ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં જમીન માટે ખેલાયો લોહિયાળ જંગ, 9નાં મોત, અનેક ઘાયલ
ઉત્તરપ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહના જણાવ્યા અનુસાર આ જમીન બાબતે જૂનો વિવાદ ચાલી રહ્યો હતો અને ગામના લોકો આ જમીન પર કોઈને કબ્જો કરવા દેવા માગતા ન હતા
સોનભદ્રઃ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક જમીન વિવાદ ખેલાયેલા લોહિયાળ જંગમાં 9 લોકોનાં મોત થઈ ગયા અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. બે ડઝન કરતાં લોકો ગંભીર છે. સોનભદ્રના ઘોરાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મુરતિયા ગામના સરપંચ અને ઉભભા ગામના લોકો વચ્ચે આ લોહિયાળ સંઘર્ષ ખેલાયો હતો. એવું કહેવાય છે કે છેલ્લા કેટલાક મહિનાથી બંને પક્ષો 90 વિઘા જમીન માટે સામ-સામે આવી ગયા હતા.
વિવાદની શરૂઆત 2017માં થઈ હતી, જ્યારે ઘોરાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉભભા ગામના સરપંચે 90 વિઘા જમીન ખરીદી હતી. એ સમયે સરપંચનો વિરોધી એક પક્ષ આ જમીન પર પોતાનો કબ્જો હોવાનો દાવો કરતો હતો. જેના કારણે જમીન ખરીદી લીધા પછી પણ સરપંચ તેનો કબ્જો લઈ શક્યા ન હતા. આ દરમિયાન તેમાં નવો વળાંક આવ્યો.
યુપીની ડીજીપી ઓ.પી. સિંહના જણાવ્યા અનુસાર, સૌથી પહેલા આ વિવાદિત જમીન એક આઈએએસ કેડરના અધિકારીએ ખરીદી હતી. ગામના લોકોને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે એ સમયે પણ ભારે વિરોધ કર્યો હતો. જમીનના કબ્જા માટે એક પક્ષ અડગ હતો અને તે આ જમીન પર કોઈને કબ્જો લેવા દેવા માગતો ન હતો. ત્યાર પછી આ જમીનના કેસમાં ઉભભા ગામના સરપંચની એન્ટ્રી થઈ હતી.
જમીન ખરીદ્યાને બે વર્ષ વીતી ગયા પછી પણ કબ્જો ન મળતાં સરપંચને વાત ગળે આવી ગઈ હતી. આથી, બુધવારે તે 30 ટ્રેક્ટર ટ્રોલીયોમાં પોતાના 200થી વધુ સમર્થકોને ભરીને ઉભભા ગામ પહોંચી ગયો હતો. તેના માણસોએ સૌથી પહેલા તો જમીન પર કબ્જો જમાવ્યો અને ખેતી શરૂ કરી દીધી. જમીન પોતાની હોવાનો દાવો કરનારા સ્થાનિક પક્ષને જ્યારે આ વાતની ખબર પડી તો કેટલાક પુરુષ અને મહિલાઓ અહીં દોડી આવ્યા.
બે હાથમાં 'બંદૂક' લઈને નાચનારા MLA 'ચેમ્પિયન' સામે BJPએ કરી કડક કાર્યવાહી
ગામમાં આ વાત ફેલાઈ જતાં ગામના લોકો પણ અહીં દોડી આવ્યા હતા. ગામના લોકોને આવતાં જોઈને સરપંચના સમર્થકોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો અને સ્થાનિક લોકો પર લાકડીઓ વડે તુટી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ગોળીઓનો અવાજ ગૂંજવા લાગ્યો હતો. લોકો લોહીલુહાણ થઈને અહીં-તહીં પડી રહ્યા હતા. લાશોનો ઢગલો કરીને સરપંચ અને તેના માણસો ભાગી છૂટ્યા.
ગોળીબારમાં 6 પુરુષ અને 3 મહિલાના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ગોળીબારમાં એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લોહિયાળ સંઘર્ષની જાણ થતાં સોનભદ્ર પોલીસ અધીક્ષક સલમાન તાજ પોલીસ ટૂકડી સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને ઘાયલોને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં મોકલ્યા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને વારણસી રિફર કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર 200થી વધુ લોકો પૂરતી તૈયારી સાથે હુમલો કરવા આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં અત્યાર સુધી 2 વ્યક્તિની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે. ઘટના અંગે માહિતી મળતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને દોષીતોને ઝડપથી પકડી પાડવાના આદેશ આપ્યા છે.
જૂઓ LIVE TV....