સ્વામીજીએ તુમાકુરુ સિદ્દાગંગા મઠ બૂથમાં મતદાન કર્યું.
11.30 AM: કલબુર્ગી: વરિષ્ઠ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બસાવનગરમાં પોલિંગ બૂથ સંખ્યા 108 પર મતદાન કર્યું.
11.25 AM: રામનગર સીટ પર એચ.ડી.કુમારસ્વામીએ પત્ની અનીતા સાથે મતદાન કર્યું. મતદાન કર્યા બાદ કુમારસ્વામીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે જેડીએસ પોતાના દમ પર જાદુઈ આંકડો પાર કરી લેશે.
11.20AM: 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન નોંધાયું.
11.00AM: આર્ટ ઓફ લિવિંગના પ્રમુખ શ્રી શ્રી રવિશંકરે કનકપુરા મતવિસ્તારના પોલિંગ બૂથ પર કર્યુ મતદાન.
10.15 AM: 9.30 વાગ્યા સુધીમાં કર્ણાટકમાં 16 ટકા મતદાન નોંધાયું.
10.00 AM: પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ બેંગ્લુરુમાં મતદાન કર્યું. મત આપ્યા બાદ અનિલ કુંબલેએ પરિવાર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લોકોને મતદાન માટે અપીલ પણ કરી.
9.50 AM: સવારે 9 વાગ્યા સુધીમાં 10.60 ટકા મતદાન નોંધાયું.
9.12 AM: પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ પરિવાર સહિત હાસન જિલ્લાના હોલેનેરાસિપુરા શહેરમાં બૂથ સંખ્યા 2344 પર મતદાન કર્યું. પહેલા એવા અહેવાલો આવ્યાં હતાં કે પોલિંગ બૂથ પર ઈવીએમ મશીન ખરાબ હોવાના કારણે દેવગૌડા પરિવાર મતદાન કરી શક્યો નહીં.
9.00 AM: જયાનગરમાં જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ આદિ ચુનચુન ગિરિ મઠના મહાસ્વામીની મુલાકાત કરી. મતદાન પહેલા કુમારસ્વામીએ પત્ની સાથે રાજારાજેશ્વરી મંદિરમાં પૂજા કરી.
8.40 AM: બાદામી વિધાનસભા સીટથી સિદ્ધારમૈયા સામે ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા બી શ્રી રામુલુએ મતદાન પહેલા કરી ગૌપૂજા
8.38 AM: ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરે બેંગ્લુરુમાં કર્યુ મતદાન, મતદાન કર્યા બાદ ચંદ્રશેખર બહાર આવ્યાં અને જનતાને મતદાનની અપીલ કરી.
7.55 AM: દેવગૌડા પરિવાર હાસન મતવિસ્તારમાં બનેલા મતદાન કેન્દ્રો પર ઈવીએમમાં ખરાબીના કારણે મતદાન કરી શક્યું નહીં.
7.45 AM: હુબલી બૂથ નંબર 108 પર ચૂંટણી પંચના અધિકારીઓએ વીવીપીએટી મશીન બદલ્યું. આ બુથ પર હજુ મતદાન શરૂ થઈ શક્યુ નથી.
7.20 AM: બીટીએમ મતદાન વિસ્તારમાં બૂથ સંખ્યા 172 પર સવારમાં જ લોકો મતદાન માટે લાંબી લાઈનમાં જોવા મળ્યાં.
7.05 AM: કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સદાનંદ ગૌડાએ પુત્તુરમાં મતદાન કર્યું.
7.00 AM: ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ સવાર સવારમાં જ શિકારપુરના શિમોગામાં કર્યું મતદાન.
55,600થી વધુ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં
ચૂંટણી કાર્યાલયના સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ્યમાં 55,600થી વધુ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. કેટલાક સહાયક મતદાન કેન્દ્ર પણ હશે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે 3.5 લખથી વધુ કર્મીઓ ચૂંટણી ડ્યૂટી પર હશે. સૂત્રોના જણાવ્યાં મુજબ જનજાતીય ક્ષેત્રોમાં કેટલાક મતદાન કેન્દ્ર સંબંધિત સ્થાનના પરંપરાગત રૂપમાં જોવા મળશે. પહેલીવાર કેટલાક પસંદગીના કેન્દ્રો પર દિવ્યાંગ કર્મચારીઓ ડ્યૂટી પર હશે. સૂત્રોએ જણાવ્યું કે લોકો મોબાઈલ એપથી મતદાન કેન્દ્રો પર મતદાતાઓની કતારની સ્થિતિ અંગે જાણી શકશે.
222 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી
બેંગ્લુરુની જયનગર સીટ પર ભાજપના ઉમેદવારના નિધન અને રાજારાજેશ્વરી નગર સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણીના નિયમોના ભંગની ફરિયાદના કારણે 222 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ બંને જગ્યાઓ માટે 28 મેના રોજ મતદાન થશે. જેનું પરિણામ 31 મેના રોજ આવશે. પ્રદેશમાં સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર છે. જયનગર વિધાનસભા વિસ્તારની ચૂંટણીને ભાજપના ઉમેદવાર બી એન વિજયકુમારના ચાર મેના રોજ થયેલા નિધન બાદ રદ કરાઈ હતી.
કોંગ્રેસ-ભાજપમાં કાંટાની ટક્કર
આમતો 1985 બાદ કર્ણાટકમાં કોઈ પણ પક્ષ સતત બીજીવાર સત્તામાં આવી શક્યો નથી. તે વર્ષે રામકૃષ્ણ હેગડેના નેતૃત્વમાં જનતાદળ ફરીથી સત્તા પર આવ્યો હતો. કોંગ્રેસ પંજાબ બાદ એકમાત્ર મોટા રાજ્ય પર સત્તા પર બિરાજમાન રહેવા માટે ફોકસ છે જ્યારે ભાજપ કર્ણાટકમાં પોતાની સરકાર બનાવવામાં લાગ્યો છે.
ભાજપે માત્ર એકવાર 2008થી 2018 સુધી કર્ણાટકમાં શાસન કર્યુ હતું. પરંતુ તે વખતે પાર્ટીના આંતરિક વિખવાદ અને ભ્રષ્ટાચારના આરોપોથી પાર્ટીનો કાર્યકાળ ખરડાયો હતો. તેના ત્રણ મુખ્યમંત્રીઓમાંથી એક અને હાલ મુખ્યમંત્રી પદના દાવેદાર બી એસ યેદિયુરપ્પા ભ્રષ્ટાચારના આરોપોમાં જેલમાં હતાં. જનતા દળ સેક્યુલરના અધ્યક્ષ એચ ડી કુમારસ્વામીનું માનવું છે કે તેમની પાર્ટી માટે આ જીવન મરણનો સવાલ છે. જેડીએસ હાલ એક દાયકાથી સત્તામાંથી બહાર છે.
પીએમ મોદી-રાહુલે કર્યો જોરદાર ચૂંટણી પ્રચાર
કોંગ્રેસને વિશ્વાસ છે કે તે સતત સત્તામાં નહીં આવવાનું ચલણ તોડશે અને સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમની પાર્ટી ઈતિહાસ રચશે. આબાજુ કોંગ્રેસના કટ્ટર હરિફ ભાજપે પણ સત્તા પર પાછા આવવા માટે કોઈ કસર બાકી રાખી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે તાબડતોબ પ્રચાર કર્યો જ્યારે કોંગ્રેસ માટે અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોઈ કસર બાકી રાખી નથી. યેદિયુરપ્પા શિકારીપુરાથી, કમારસ્વામી ચેન્નાપટના અને રમનગારાથી તથા ભાજપના જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડથી ચૂંટણી મેદાનમાં છે.