કપરો સમય જીવનમાં ગમે ત્યારે આવી શકે છે. આવામાં સૌથી વધુ જરૂર પૈસાની પડતી હોય છે. જો આ જરૂરિયાતો ક્યાયથી પણ પૂરી થઈ શકે તેમ ન હોય તો વ્યક્તિ પર્સનલ લોન લઈને કે પછી કોઈની પાસેથી ઉધાર પૈસા લઈને કામ ચલાવે છે. પરંતુ જો તમારી પાસે એલઆઈસી પોલીસી હોય અને તેના પર લોનની સુવિધા ઉપલબ્ધ હોય તો સમજી લો કે આ તમારા માટે મુશ્કેલ સમયમાં મોટો સહારો  બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલઆઈસી પોલીસી પર લેવાયેલી લોન સામાન્ય રીતે પર્સનલ લોન કરતા સસ્તી પડે છે. તેના કરતા પણ સારી વાત એ છે કે આ લોનમાં રિપેમેન્ટની સુવિધા ખુબ સરળ છે. સામાન્ય રીતે લોન લીધા બાદ તરત પછીના મહિનાથી ઈએમઆઈ શરૂ થઈ જાય છે. પરંતુ આ લોનમાં દર મહિને ઈએમઆઈ ચૂકવવાનો લોડ હોતો નથી. તમે તમારી સુવિધા પ્રમાણએ આ લોન ચૂકવી શકો છો. જાણો આ લોન વિશે વધુ વિગતો...


LIC પોલીસી પર લોન લેવાના ફાયદા
એલઆઈસી પોલીસી પર મળનારી લોન સિક્યોર્ડ લોનની શ્રેણીમાં આવે છે. કારણ કે લોન ગેરંટી તમારી લાઈફ ઈન્શ્યુરન્સ પોલીસી હોય છે. આવામાં વધુ પેપરવર્કની જરૂર પડતી નથી અને લોન જલદી મળી જાય છે. ગ્રાહકો ફક્ત 3થી 5 દિવસના સમયગાળામાં લોનની રકમ મેળવી શકે છે. એલઆઈસી પર લોનનો એક ફાયદો એ છે કે તમારે તમારી પોલીસી સરન્ડર કરવી પડતી નથી. આવામાં તમને વીમાંથી મળનારા ફાયદા ખતમ થતા નથી॥ આ લોન પર્સનલ લોનની સરખામણીએ સસ્તી છે. આ સાથે જ તેને લેતી વખતે પ્રોસેસિંગ ફી કે હિડન ચાર્જ લાગતા નથી. આવામાં લોનના વધારાના ખર્ચા બચી જાય છે. 


દર મહિને હપ્તાની ઝંઝટ નહીં
એલઆઈસી પોલીસી પર લેવાતી લોન ચૂકવવા માટે સારો એવો સમય મળે છે કારણ કે આ લોનનો સમયગાળો ઓછામાં ઓછા 6 મહિનાથી લઈને ઈન્શ્યુરન્સ પોલીસીની મેચ્યોરિટી સુધી હોય છે. સામાન્ય રીતે એલઆઈસીની પોલીસી લાંબા ગાળાની હોય છે. આવામાં વ્યક્તિને ઘણો સમય મળી જાય છે. તેનું રિપેમેન્ટ ઘણું સરળ હોય છે. ગ્રાહકોને દર મહિને ઈએમઆઈ ચૂકવવાનું ટેન્શન હોતું નથી. જેમ જેમ પૈસા જમા થતા જાય તેમ તેમ તે પ્રમાણે ચૂકવણી કરી શકો છો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે વાર્ષિક વ્યાજ તેમાં જોડાતું રહેશે. જો કોઈ ગ્રાહક 6 મહિનાના ન્યૂનતમ સમયગાળાની અંદર લોન ચૂકવી દે તો તેણે 6 મહિનાના પૂરા સમયગાળા માટે વ્યાજ ચૂકવવાનું રહેશે. 


લોન ચૂકવવા માટે 3 વિકલ્પ
- પૂરી મૂળ રકમને વ્યાજ સાથે ચૂકવો.
- વીમા પોલીસીના મેચ્યુરિટી સમયે ક્લેમ અમાઉન્ટ સાથે મૂળ રકમની પતાવટ કરો. આવામાં ત્યારે તમારે ફક્ત વ્યાજની રકમ ચૂકવવાની રહેશે. 
- વાર્ષિક વ્યાજ રકમ ચૂકવો અને મૂળ રકમને અલગ રીતે ચૂકવો. 


લોન સંબંધિત નિયમો
- વીમા પોલીસી સામે લોન ફક્ત કેટલીક ગણતરીની પોલીસીઓ જેમ કે ટ્રેડિશનલ અને એન્ડોમેન્ટ પોલીસીની સામે જ મળે છે. 
- લોનની રકમ સરન્ડર વેલ્યૂ પ્રમાણે નક્કી થાય છે. તમારી પોલીસીની સરન્ડર પોલીસી વેલ્યૂના 80 થી 90 ટકા સુધી લોન મળી શકે છે. 
- લોન પોલીસીનો વ્યાજ દર પોલીસી હોલ્ડરની પ્રોફાઈલ પર નક્કી થાય છે. સામાન્ય રીતે તે 10 થી 12 ટકા સુધી હોય છે. 
- પોલીસી પર લોન આપતી વખતે વીમા કંપની તમારી પોલીસી ગિરવે મૂકે છે. 
- લોન પાછી ન કરી શકવા કે પછી લોનની બાકી રકમ પોલીસીની સરન્ડર વેલ્યૂ કરતા વધુ થઈ જાય તો કંપનીને તમારી પોલીસી સમાપ્ત કરવાનો અધિકાર છે. 
- જો તમારી વીમા પોલીસી લોન ચૂકવતા પહેલા મેચ્યોર થઈ જાય તો તમારી રકમથી વીમા કંપની લોનની રકમ કાપી શકે છે. 


લોન માટે કેવી રીતે કરવી અરજી
પોલીસીની સામે લોન  લેવા માટે તમે ઓનલાઈન કે ઓફલાઈન  બંને રીતે અરજી કરી શકો છો. ઓફલાઈન અરજી કરવા માટે તમારે એલઆઈસી ઓફિસમાં જઈને કેવાયસી ડોક્યુમેન્ટ્સ સાથે લોન માટે અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે LIC ઈ સેવાઓ માટે રજિસ્ટ્રેશન કરાવો. ત્યારબાદ તમારા એકાઉન્ટમાં લોગઈન કરો. ત્યારબાદ ચેક કરો કે તમે વીમા પોલીસી સામે લોન લેવા માટે યોગ્યતા ધરાવો છો કે નહીં. જો યોગ્યતા ધરાવતા હોવ તો લોનના નિયમ, શરતો, વ્યાજ દર વગેરે અંગે સારી રીતે વાંચી લો. ત્યારબાદ  અરજી સબમિટ કરો અને KYC દસ્તાવેજોને ઓનલાઈન સબમિટ કરો.