કેરળના મંદિરમાં આતિશબાજી દરમિયાન જોરદાર ધડાકો, 150થી વધુ લોકો ઘાયલ, 8ની હાલત ગંભીર
કેરળના કાસરગોડ જિલ્લામાં એક મંદિરમાં ફટાકડાથી સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 154 લોકો ઘાયલ થયા છે. જેમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. આ ઘટના અંજૂત્તામબલમ વીરરકવુ મંદિરમાં સોમવારે મધરાત બાદ ઘટી.
કેરળના કાસરગોડ જિલ્લામાં એક મંદિરમાં ફટાકડાથી સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 154 લોકો ઘાયલ થયા છે. જેમાંથી આઠ લોકોની હાલત ગંભીર છે. આ ઘટના અંજૂત્તામબલમ વીરરકવુ મંદિરમાં સોમવારે મધરાત બાદ ઘટી. જ્યારે 1500થી વધુ લોકો પરંપરાગત થૈય્યમ મહોત્સવમાં સામેલ થવા માટે મંદિરમાં ભેગા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ અકસ્માત ત્યારે થયો જ્યારે ફટાકડાથી ઉઠેલી ચિંગારી મંદિરના એક રૂમમાં રાખેલા અન્ય ફટાકડા પર પડી અને વિસ્ફોટ થયો.
વિસ્ફોટમાં 154 લોકો ઘાયલ
અધિકારીઓના જણાવ્યાં મુજબ એક વ્યક્તિની હાલત નાજુક છે, આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફટાકડાથી થયેલા વિસ્ફોટ અને ત્યારબાદ મચેલી ભાગદોડમાં કુલ 154 લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. 87 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. એવું કહેવાય છે કે મંદિર મેનેજમેન્ટે તહેવાર માટે લગભગ 25000 રૂપિયાના હળવા ફટાકડા રાખ્યા હતા જે મંગળવારે રાતે વપરાવવાના હતા.
મહિલાએ જણાવ્યું શું થયું હતું
આ ઘટનામાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે ચિંગારી ફટાકડાના રૂમમાં પડતા જ બધા લોકો ભાગવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, હું અને અન્ય કેટલાક લોકો પડ્યા અને અમને ઈજા થઈ. પરંતુ મારી બહેન સુરક્ષિત બચી ગઈ. સ્થાનિક વિધાયક એમ રાજગોપાલે આ ઘટનાને ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને જિલ્લા કલેક્ટર સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે ફટાકડા હળવા હતા પરંતુ ચિંગારી બીજા ફટાકડા પર પડી જેના કારણે અકસ્માત થયો.
કાસરગોડ સાંસદ રાજમોહન ઉન્નીથને જણાવ્યું કે અડધી રાત બાદ તહેવારોનો જશ્ન મનાવવા માટે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. મંદિર સમિતિના બે સભ્યોની અટકાયત થઈ છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સૂત્રોનું કહેવું છે કે મંદિર મેનેજમેન્ટે ફટાકડા ફોડવા માટે જરૂરી લાઈસન્સ લીધુ નહતું.