મોડી રાતે ખેડૂતોને દિલ્હીમાં મળી એન્ટ્રી, આંદોલન પૂરું, હવે પોતાના ગામ પાછા ફરશે
પોલીસે મોડી રાતે ખેડૂતોને દિલ્હીમાં એન્ટ્રીની પરવાનગી આપી દીધી. આ સાથે જ પોલીસ અને ખેડૂતો વચ્ચેનો ગતિરોધ પણ ખતમ થયો.
નવી દિલ્હી: ગાંધી જયંતીના દિવસે મંગળવારે ખેડૂતો અને પોલીસે વચ્ચે હિંસક ઝડપ થઈ. દિલ્હીમાં ખેડૂતોની એન્ટ્રી રોકવા માટે પોલીસે પાણીનો મારો ચલાવ્યો અને ટીયર ગેસના સેલ છોડ્યાં, લાઠીચાર્જ કર્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે રબરની ગોળીઓ પણ ચલાવી. આ દરમિયાન અનેક ખેડૂતો ઘાયલ પણ થયાં. જો કે પોલીસે મોડી રાતે ખેડૂતોને દિલ્હીમાં એન્ટ્રીની પરવાનગી આપી દીધી. આ સાથે જ પોલીસ અને ખેડૂતો વચ્ચેનો ગતિરોધ પણ ખતમ થયો. બેરિકેડ હટતા જ હજારો ખેડૂતો દિલ્હીના કિસાન ઘાટ તરફ કૂચ કરી ગયાં. આંદોલનકારીઓના અધ્યક્ષ નરેશ ટિકેતનું કહેવું છે કે 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલી કિસાન ક્રાંતિ પદયાત્રા દિલ્હીના કિસાન ઘાટ પર પૂરી થઈ. જો કે અમારી માગણીઓ ચાલુ રહેશે.
મળતી માહિતી મુજબ ખેડૂતોએ પોતાની હડતાળ પાછી ખેચી લીધી છે. બુધવારે વહેલી સવારે ખેડૂત નેતા નરેશ ટિકેતે તેની જાહેરાત કરી. હડતાળ ખતમ થયા બાદ ખેડૂતોએ પોત પોતાના ગામ પાછા ફરવાનું શરૂ કરી દીધુ છે. મંગળવારે મોડી રાતે ખેડૂતોને દિલ્હીમાં એન્ટ્રી અપાઈ હતી. એન્ટ્રી બાદ તેઓ કિસાન ઘાટ પહોંચ્યાં અને હડતાળ પૂરી કરી. જો કે હજુ સુધી તેમની માંગણીઓને લઈને સરકાર તરફથી સું પહેલ કરવામાં આવી છે તે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. અત્રે જણાવવાનું કે મંગળવારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ખુબ હિંસક સંઘર્ષ જોવા મળ્યો હતો. ખેડૂતોને દિલ્હી-યુપીની બોર્ડર પર રોકવા માટે યુપી અને દિલ્હી બંને રાજ્યની પોલીસે પૂરું જોર લગાવ્યું હતું. મંગળવારે મોડી રાતે લગભગ 12.30 વાગે પોલીસે બેરિયર ખોલીને પ્રવેશ આપ્યો.
ખેડૂતો- પોલીસ વચ્ચે ઘર્ષણથી સ્થિતી વણસી, ગાઝીયાબાદની શાળાઓમાં રજા
અત્રે જણાવવાનું કે મંગળવારે સવારે લગભગ સવા 11 વાગે ખેડૂતોનું આ આંદોલન ત્યારે હિંસક બની ગયું જ્યારે તેમણે પોલીસ બેરિકડ તોડીને દિલ્હીમાં ઘૂસવાની કોશિશ કરી હતી. પોલીસના જણાવ્યાં મુજબ ખેડૂતોએ પથ્થરમારો કર્યો હતો જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. પાણીનો મારો ચલવ્યો હતો. લાઠીચાર્જ કર્યો. લગભગ અડધા કલાકની અફડાતફડી જેવી સ્થિતિમાં 100 થી વધુ ખેડૂતોને ઈજા થઈ હતી જ્યારે દિલ્હી પોલીસના એક એએસપી સહિત 7 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં.