ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો તો રહો સાવધાન, અલ કાયદા આપી શકે છે મોટો અંજામ
કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક ગુપ્ત રિપોર્ટમાં કહેવાયું છે કે, આતંકી સંગઠન અલ કાયદાએ દેશમાં વિવિધ ટ્રેનોમાં તબાહી મચાવવાનો કારસો ઘડ્યો હતો. આતંકી સંગઠન દ્વારા આ અંગે તૈયારીઓ પણ કરી લેવાઇ હતી.
નવી દિલ્હી : જો તમે રેલવેમાં મુસાફરી કરતા હો તો થોડા સાવધાન રહો. કોઇ પણ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ચીજ મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરો જેથી મોટી ર્દુઘટનાને ઘટતી અટકાવી શકાય. આતંકવાદી સંગઠન અલ કાયદા દેશમાં મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક ગુપ્ત રિપોર્ટમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર આતંકી સંગઠન અલ કાયદાએ દેશમાં ટ્રેનમાં તબાહી મચાવવાનો પ્લાન ઘડ્યો છે. આ અંતર્ગત આતંકી સંગઠને ઇન્સ્પાયર ટ્રેન ડિરેલ ઓપરેશન નામની એક પત્રિકા પણ જારી કરી છે. જેમાં કહેવાયું છે કે, ચાલતી ટ્રેનને પાટા પરથી ઉતારવા માટે કેવા હથકંડા અપનાવી શકાય. આ ગુપ્ત રિપોર્ટ બાદ રેલવેએ પોતાના કર્મચારીઓને સર્તક રહેવાની તાકીદ કરી છે.
ર્દુઘટનાનો આખો પ્લાન બતાવ્યો
આતંકી સંગઠન અલ કાયદા તરફથી જારી કરાયેલ પત્રિકામાં કહેવાયં છે કે કોઇ પણ તેજ ગતિથી ચાલી રહેલી ટ્રેનને પાટા પરથી ઉતારવા માટે ઘરમાં રહેલી ચીજ વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. વધુમાં આ વસ્તુઓના ઉપયોગના પણ ફંડા બતાવાયા છે, સાથોસાથ એવો પણ ખુલાસો કરાયો છે કે કેવા પ્રકારના હુમલાથી મોટી જાનહાનિ સર્જી શકાય.
તરત જાણ કરવા કરાઇ તાકીદ
અલકાયદાના આ કારસાને પગલે રેલવે તંત્ર એલર્ટ થયું છે. રેલવેએ પોતાના કર્મચારીઓને સતર્ક રહેવા તાકીદ કરી છે. સાથોસાથ કાઉન્સેલિંગ માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. બધાને તાકીદ કરવામાં આવી છે કે કોઇ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જ કાર્યવાહી કરવામાં આવે.
ટ્રેન ડ્રાઇવરોને ખાસ તાલીમ
રેલવેના ડ્રાઇવરોને પણ ખાસ પ્રકારના નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથોસાથ એમને પણ ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. જો ટ્રેક પર કોઇ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ દેખાય તો કેવા પગલાં લેવા અને શું તકેદારી રાખવી એ સહિતનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
પાટાનું સતત ચેકિંગ કરાશે
અલ કાયદાના કથિત પ્લાન સામે રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે. રેલવે કર્મચારીઓને સતર્ક રહેવાની તાકીદની સાથોસાથ રેલવે ટ્રેક પર પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રેલવે કર્મીઓને ટ્રેકનું સતત મોનિટરીંગ કરવાની અને ચેકિંગ કરવાની તાકીદ કરવામાં આવી છે.