લાલુ યાદવની તબિયત ખરાબ, હવે ઉઠી-બેસી શક્તા પણ નથીઃ RJDના ધારાસભ્ય
આરજેડીના ધારાસભ્ય રેખા દેવી લાલુ યાદવને મળવા માટે રિમ્સ હોસ્પિટલમાં આવ્યા હતા, તેમણે મીડિયાને આરજેડીના સુપ્રીમોની બગડી રહેલી તબિયત અંગે માહિતી આપી હતી
રાંચીઃ આરજેડીના સુપ્રીમો લાલુ યાદવની તબિયત વધુ ખરાબ થઈ છે અને તેમના સ્વાસ્થ્યમાં કોઈ પણ સુધારો જોવા નથી મળી રહ્યો. આરજેડીનાં ધારાસબ્ય રેખા દેવી શનિવારે લાલુ યાદવની તબિયત પુછવા માટે રિમ્સ પહોંચ્યા હતા અને તેમણે મીડિયાને આરજેટી સુપ્રીમોની બગડી રહેલી તબિયત અંગે માહિતી આપી હતી.
રેખા દેવીએ જણાવ્યું કે, લાલુ યાદવની તબિયત ધીમે-ધીમે વધુ બગડી રહી છે. તેઓ બેસી શકતા નથી કે ઊભા થઈ શક્તા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, લાલુ યાદવનું બ્લડ શુગર લેવલ પણ વધી ગયું છે.
લાલુ યાદવનો વધુ સારી રીતે ઈલાજ થઈ શકે તે માટે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તેમણે માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આરજેટી સુપ્રીમો લાલુ પ્રયાસ યાદવ ચારા કૌભાંડમાં જેલની સજા મળેલી છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી રાંચી ખાતે આવેલી રિમ્સ હોસ્પિટલમાં દાખલ થયેલા છે. થોડા દિવસ પહેલા પુત્ર તેજપ્રતાપ યાદવના છુટાછેડાના સમાચર સાંભળીને તેમની તબિયત વધુ લથડી ગઈ હતી.
લાલુ યાદવને બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની સમસ્યા છે. એવું કહેવાય છે કે, તેજપ્રતાપના છુટાછેડાના સમાચાર સાંભળ્યા બાદ લાલુ યાદવ ડીપ્રેશનમાં જતા રહ્યા છે.
થોડા દિવસ પહેલા તેજસ્વી યાદવ તેની બહેન અને બનેવી સાથે પિતાના ખબર-અંતર જાણવા માટે રિમ્સ પહોંચ્યો હતો. લાલુ યાદવના પત્ની રાબડી દેવી પણ તેમને મળવા માટે રાંચી જાય તેવી સંભાવના છે.
શનિવારે એનસીપીના જનરલ સેક્રેટરી પી.પી. ત્રિપાઠીએ પણ લાલુ યાદવની મુલાકાત લીધી હતી.