ચીફ ઈકોનોમિક એડવાઈઝર તરીકે ક્રિશ્નમૂર્તિ સુબ્રમણિયનની 3 વર્ષ માટે નિમણૂક
સરકારે 30 જૂનના રોજ મુખ્ય આર્થિક સલાહકાર તરીકેની હંગામી નિમણૂક માટે અરજીઓ મગાવી હતી, અરવિંદ સુબ્રમણિયમે તેમની ટર્મ પુરી થતાં પહેલાં જ સ્થાન છોડી દીધું હતું
નવી દિલ્હીઃ ક્રિશ્નમૂર્તિ સુબ્રમણિયન, આઈઆઈટી-આઈઆઈએમના ટોપ રેન્કિંગ વિદ્યાર્થીની મુખ્ય ઈકોનોમિક એડવાઈઝર તરીકે 3 વર્ષ માટે નિમણૂક કરાઈ છે. સુબ્રમણિયન અત્યારે ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના 'ફાઈનાન્સ એન્ડ એક્ઝીક્યુટિવ ડિરેક્ટર ફોર સેન્ટર ફોર એનાલિટિકલ ફાઈનાન્સ'ના પદ પર કાર્યરત છે. તેમણે યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી પીએચડી કરેલી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 30 જૂનના રોજ હંગામી થોરણે મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂક માટે અરજીઓ મગાવી હતી. આ પદ પર કાર્યરત અરવિંદ સુબ્રમણિયમે તેમનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ રાજીનામું દેતાં જગ્યા ખાલી પડી હતી.
આ પદ માટે ઉમેદવારો શોધવા નાણા મંત્રાલય દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર બિમલ જાલાનના નેતૃત્વમાં એક સમિતિની નિમણૂક કરાઈ હતી. પસંદગી સમિતિમાં આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ ટ્રેઈનિંગના સચિવ બી.પી. શર્મા અને આર્થિક બાબતોના સચિવ સુભાષ સી. ગર્ગ પણ સભ્ય હતા.
ઉલ્લેખનીય છે કે, અરવિંદ સુબ્રમણિયમની નિમણૂક 16 ઓક્ટોબર, 2014ના રોજ મુખ્ય આર્થિક સલાહકાર તરીકે 3 વર્ષ માટે નિમણૂક કરાઈ હતી. ત્યાર બાદ તેમને એક વર્ષનું એક્સટેન્શન અપાયું હતું. તેમનો આધાકારિક કોન્ટ્રાક્ટ મે, 2019માં પૂરો થાય છે.
ક્રિશ્નમૂર્તિનો બહોળો કાર્યાનુભવ
- આર્થિક સલાહકાર, જે.પી. મોર્ગન ચેઝ, ન્યૂયોર્ક
- મેનેજમેન્ટની ભૂમિકા, આઈસીઆઈસીઆઈ લીમિટેડ
- એક્સપર્ટ કમિટી મેમ્બર ઓન કોર્પોરેટ ગવર્નન્સ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)
- ગવર્નન્સ ઓફ બેન્ક્સ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
- સેબીની ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ પોલિસી, પ્રાઈમરી માર્કેટ્સ, સેકન્ડરી માર્કેટ્સ એન્ડ રિસર્ચના સભ્ય
- બંધન બેન્કના બોર્ડ મેમ્બર