નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાદ' દ્વારા દેશની પ્રજાને સંબોધિત કરી હતી. મન કી બાત કાર્યક્રમની આ 47મી આવૃત્તિ હતી. પીએમ મોદીએ રવિવારે સવારે જ ટ્વીટરના માધ્યમથી દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ આપી હતી. વડા પ્રધાને મનકી બાતની શરૂઆત પણ તમામ દેશવાસીઓને રક્ષાબંધનના પાવન પર્વની શુભકામનાઓ આપીને કરી હતી. તેમણે જણાવ્યું કે, રક્ષાબંધનનો તહેવાર બહેન અને ભાઈના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. જે સદીઓથી સામાજિક સૌહાર્દનું પણ એક મોટું ઉદાહરણ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મન કી બાત કાર્યક્રમની મુખ્ય બાબતોઃ


1. વડા પ્રધાને તમામ દેશવાસીઓને થોડા દિવસ બાદ આવનારા જન્માષ્ટમીના તહેવારની પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર વાતાવરણ 'હાથી, ઘોડા, પાલકી, જય કન્હૈયાલાલ કી, ગોવિન્દા-ગોવિન્દા'ના જયઘોષથી ગુંજવાનું છે. 


2. વડા પ્રધાને બેંગલુરુમાં દસમા ધોરણમાં ભણતી ચિન્મયીનો શ્રાણવ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉપરાંત સંસ્કૃત દિવસના વિષયને ઉઠાવવા માટે આભાર માન્યો હતો. 


3. વડા પ્રધાન એ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા, જે આ મહાન વારસો સાચવવા, આગળ વધારાવા અને પ્રજા સુધી પહોંચાડવા માટે મહેનત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, દરેક ભાષાનું પોતાનું મહત્ત્વ હોય છે. ભારત એ બાબત પર ગર્વ કરે છે કે, તમિલ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે. 


4. વડા પ્રધાને જણાવ્યું કે, આપણે સૌ ભારતીયો એ બાબતે ગર્વ કરીએ છીએ કે વૈદિક કાળથી વર્તમાન સુધી સંસ્કૃક ભાષાએ જ્ઞાનના પ્રચાર-પ્રસારમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 


5. સદીના સૌથી વિનાશક પૂરનો સામનો કરી રહેલા કેરળ માટે પીએમ મોદીએ જણાવ્યું કે, દુખની આ ઘડીમાં સમગ્ર દેશ કેરળની સાથે છે. 



6. પીએમ મોદીએ અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે, 16 ઓગસ્ઠના રોજ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો. 


7. શિક્ષક દિવસના પ્રસંગે મહાન ચિંતક અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને આપણે હંમેશાં યાદ કરીએ છીએ. તેમની જન્મજયંતીને સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે મનાવે છે. હું દેશનાં તમામ શિક્ષકોને આવનારા શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવું છું. સાથે જ વિજ્ઞાન, શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે તમારા સમર્પણ ભાવનું અભિનંદન કરું છું. 


8. કેરળના ભીષણ પૂરમાં જીનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે અને આ કઠિન પરિસ્થિતિમાં સમગ્ર દેશ કેરળની પડખે ઊભો છે. આપણી લાગણીઓ એ પરિવારો સાથે છે, જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે. જે લોકોનાં મોત થયાં છે તેમને તો આપણે પાછા લાવી શકીએ એમ નથી, પરંતુ હું શોક-સંતપ્ત પરિવારોને વિશ્વાસ અપાવા માગું છું કે, સવા-સો કરોડ ભારતીયો દુખની આ ઘડીમાં તમારી સાથે ખેભે ખભો મિલાવીને ઊભા છે. 


9. પીએમ મોદીએ મુસ્લિમ મહિલાઓને આશ્વાસન આપ્યું કે, તેમને ત્રણ તલાકના મુદ્દે ન્યાય મળશે. 


10. 29 ઓગસ્ટના રોજ આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવીશું. લોકો જ્યારે ફિટ હશે તો દેશ પણ ફિટ હશે. એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા લોકોને હું અભિનંદન પાઠવું છું. 


11. આ ચોમાસુ સત્રમાં એસસી/એસટી સંશોધન બિલ પસાર થયું છે. ચોમાસુ સત્રમાં કુલ 21 બિલ પાસ થયા છે. 


12. ગુડ ગવર્નન્સને મુખ્ય ધારામાં લાવવા માટે આ દેશ હંમેશાં અટલજીનો આભારી રહેશે. અટલજીએ ભારતને જે રાજકીય સંસ્કૃતિ આપી છે અને તેમાં જે પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે, તેને એક વ્યવસ્થાના માળખામાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે અને તેના કારણે ભારતને ઘણો ફાયદો પહોંચ્યો છે તથા ભવિષ્યમાં પણ થનારો છે. 


13. 'વધુ એક આઝાદી', અટલજીના કાર્યકાળમાં જ 'ઈન્ડિયન ફ્લેગ કોડ' બનાવાયો હતો અને 2002માં તેને અમલમાં મુકી દેવાયો હતો. આ કોડને કારણે જ જાહેર સ્થળો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવો શક્ય બન્યું હતું. તેના કારણે જ વધુ ને વધુ ભારતીયોને પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવાની તક મળી હતી. અટલજીના કાર્યકાળમાં જ બજેટ રજૂ કરવાના સમયમાં ફેરફાર થયો હતો. અગાઉ અંગ્રેજોની પરંપરા પ્રમાણે સાંજે 5 કલાકે બજેટ રજૂ થતું હતું, કેમ કે એ સમયે લંડનમાં પાર્લામેન્ટ શરૂ થવાનો સમય હતો. વર્ષ 2001માં અટલજીએ જ સાંજનો 5 કલાકનો સમય બદલીને સવારે 11.00 કલાકનો કર્યો હતો. 


14. અટલજીએ દેશમાં ચૂંટણી પ્રક્રિયા અને જનપ્રતિનિધિઓ સંબંધિત વિષયોમાં સાહસિક પગલું ભરીને પાયાના સુધારા કર્યા હતા. આજકાલ દેશમાં એક સાથે કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણી કરાવવાની ચર્ચા આગળ વધી રહી છે. આ વિષયની તરફેણ અને વિરોધ બંનેમાં લોકો પોત-પોતાની વાત રજૂ કરી રહ્યા છે. એ વાત સારી છે  અને લોકશાહી માટે એક શુભ સંકેત પણ છે.