અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ સંકટમાં પાર્ટી, ક્યાં `ગાયબ` થઈ ગયા છે AAP ના 10માંથી 7 સાંસદ?
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી હાલ મોટા સંકટનો સામનો કરી રહી છે. આ બધામાં એક વાત ઊડીને આંખે વળગી રહી છે અને તે છે પાર્ટીના અનેક સાંસદોની વિરોધ પ્રદર્શનોમાં સતત ગેરહાજરી. પાર્ટીના 10માંથી માત્ર 3 સાંસદો અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. તો બાકીના 7 સાંસદો ક્યાં છે?
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી હાલ મોટા સંકટનો સામનો કરી રહી છે. આ બધામાં એક વાત ઊડીને આંખે વળગી રહી છે અને તે છે પાર્ટીના અનેક સાંસદોની વિરોધ પ્રદર્શનોમાં સતત ગેરહાજરી. પાર્ટીના 10માંથી માત્ર 3 સાંસદો અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. તો બાકીના 7 સાંસદો ક્યાં છે? લોકસભામાં આમ આદમી પાર્ટીના એકમાત્ર સાંસદ સુશીલકુમાર રિંકુએ હાલમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. જામીન પર બહાર આવેલા સંજયસિંહને જ્યારે આ મુદ્દે પૂછવામાં આવ્યું હતું તો તેમણે કહ્યું હતું કે પાર્ટી આ વિષય પર ચર્ચા કરશે.
અત્રે જણાવવાનું કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની ધરપકડ એક જ મામલે થઈ હતી. જામીન પર છૂટ્યા બાદ સંજય સિંહ આપનો ચહેરો બની રહ્યા છે. આ ઉપરાંત આપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠક અને એનડી ગુપ્તા પણ વિરોધ પ્રદર્શનમાં સક્રિય જોવા મળી રહ્યા છે. ત્યારે અનેક સાંસદો કેમ ચૂપકીદી સાધીને બેઠા છે એ લોકોના મનમાં કદાચ સવાલ પણ ઉદભવી રહ્યો હશે.
કેમ ચૂપચાપ છે રાઘવ ચડ્ઢા?
પાર્ટીના આગળ પડતા અને પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા અરવિંદ કેજરીવાલની ધરપકડ મુદ્દે કેમ શાંત છે? તેઓ ગત મહિને આંખની સર્જરી કરાવવા માટે લંડન ગયા હતા. માર્ચના અંતમાં તેઓ પાછા ફરવાના હતા. તેમની પત્ની પરિણીતી ચોપડા ફિલ્મ અમર સિંહ ચમકીલાને નેટફ્લિક્સ પર રિલીઝ કરવા માટે પાછી ફરી ચૂકી છે. પરંતુ રાઘવ ચડ્ઢા હજુ પણ લંડનમાં જ છે. 21 માર્ચના રોજ કેજરીવાલની ધરપકડ બાદ રાઘવ ચડ્ઢા સોશિયલ મીડિયામાં તો સતત ઉભરો ઠાલવી રહ્યા છે. સંજય સિંહ બહાર આવ્યા તો ખુશી પણ વ્યક્ત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ રાઘવ ચડ્ઢાની વાપસીમાં એટલે વાર લાગી રહી છે કે કારણ કે સર્જરી બાદ તેમને તાપથી દૂર રહેવા કહેવાયું છે. પાર્ટીના જ એક નેતાએ કહ્યું કે જેવી મંજૂર મળશે તેઓ પહેલાની જેમ પાર્ટીની ગતિવિધિઓમાં સામેલ થશે.
સ્વાતિ માલિવાલ
આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ હાલ અમેરિકામાં છે. તેમણે પાર્ટીને કહ્યું કે તેમની ત્યાં રહેવાની જરૂર છે. કારણ કે તેમની બહેન બીમારીમાંથી બહાર આવી રહ્યા છે. માલીવાલ સોશયિલ મીડિયા પર પાર્ટીના સપોર્ટમાં સતત પોસ્ટ શેર કરી રહ્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે આપના અનેક નેતાઓ કેજરીવાલના સમર્થનમાં આવી રહ્યા નથી. જો કે માલીવાલે આ ખબરનું ખંડન કર્યું છે.
હરભજન સિંહ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પંજાબથી રાજ્યસભાના સાંસદ બનાવ્યા બાદ ભાગ્યે જ એવું જોવા મળ્યું હશે કે તેઓ પાર્ટીની ગતિવિધિઓમાં સામેલ થયા હોય. કેજરવાલની ધરપકડ ઉપર પણ તેઓ શાંત છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર હાલમાં અનેક પોસ્ટ શેર કરી છે પરંતુ બધી આઈપીએલ વિશે છે. હરભજન સિંહે 24 માર્ચના રોજ પંજાબના મુખ્યમંત્રી અને આપ નેતા ભગવંત માનને દીકરીના જન્મ પર શુભેચ્છાઓ પાઠવી હતી પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આપ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેશે તો તેમણે ના પાડી હતી.
અશોક કુમાર મિત્તલ
પંજાબ સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સંસ્થાપક અને આપ સાંસદ અશોક કુમાર મિત્તલ પણ પાર્ટી ગતિવિધિઓમાંથી મોટાભાગે ગેરહાજર રહ્યા છે. તેમણે કહ્યું કે પાર્ટીના વિરોધ પ્રદર્શન વિશે વાત કરવા માટે તેઓ અધિકૃત નથી. પાર્ટી મુખ્યાલય અમને જણાવશે કે શું કરવાનું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે તેમને પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાલમાં જ બોલાવવામાં આવ્યા નહતા.
સંજીવ અરોડા
પંજાબથી વધુ એક આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોડાએ કહ્યું કે તેમણે કેજરીવાલની ધરપકડ બાદ 24 માર્ચના રોજ પત્ની સુનિતા કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. જો કે તેમણે રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં હોવાની વાત સ્વીકારી હતી. અરોડાએ કહ્યું હતું કે તેઓ એટલા માટે સામેલ નહતા થઈ શક્યા કારણ કે તેઓ લુધિયાણામાં પાર્ટીના એક કામમાં વ્યસ્ત હતા. તેમણે કહ્યું કે તેમણે હંમેશા તેમને સોંપાયેલા જવાબદારી પૂરી કરી છે. હું એનડી ગુપ્તાના સતત સંપર્કમાં છું. જે રાજ્યસભામાં અમારા નેતા છે. જો મને વિરોધ પ્રદર્શન માટે આવવાનું કહેશે તો હું ત્યાં હાજર રહીશ.
બલવીર સિંહ સીચેવાલ
પંજાબથી આપના રાજ્યસભા સાંસદ બલવીર સિંહ સીચેવાલ પણ પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા નથી. જ્યારે તેમને તેમની ગેરહાજરી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું એક ધર્મનિષ્ઠ વ્યક્તિ છું અને મારા કર્તવ્યોનું પાલન કરું છું. જો કોઈ યોજના હશે તો અમે તે શેર કરીશું.
વિક્રમજીત સિંહ સાહની
સાહની પણ અન્ય સાંસદોની જેમ આમ આદમી પાર્ટીના મોટાભાગની ગતિવિધિઓમાં ગેરહાજર જોવા મળ્યા છે. તેઓ અરવિંદ કેજરીવાલની ધરપકડ ઉપર પણ શાંત છે. છેલ્લા કેટલાક દિવસમાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે લેખક ખુશવંત સિંહની સ્મૃતિની સભામાં પોતાની વાત રજૂ કરી હતી.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube