દુશ્મનના ગઢમાં પણ `અભિનંદને` બતાવી નીડરતા, જાણો પાઈલટની શૌર્યગાથા
ભારતીય પાઈલટ અભિનંદને પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા બાદ `હિન્દુસ્તાન ઝિંદાબાદ`ના નારા લગાવ્યા હતા અને દુશ્મન દેશના હાથમાં ભારતીય દસ્તાવેજો ન આવી જાય તેના માટે તેઓ ચાવી ગયા હતા
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને તેમની સેનાના કબ્જામાં રહેલા ભારતીય પાઈલટ અભિનંદનને આવતીકાલે એટલે કે શુક્રવારે ભારતને પરત સોંપવાની જાહેરાત સંસદમાં કરી છે. આ સાથે જ ભારતનો કુટનૈતિક દૃષ્ટિએ સૌથી મોટો વિજય થયો છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને જણાવ્યું છે કે, તેઓ 'શાંતિની ઈચ્છા' સાથે ભારતીય પાઈલટને પરત સોંપી દેશે.
જોકે, આ અગાઉ ભારતીય પાઈલટ અભિનંદને પાકિસ્તાનની ધરતી પર પોતાની નીડરતાનો પરિચય આપ્યો હતો. તેમણે ખુબ જ હિંમતપૂર્વક પાકિસ્તાની સેના અને સ્થાનિક લોકોનો સામનો કર્યો હતો. માત્ર ભારત દેશ જ નહીં પરંતુ પાકિસ્તાની મીડિયા પણ તેમણે દાખવેલી નીડરતાની પ્રશંસા કરી રહ્યું છે. પાકિસ્તાનના અખબાર ધ ડોને જણાવ્યું છે કે, કેવી રીતે ભારતીય વાયુસેનાના જવાને દુશ્મનના હાથોમાં ગુપ્ત દસ્તાવેજ આવવા ન દીધા અને પડોશી દેશમાં પણ 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.
'અભિનંદન' : કોઈ પણ શરત વગર પાકિસ્તાન આપણાં પાઈલટને પરત સોંપશે
ભારતીય પાઈલટ અભિનંદનની શૌર્યગાથા કંઈક આવી છે...
- મંગળવારે અભિનંદન મિગ-21 વિમાન ઉડાવી રહ્યા હતા અને પાકિસ્તાનના F-16 વિમાનનો પીછો કરતા કરતા તેઓ નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનમાં ઘુસી ગયા હતા. અહીં તેમનું વિમાન દુર્ઘટનાક્રસ્ત થઈને એક ગામમાં પડ્યું હતું.
- અભિનંદનનું વિમાન એલઓસીથી 7 કિમી દૂર પીઓકેના ભિમબેર જિલ્લામાં તુટી પડ્યું હતું. ઘટનાને નજરે જોનારા મોહમ્મદ રઝ્ઝાક ચૌધરીએ જણાવ્યું કે, બુધવારે સવારે 8.45 કલાકે તેમને આકાશમાં ધૂમાડો દેખાયો અને પછી એક ધમાકાનો અવાજ સંભળાયો હતો.
- 58 વર્ષના સામાજિક કાર્યકર્તા રઝ્ઝાક ચૌધરીએ જણાવ્યું કે, બે વિમાનમાં આગ લાગી હતી, જેમાંથી એક નિયંત્રણ રેખાની પેલે પાર જતું રહ્યું અને એક વિમાન તેમના ઘરથી એક કિમી દૂર પડ્યું. તેમણે એક પેરાશૂટને જમીન પર નીચે ઉતરતું જોયું.
- આથી, સ્થાનિક યુવાનો એ દિશામાં દોડ્યા અને પાઈલટ પાસે પહોંચી ગયા હતા. ભારતીય પાઈલટ અભિનંદને યુવાનોને જોતાં જ પુછ્યું કે, આ પાકિસ્તાન છે કે હિન્દુસ્તાન? આથી, એક યુવકે ચાલાકી વાપરતા કહ્યું કે, આ ભારત છે. આ સાંભળીને વિંગ કમાન્ડર અભિનંદને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા અને પછી પુછ્યું કે,આ ભારતનું કયું સ્થાન છે?
3 નહીં પરંતુ 20 PAK વિમાનો ઘૂસ્યા હતા ભારતમાં, લેઝર ગાઈડેડ બોમ્બનો કર્યો હતો ઉપયોગ-સૂત્ર
- પેલા યુવાને અભિનંદનને કહ્યું કે, આ કિલાન ગામ છે. આથી, પાઈલટે કહ્યું કે, તેની પીઠમાં ઈજા થઈ છે અને પીવા માટે પાણી જોઈએ છે. અહીં હાજર અન્ય યુવાનો પાઈલટના નારા પચાવી શક્યા નહીં અને તેમણે 'પાકિસ્તાની સેના ઝિંદાબાદ'ના નારા લગાવાનું શરૂ કરી દીધું.
- અભિનંદન સમજી ગયા કે આ હિન્દુસ્તાન નહીં પરંતુ પાકિસ્તાન છે. યુવાનોએ તેમને ઘેરી લીધા હતા. આથી, અભિનંદને સ્વબચાવમાં પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી હવામાં ગોળીબાર કર્યો અને પાછળની દિશામાં ભાગવા લાગ્યા. યુવાનો પણ હાથમાં પથરા લઈને તેમની પાછળ દોડ્યા.
- આથી, અભિનંદને ફરીથી ગોળીબાર કર્યો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. તેઓ દોડતા-દોડતા રસ્તામાં આવેલા એક નાનકડા તળાવમાં કુદી પડ્યા. અહીં તેમણે પોતાના ખિસ્સામાંથી કેટલાક દસ્તાવેજ અને નકશા કાઢ્યા. તેઓ ઝડપથી તેનો નાશ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. એટલેમાં યુવાનોનું ટોળું આવી પહોંચ્યું. આથી, તેમણે કેટલાક દસ્તાવેજ પાણીમાં ડુબોડી દીધા અને બાકીને કાગળો મોઢામાં ચાવીને ગળી ગયા.
- આ દરમિયાન યુવાનોએ તેમના પર હુમલો કરી દીધો અને હથિયાર ફેંકવા મજબૂર કરવા લાગ્યા. કેટલાક યુવાનોએ પાઈલટના હાથ પકડી લીધા અને તેમના પગ પર મારવા લાગ્યા હતા. કેટલાક યુવાનોએ પાઈલટ પર હાથ ઉપાડ્યો, જ્યારે કેટલાક યુવાનો તેમના મિત્રોને એમ ન કરવા સમજાવતા હતા. આ દરમિયાન જ પાકિસ્તાની સેના અહીં આવી પહોંચી અને ભારતીય પાઈલટને પોતાની કસ્ટડીમાં લઈને યુવકોના ચુંગલમાંથી બચાવી લીધો.
- અભિનંદન કુમારની નીડરતાથી યુવાનો પણ છક થઈ ગયા હતા. અભિનંદનનું નસીબ સારું હતું કે, આ યુવાનોએ તેમની પિસ્તોલ ઝુંટવી લઈને તેમના પર ગોળી ન ચલાવી, કેમ કે પાઈલટે યુવાનો ઘણા સમય સુધી હંફાવ્યા હતા. પાકિસ્તાની સેના ભારતીય પાઈલટને સેનાના વાહનમાં બેસાડીને ભિમબેર સૈનિક થામામાં લઈ ગઈ હતી.