COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્લીઃ ભારતમાં કોરોના વેક્સીનનો ઈંતઝાર ખતમ થતો જોવા મળી રહ્યો છે. કોવિશીલ્ડ વેક્સીનના ઉપયોગની મંજૂરી આપવાની વાત ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે નવું વર્ષ ભારત માટે વેક્સીનની દ્રષ્ટિએ રાહતના સમાચાર લઈને આવશે. જોકે શરૂઆતના તબક્કામાં કોવિશીલ્ડ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની યોજના છે. નવા વર્ષની શરૂઆત પહેલાં જ ભારત માટે રાહતના સમાચાર છે. આ એટલા માટે કેમ કે ભારતને સૌથી વધારે આશા ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની આ વેક્સીન પાસેથી છે. જણાવી દઈએ કે ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની આ વેક્સીનનું નામ AZD1222 છે. પરંતુ ભારતમાં આ વેક્સીનને કોવિશીલ્ડ નામથી તૈયાર કરવામાં આવી રહી છે.


બ્રિટને ઓક્સફર્ડની વેક્સીનને આપી મંજૂરી:
એકબાજુ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ઓક્સફર્ડની વેક્સીનને મંજૂરી આપી દીધી છે. પુણેમાં આવેલ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં મોટાપાયે કોવિશીલ્ડના ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતમાં દરેક ડોઝની કિંમત 500થી 600 રૂપિયા સુધી હોઈ શકે છે. ઓક્સફર્ડની આ કોરોના વેક્સીન ટ્રાયલમાં 90 ટકા સુધી અસરકારક રહી છે. જોકે સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલાનું કહેવું છે કે 2-3 મહિનાના અંતરે બે ડોઝ આપવામાં આવશે તો તેની અસર 95 ટકા સુધી રહેશે.


જુલાઈ સુધી 30 કરોડ ડોઝ તૈયાર થશે:
સીરમ ઈન્સ્ટીટ્યૂટને ઉત્પાદનની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની માનવામાં આવે છે. તેની સ્થાપના 1966માં ડૉ.સાયરસ એસ પૂનાવાલાએ કરી હતી. SIIએ નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશો માટે કોરોના વેક્સીનની એક અરબ ડોઝના સપ્લાય માટે ઓક્સફર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની સાથે કરાર કર્યો છે. જોકે આ સીરમ ઈન્સ્ટીટ્યૂટની કમાન આદર પૂનાવાલા સંભાળી રહ્યા છે. આદર પૂનાવાલાનું માનવું છે કે અમે જુલાઈ 2021 સુધી લગભગ 30 કરોડ ડોઝનું ઉત્પાદન કરીશું. સીરમનો દાવો કરે છે કે 5 કરોડ ડોઝ તૈયાર થઈ ગયા છે.


સીરમની વેક્સીન 170 દેશોમાં પહોંચે છે:
સીરમની વેક્સીન પોર્ટફોલિયોમાં પોલિયો, ડિપ્થેરિયા, ટેટનસ, પર્ટસિસ, HIB, R-હેપેટાઈટિસ-બી, મીઝલ્સ, મમ્પ્સ અને રૂબેલાની વેક્સીનો સમાવેશ થાય છે. કંપનીનું અનુમાન છે કે દુનિયાના લગભગ 65 ટકા બાળકોને સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવેલી ઓછામાં ઓછી એક વેક્સીન ચોક્કસ લગાવવામાં આવે છે. WHO પાસેથી માન્યતા પ્રાપ્ત તેની વેક્સીન લગભગ 170 દેશો સુધી પહોંચે છે.


કેવી રીતે પહોંચશે વેક્સીન?
ભારત સરકારે વેક્સીન લોકો સુધી પહોંચાડવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. સરકારનો ટાર્ગેટ છે કે શરૂઆતમાં 30 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવશે. ગુજરાત, પંજાબ, આંધ્ર પ્રદેશ અને અસમમાં બે દિવસની મોકડ્રીલ પણ કરવામાં આવી. સરકારે વેક્સીન મેળવવા માટેના જરૂરી લોકોનો ડેટાબેઝ તૈયાર કરી લીધો છે.તેમાં કોરોના વોરિયર્સ સહિત 50 વર્ષથી વધારે ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. આ બધા લોકોને મોબાઈલ ફોન પર SMS દ્વારા વેક્સીનેશનની જાણકારી આપવામાં આવશે.