મહામાનવના મહાપ્રયાણથી એક મહાયુગનો આવ્યો અંત: વાજપેયી પંચમહાભુતગ્ન
સંપુર્ણ સૈન્ય અને રાજકીય સન્માન સાથે દેશના અજાતશત્રુ નેતા અટલ બિહારી વાજપેયીને અંતિમ વિદાય આપવામાં આવી હતી
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને ભાજપનાં દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) પંચતત્વમાં વિલીન થઇ ચુક્યા છે. ગુરૂવારે સાંજે પાંચ વાગીને પાંચ મિનિટે નવી દિલ્હીની એમ્સમાં પૂર્વ વડાપ્રધાન વાજપેયીએ અંતિમ શ્વાસ લીધા. શુક્રવારે સાંજે નવી દિલ્હીનાં રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા. અટલ બિહારી વાજપેયીને તેમની પુત્રી નમિતા ભટ્ટાચાર્યએ સાંજે પાંચ વાગ્યે મુખાગ્ની આપી.
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુત્રી નમિતાએ મુખાગ્ની અર્પીત કરી હતી. અત્રે ઉલ્લેખીય છે કે, વડાપ્રધાન મોદીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અંતિમ મુખાગ્ની અર્પીત કરી હતી તે નમિતા તેમની દત્તક પુત્રી હતા. અટલ બિહારી વાજપેયી સંઘને આજીવન સમર્પીત થયા હતા. જેના પગલે તેઓ આજીવન અપરણિત રહ્યા હતા. પરંતુ તેમણે એક પુત્રી દત્તક લીધી હતી. જેમણે વાજપેયીને મુખાગ્ની અર્પીત કરી હતી.
આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત મોટી હસ્તીઓ હાજર રહ્યા હતા. સેનાનાં ત્રણેય અંગોના પ્રમુખે પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સલામી આપી હતી.
ભૂટાન નરેશ જિગ્મે ખેસર, અફઘાનિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકાના વિદેશ મંત્રીઓ સહિત ઘણા વિદેશી નેતાઓએ પણ વાજપેયીને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. ગુરૂવારે સાંજે તેમનાં પાર્થિવ શરીરને તેમનાં આવાસ પર રાખવામાં આવ્યો, જ્યાં દિગ્ગજ નેતાઓએ તેમણે શ્રદ્ધાંજલી અર્પીત કરી. શુક્રવારે સવારે 9 વાગ્યે તેમનાં પાર્થિવ શરીરને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક ખાતે લાવવામાં આવ્યો. જ્યાં સામાન્ય લોકો સહિત વીવીઆઇપી લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.
આજે બપોરે આશરે 2 વાગ્યે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમથકથી શરૂ થઇ જે સ્મૃતી સ્થળ પર જઇને અટકી હતી. અંતિમ યાત્રામાં વડાપ્રધાન મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવી સહિત ભાજપના ધણા દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ સંપૂર્ણ અંતિમ યાત્રામાં સામાન્ય લોકોની સાથે પગપાળા સ્મૃતી સ્થળ સુધી પહોંચ્યા હતા.
04.57 PM: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્યએ મુખાગ્નિ અર્પીત કરી
04.39 PM: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ, મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.
04.29 PM: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં પાર્થિવ શરીર પરથી ત્રિરંગો પાછો લેવામાં આવ્યો. અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ.
04.25 PM:પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
04.19 PM: ભૂટાન નરેશે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને અંતિમ શ્રદ્ધાંજલી પાઠવી
04.15 PM: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્મૃતિ સ્થળ પહોંચીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી પાઠવી.
04.05 PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી અર્પી.
સ્મૃતિ સ્થળ પર દિગ્ગજ રાજનેતાઓ હાજર
સ્મૃતિ સ્થળ પર પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત તમામ પક્ષોના પ્રમુખ નેતાઓ હાજર છે. પીએમ મોદી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ સ્મૃતિ સ્થળ પર અટલજીને શ્રદ્ધાંજલિ આપી.
અટલજીનો પાર્થિવ દેહ સ્મૃતિ સ્થળ લવાયો
જ્યાં અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કરવાના છે તે સ્થળે અટલજીનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે. થોડીવારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અંતિમ યાત્રા શરૂ, PM મોદી સહિત આખી કેબિનેટ સાથે
ભાજપના હેડક્વાર્ટરથી તેમના પાર્થિવ દેહને સેનાના શણગારેલા ટ્રકમાં રાખવામાં આવ્યો અને સ્મૃતિ સ્થળ સુધી અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ દમમિયાન પોતાના લાડીલા નેતાના અંતિમ દર્શન માટે લોકોનો જનસૈલાબ ઉમટી પડ્યો છે. લોકો નારા લગાવી રહ્યાં છે. અટલજીની અંતિમ યાત્રામાં સામેલ થઈ રહ્યાં છે. પીએમ મોદી સહિત કેબિનેટના તમામ નેતાઓ પગપાળા ચાલી રહ્યાં છે.
હવે અંતિમ યાત્રાની થઈ રહી છે તૈયારીઓ
મળતી માહિતી મુજબ અટલજીના અંતિમ દર્શન માટે હવે લોકોને રોકી દેવાયાછે. ફરીથી ભાજપ હેડક્વાર્ટર પહોંચેલા પીએમ મોદીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક સાથે અટલજીને શ્રદ્ધાંજલિ આપી. હવે તેમની અંતિમ યાત્રા કાઢવાની તૈયારીઓ થઈ રહી છે.
પીએમ મોદી સહિત મોટા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદી અને અમિત શાહ સહિતના ભાજપના તમામ મોટા નેતાઓએ અટલજીના પાર્થિવ દેહ પર પુષ્પ ચઢાવીને શ્રદ્ધાંજલિ આપી. લાલકૃષ્ણ અડવાણીએ પણ અટલજીને શ્રદ્ધાંજલિ આપી. ભાજપના હેડક્વાર્ટરમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય પાર્ટીઓના નેતાઓ પણ હાજર છે. અટલજીના અંતિમ સંસ્કારમાં નેપાળના વિદેશ મંત્રી પ્રદીપકુમાર, બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહેમૂદ અલી, ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને પાકિસ્તાનના પ્રતિનિધિ પણ સામેલ થશે.
ભાજપ હેડક્વાર્ટર લવાયો પાર્થિવ દેહ
અટલજીનો પાર્થિવ દેહ ભાજપના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો હાજર છે. અટલજી માટે નારા લાગી રહ્યાં છે. પીએમ મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હાજર છે.
ભાજપ હેડક્વાર્ટર લઈ જવાઈ રહ્યો છે પાર્થિવ દેહ
પૂર્વ પીએમના પાર્થિવ દેહને હવે ભાજપના હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. અહીં પણ લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા એક વાગે કાઢવામાં આવશે.
ફૂલોથી સજાવેલા ટ્રકમાં લઈ જવાશે પાર્થિવ દેહ
લગભગ 8.45 વાગે અટલજીના નિવાસ સ્થાને લોકોને અંતિમ દર્શન કરતા રોકવામાં આવ્યાં. હવે તેમના પાર્થિવ દેહને ભાજપના હેડક્વાર્ટર લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. અટલજીના સરકારી નિવાસ સ્થાનની બહાર અને ભાજપના મુખ્યાલયના રસ્તામાં મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમવાર જોવા માટે ઉમટી પડ્યા છે. અટલજીના પાર્થિવ શરીરને ફૂલોથી સજાવેલા સેનાના ટ્રકમાં રાખવામાં આવશે.
મળતી માહિતી મુજબ તેમનું પાર્થિવ શરીર સવારે 9 વાગે અંતિમ દર્શન માટે ભાજપ હેડક્વાર્ટરમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા બપોરે 1.30 વાગે કાઢવામાં આવશે. તેમના સરકારી નિવાસસ્થાને તેમના પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે.
સ્મૃતિ સ્થળે ચાર વાગે થશે અંતિમ સંસ્કાર
અટલજીના અંતિમ સંસ્કાર સાંજે ચાર વાગે દિલ્હીના સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. આ જાણકારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આપી. શાહે કહ્યું કે લોકો શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી તેમના નિવાસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. અટલજીના નિધન પર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
ભાજપના હેડક્વાર્ટરમાં રખાશે પાર્થિવ દેહ
સ્મૃતિ સ્થળ પર અંતિમ સંસ્કાર એક ઊંચા સ્થળ પર કરવામાં આવશે. જે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલો છે. સ્મૃતિ સ્થળ જવાહરલાલ નેહરુના સ્મારક શાંતિ વન અને લાલ બહાદુર શાસ્ત્રીના વિજય ઘાટની વચ્ચે આવેલો છે. પૂર્વ વડાપ્રધાન આઈ કે ગુજરાલના અંતિમ સંસ્કાર યમુના નદીના કિનારે ડિસેમ્બર 2012માં સ્મૃતિ સ્થળ પર કરવામાં આવ્યાં હતાં. શાહે કહ્યું કે ત્યારબાદ સવારે નવ વાગે તેમનો પાર્થિવ દેહ દીન દયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત ભાજપ હેડક્વાર્ટરમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે અંતિમ યાત્રા બપોરે એક વાગે ભાજપ હેડક્વાર્ટરથી શરૂ થશે. અને અંતિમ સંસ્કાર સાંજે ચાર વાગે કરવામાં આવશે.
સાત દિવસના શોકની જાહેરાત
વાજપેયીજીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને કેન્દ્ર સરકારના તમામ કાર્યાલયોમાં અડધા દિવસની રજા રહેશે. વાજપેયીજીના સન્માનમાં સરકારે સાત દિવસના શોકની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે સર્ક્યુલર જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રીય ધ્વજ સમગ્ર દેશમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે વાજપેયીના સન્માનમાં સમગ્ર ભારતમાં 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજકીય શોક મનાવવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે વિદેશમાં પણ તમામ દૂતાવાસોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.
ગુરુવારે થયું નિધન
અત્રે જણાવવાનું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ ગુરુવારે સાંજે એમ્સમાં નિધન થયું. એમ્સના મીડિયા તથા પ્રોટોકોલ ડિવિઝનના અધ્યક્ષ પ્રો.આરતી વિજ તરફથી જારી એક જાહેરાતમાં કહેવાયું કે ઊંડા શોક સાથે અમે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનની સૂચના આપી રહ્યાં છીએ. એમ્સ અનુસાર પૂર્વ વડાપ્રધાનનું નિધન ગુરુવારે સાંજે 5.05 વાગે થયું. વાજપેયીને 11 જૂન 2018થી એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ડોક્ટરોની નિગરાણીમાં છેલ્લા નવ અઠવાડિયાથી તેમની હાલત સ્થિર હતી. જો કે છેલ્લા 36 કલાકમાં તેમની તબિયત એકદમ વધારે બગડી ગઈ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં.