નવી દિલ્હી : ભારતનાં દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ડેવિસ કપ ઇતિહાસનાં સૌથી સફળ યુગલ ખેલાડી બની ગયા છે. તેણે રોહન બોપન્નાની સાથે મળીને  આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ન માત્ર રેકોર્ડ 43મી જીત નોંધાવી પરંતુ ભારતને ચીનની વિરુદ્ધ એશિયા ઓસિયાનાં મેચમાં સફળતા પણ અપાવી. એઆઇટીએ દ્વારા કડક નિયમનાં કારણએ 44 વર્ષીય પેસ અને બોપન્ના આ મેચમાં એક સાથે રમવા માટે તૈયાર થયા હતા. આ બંન્નએ ડુ ઓર ડાઇ પ્રકારની મેચમાં ચીનનાં મો ઝીન ગોંગ અને ઝી ઝાંગની ચીની જોડીને ત્રણ સેટ સુધી ચાલેલ મેચમાં 5-7, 7-6(5), 7-6(3)થી પરાજીત કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામકુમાર રામનાથન અને સુમીત નાગલ બંન્નેએ એકલ મેચોમાં હારવાનાં કારણે ભારત 0-2થી પાછળ રહ્યું હતું અને તેણે પોતાની આશા જીવંત રાખવા માટે યુગલમાં દરેક પરિસ્થિતીમાં જીતવું પડે તેમ હતું. વર્લ્ડ ગ્રુપ પ્લે ઓફમાં સ્થાન બનાવવા માટે ભારતીય યુવા એકલ ખેલાડી હવે ઉલટ એકલનાં બંન્ને મેચ જીતવી પડશે. ડેવિસ કપમાં છેલ્લા ઘણા વર્ષોથીભારતનાં નાયક રહેલા પેસ લાંબા સમયથી ઇટાલીનાં નિકોલા પીટરાંજલીની સાથે 42 જીતની બરાબરી પર હતો પરંતુ આખરે તે રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો. 


પેસે 16 વર્ષની ઉંમરે 1990માં જીશાન અલી સાથે ડેવિસ કપમાં પ્રવેશ કર્યો હતો. હવે જીશાન ટીમનાં કોચ છે. ત્યાર બાદ તેણે મહેશ ભુપતીની સાથે સફળ જોડી બનાવી જે હવે ટીમનાં કેપ્ટન છે. પોતાનાં ચમકદાર કેરિયરમાં પેસે ભુપતીની સાથે મળીને ડેવિસ કપમાં સતત સૌથી વધારે 24 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો. આ બંન્ને ખેલાડીએ 90નાં દશકનાં આખરી વર્ષોમાં એટીપી સર્કીટ પર ધુમ મચાવી હતી. 
બોપન્ના ચીનની વિરુદ્ધની આ મેચમાં પહેલા પેસની સાથે રમવા માટે તૈયાર નહોતો, જો કે આજે તેણે સારૂ પ્રદર્શન કર્યું હતું. ત્રીજા સેટમાં સર્વિસ ગુમાવવા ઉપરાંત તેની સર્વિસ ગેમ ખુબ જ સારી રહી હતી. તેની તીખી સર્વિસમાંથી પાર મેળવવો ચીની ખેલાડીઓ માટે સરળ નહોતું. બીજી તરફ પેસે નેટ પર હંમેશાની જેમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.