દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે 2 જૂનના રોજ તિહાડ જેલમાં તેઓ પાછા ફરશે તો પણ તેમનો રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે જો તેઓ લોકતંત્રને જેલમાં નાખશે તો અમે તેમને જેલમાંથી લોકતંત્ર ચલાવીને દેખાડીશું. કેજરીવાલે દાવો કર્યો કે જો ભાજપ સત્તામાં પાછો ફરશે તો ચૂંટણી થશે નહીં કે પછી રશિયા, બાંગ્લાદેશ, અને પાકિસ્તાનમાં થતી ચૂંટણીઓની જેમ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, જો તેઓ (ભાજપ) જીતશે તો મમતા બેનર્જી, રાહુલ ગાંધી, પિનારાઈ વિજયન, એમ કે સ્ટાલિન, સહિત તમામ જેલમાં હશે અને પછી ચૂંટણી થશે નહીં. તેમણે સમજવું જોઈએ કે તેઓ લોકતંત્રને અત્યાચારમાં બદલી રહ્યા છે. AAP ને ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી સતાવવામાં આવેલો રાજકીય પક્ષ ગણાવતા તેમણે કહ્યું કે તેના સભ્યો પર 250થી વધુ 'ફેક કેસ' લગાવવામાં આવ્યા છે અને 130થી વધુ  કેસમાં છૂટકારો થઈ ગયો છે. 


અરવિંદ કેજરીવાલે ચૂંટણી બોન્ડને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું અને કહ્યું કે આવો ફક્ત એક નહીં પરંતુ અનેક કૌભાંડો છે. તેમણે કહ્યું કે જો ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો પહેલા 100 દિવસમાં તમામ ચૂંટણી બોન્ડ ફંડની તપાસ કરવામાં આવશે. કેજરીવાલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં કહ્યું કે હું દિલ્હીમાં મોટાપાયે પ્રચાર કરી રહ્યો છું અને પંજાબ, કુરુક્ષેત્ર, ભિવંડી, મુંબઈ, લખનઉ, અને જમશેદપુરનો પ્રવાસ કરી ચૂક્યો છું. મે અનેક લોકો સાથે વાત કરી છે. મોંઘવારી અને બેરોજગારીથી લોકો પરેશાન અને ખુબ ગુસ્સામાં છે. પરંતુ પ્રધાનમંત્રીજી તેના વિશે વાત કરતા નથી. મુંબઈમાં તેમણે કહ્યું કે શરદ પવાર ભટકતી આત્મા છે. ઉદ્ધવ ઠાકરે તેમના પિતાનું નકલી સંતાન છે અને ઈન્ડિયા ગઠબંધન તમારું મંગળસૂત્ર છીનવી લેશે. લોકો પોતાની સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે પરંતુ અસલ મુદ્દાઓ પર વાત નથી કરતા.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી માટે સત્તા મહત્વની નથી. અમે સરકારમાં રહીએ કે બહાર રહીએ તે મહત્વપૂર્ણ નથી. એ તો સમય નક્કી કરશે. મહત્વપૂર્ણ એ છે કે અમારી તમામ ગેરંટીઓ પૂરી કરવાની ગેરંટી હું લઉ છું. આ ગેરંટી સામાન્ય માનવીના જીવનને સ્પર્શે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube