ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ ભારતને બુધવારે ઘણી મોટી કુટનૈતિક સફળતા પ્રાપ્ત થઈ છે. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને વડા તથા પાકિસ્તાનનો નાગિરક એવા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવા મુદ્દે પોતાનો વિરોધ પાછો ખેંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહર ભારતમાં થયેલા અનેક મોટી આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું કે, "ભારત માટે આજે ગર્વનો દિવસ છે. આ મોદી સરકારની નહીં પરંતુ 130 કરોડ ભારતવાસીઓની સફળતા છે. વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આ નિર્ણય સાથે એ સાબિત થઈ ગયું છે કે આજે ભારતની વાતને કોઈ નજરઅંદાજ કરી શકે એમ નથી."


સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લેવાયેલા આ નિર્ણયની જાણ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીને કહી હતી. તેમણે જણાવ્યું કે, "આજે અત્યંત મહત્વની સફળતા મળી છે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ માટે પ્રયાસ કરી રહ્યા હતા. આજે એ ધ્યેયમાં સફળતા મળી છે."


મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર 


જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કારાયાની સાથે જ હવે તે દુનિયાના એક પણ દેશની યાત્રા કરી શકશે નહીં, તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જશે અને હથિયારો સુધી પણ તેની પહોંચ સમાપ્ત થઈ જશે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોએ પોતાના હથિયાર, તેના નિર્માણનું પદ્ધતિ, સ્પેર પાર્ટ્સ સહિત હથિયારો સાથે સંકળાયેલી એક પણ વસ્તુનું વેચાણ કે તેના સુધીની પહોંચ પર પ્રતિબંધ મુકવાનો રહેશે.


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું નિવેદનઃ 
"આજે, 1 મે, 2019ના રોજ સુરક્ષા પરિષદ સમિતિ સર્વસંમતિથી તેના ઠરાવો 1267(199), 1989(2011) અને 2253(2015)ના આધારે કે જેમાં ISIL (Daésh), અલ-કાયદા અને તેને સંબંધિત વ્યક્તિઓ, જૂથ, એકમો અને સંસ્થાઓ પર પ્રતિબંધ ફરમાવતો જે નિર્ણય લેવાયેલો છે, તેના અંતર્ગત નીચે લખેલી વ્યક્તિને ISIL (Daésh) અને અલ-કાયદા પ્રતિબંધ યાદીમાં સામેલ કરવામાં આવે છે. આ યાદીમાં સામેલ થવાની સાથે જ તે વ્યક્તિની સંપત્તિ ટાંચમાં લેવાની રહેશે, તેના પ્રવાસ પર પ્રતિબંધ લાગી જશે અને તેને કોઈ પણ વ્યક્તિ હથિયારોની સપ્લાય કરી શકશે નહીં. સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના પ્રકરણ-7 અને સુરક્ષા પરિષદના ઠરાવ 2368(2017) અંતર્ગત તેના પર ઉપરોક્ત તમામ પ્રતિબંધ લાગુ થઈ જશે."


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ નીચે પ્રમાણે સામેલ કર્યું છે. 


  • A: વ્યક્તિગત 

  • શ્રેણીઃ QDi-422 

  • નામઃ મોહમ્મદ મસૂદ અઝહર અલવી 

  • ઉપનામઃ ઉપલબ્ધ નથી

  • પદઃ ઉપલબ્ધ નથી

  • જન્મ તારીખઃ 10 જુલાઈ, 1968 અથવા 10 જુન, 1968

  • જન્મ સ્થળઃ બહાવલપુર, પંજાબ રાજ્ય, પાકિસ્તાન

  • આખું નામઃ મસુદ અઝહર વલી આદમ ઈશા 

  • રાષ્ટ્રીયતાઃ પાકિસ્તાન

  • પાસપોર્ટઃ ઉપલબ્ધ નથી

  • સરનામું: ઉપલબ્ધ નથી 

  • યાદીમાં સામેલ તારીખઃ 1 મે, 2019

  • અન્ય માહિતીઃ જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક, હરકત-ઉલ-મુજાહિદીન (HUM)નો પૂર્વ વડો


VIDEO : મસૂદ અઝહર પર પ્રતિબંધ, 130 કરોડ દેશવાસીઓની સફળતાઃ પીએમ મોદી 


આતંકી મસૂદ અઝહરને 20 વર્ષ પહેલા ભારતે જ છોડ્યો હતો 
મસૂદ અઝહરને ભારતે કાશ્મીરમાંથી આતંકવાદી ગતિવિધીઓમાં સામેલ હોવાને કારણે પકડી લીધો હતો. પાકિસ્તાનમાં સક્રિયા આતંકીઓએ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814 નું અપહરણ કર્યું હતું અને તેને તાલિબાનના નિયંત્રણમાં રહેલા કંદહાર એરપોર્ટ પર લઈ ગયા હતા. તેમણે વિમાનના મુસાફરોને છોડવાના બદલામાં ભારતીય જેલમાં કેદ મસૂદ અઝહર ઉપરાંત મુશ્તાક અહેમદ અને ઓમર શેખને છોડવા માગણી કરી હતી. ભારત દ્વારા છોડી મુકાયા બાદ આ ત્રણેય આતંકીઓએ પાકિસ્તાનમાં શરણ લીધી હતી. 


મસુદ અઝહરની જૈશ-એ-મોહમ્મદના ભારતમાં આતંકી હુમલા
2011: ભારતીય સંસદ પર હુમલો 
2016: પઠાનકોટમાં ઈન્ડિયન એરફોર્સના થાણા પર હુમલો
2019: પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો 


Viral Video : યુવતીઓને ટૂંકા વસ્ત્રોમાં જોઈ મહિલા બોલી, "આમનો તો .... થવો જોઈએ...!"


એક સપ્તાહ પહેલા વિદેશ સચિવની ચીન મુલાકાતથી બદલાયું ચિત્ર
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે એક સપ્તાહ પહેલા ચીન ગયા હતા. તેમણે અહીં ચીનના અધિકારીઓ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે જૈશ-એ-મોહમ્મદના ભારતમાં આતંકી હુમલામાં સંડોવણીના પુરાવા ચીનને આપ્યા હતા. ત્યાર પછી ચીનનું વલણ નરમ પડ્યું હતું અને મંગળવારે ચીને સંકેત આપ્યા હતા કે તે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં અડચણ પેદા નહીં કરે. 


ISIL (Da’esh) & અલ-કાયદા પ્રતિબંધ સમિતિ
1267 અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિની સ્થાપના 1988ના રોજ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સમિતિનું નામ બદલીને '1267 ISIL (Da’esh) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ' કરવામાં આવ્યું હતું. આ યાદીમાં કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું નામ સામેલ કરવા માટે પુરાવો આપવાનો રહે છે કે, "જે તે વ્યક્તિ અથવા સંસ્થા પોતે અથવા તો આડકતરી રીતે ISIL (Da’esh) અને અલ કાયદા સાથે સંકળાયેલી છે."


આ પ્રતિબંધિત યાદીમાં અત્યારે 163 વ્યક્તિ અને 83 સંસ્થાના નામ સામેલ કરાયેલા છે. તાજેતરમાં જ 1 મે, 2019ના રોજ મસૂદ અઝહરના નામનો ઉમેરો કરવાની સાથે તેને અપડેટ કરાઈ હતી. હાફિઝ સઈદ, અલ-કાયદા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, બોકો હરામ જેવી આતંકવાદી સંસ્થાઓ અને વ્યક્તિઓ આ યાદીમાં સામેલ છે. 


દુનિયાના વધુ સમાચાર જાણવા માટે અહીં કરો ક્લિક...