ખેલ રત્ન અવોર્ડ હવે રાજીવ ગાંધીને બદલે ધ્યાનચંદના નામે અપાશે, PM મોદીએ કરી જાહેરાત
હવેથી હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓએ આજના દિવસે આ મહત્ત્વની જાણકારી આપી છે.
નવી દિલ્લીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની વાત કરીએ તો મહિલા ટીમ અને પુરુષ ટીમ બન્નેએ ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે આપણાં રાષ્ટ્રીય ખેલ હોકીની રમતને પ્રોત્સાહન આપવા સાથો-સાથ અન્ય રમતો અને તેમના ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે ભારત સરકારે ખુબ જ મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે. હવેથી હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન અવોર્ડ. વર્ષ 1991માં રાજીવ ગાંધીના નામે ખેલ રત્ન અવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી.
ખેલ રત્ન અવોર્ડનું નામ કોઈ રાજનેતાને બદલે ખેલ જગતના મહાન ખેલાડીના નામે રાખવામાં આવતા ખેલપ્રેમીઓ અને વિવિધ રમતમાં જોડાયેલાં ખેલાડીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. જેવી પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી કે, તુરંત જ દેશભરમાંથી ખેલપ્રેમીઓ અને ખેલ જગત સાથે જોડાયેલાં લોકોએ આ જાહેરાતને વધાવી લીધી છે. હોકીના મહાન ખેલાડી ધ્યાનચંદના નામે ખેલ રત્ન અવોર્ડ આપવાની જાહેરાતથી ભારતીય હોકી ટીમ સહિત અન્ય રમતો સાથે જોડાયેલાં ખેલાડીઓ પણ હવે સોશલ મીડિયા પર આ જાહેરાતને પોસ્ટ કરીને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓએ આજના દિવસે આ મહત્ત્વની જાણકારી આપી છે. હવેથી ખેલ રત્ન અવોર્ડ ધ્યાનચંદના નામે ઓળખાશે. રમત ગમતનો સૌથી મોટો અવોર્ડ એટલેકે, સર્વોચ્ચ સન્માન ગણાય છે ખેલ રત્ન અવોર્ડ. અત્યાર સુધી ખેલ રત્ન અવોર્ડ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામે આપવામાં આવતો હતો. ભારત સરકારે હવે એમાં મોટું પરિવર્તન કર્યું છે. કોઈ રાજનેતાને બદલે હવેથી ખેલ રત્ન અવોર્ડ ખેલ જગતના મહાન ખેલાડી અને હોકીના જાદુગર ધ્યાનચંદનના નામે આપવામાં આવશે.