Lok Sabha Election 2024: ખોબલે ખોબલે મત મળે છતાં પોતાની સરકાર બને તેની કોઈ ગેરંટી નથી! જાણો શું કહે છે આ આંકડા
લોકસભા ચૂંટણીનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. જેમાં ઓછું મતદાન દરેક પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ શું વધુ મત મળે તો પણ જીત મળી જ જાય તેની કોઈ ગેરંટી છે ખરી? ખાસ વાંચો આ અહેવાલ....
લોકસભા ચૂંટણીનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. જેમાં ઓછું મતદાન દરેક પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ શું વધુ મત મળે તો પણ જીત મળી જ જાય તેની કોઈ ગેરંટી છે ખરી? લોકસભા ચૂંટણી 2019માં ફક્ત 37.7 ટકા વોટશેર સાથે ભાજપે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ 303 બેઠકો જીતી હતી. બીજી બાજુ 1989માં લગભગ 40 ટકા જેટલા મત મેળવીને પણ કોંગ્રેસ 200 સીટોનો આંકડો પણ પાર કરી શકી નહતી. આખરે આવું કેમ?
આ કારણ હોઈ શકે?
ચૂંટણીમાં વધુમાં વધુ પાર્ટીઓ સામેલ હોવા અને ગઠબંધન રાજકારણના ચલણના કારણે આવું થઈ રહ્યું છે. વાસ્તવમાં 1989 અને 2019ની લોકસભા ચૂંટણીઓ વચ્ચે 40 વર્ષમાં સૌથી મોટી પાર્ટીનો વોટશેર 20 ટકાથી 40 ટકા વચ્ચે જ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગઠબંધનનું રાજકારણ પણ જોરશોરથી વધ્યું. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવવા એ સરકાર બનાવવાની ગેરંટી નથી. કમસેકમ આ આંકડા જોતા તો કઈક એવું જ લાગે છે.
ચૂંટણી થઈ તે વર્ષ | રાજકીય પક્ષ | સીટો મેળવી | વોટશેર (ટકાવારી) |
1951 | કોંગ્રેસ | 364 | 45 |
1957 | કોંંગ્રેસ | 371 | 47.8 |
1962 | કોંગ્રેસ | 361 | 44.7 |
1967 | કોંગ્રેસ | 283 | 40.8 |
1971 | કોંગ્રેસ | 352 | 43.7 |
1977 | બીએલડી | 295 | 41.3 |
1980 | કોંગ્રેસ | 353 | 42.7 |
1984-85 | કોંગ્રેસ | 414 | 48.1 |
1989 | કોંગ્રેસ | 197 | 39.4 |
1991-92 | કોંગ્રેસ | 244 | 36.4 |
1996 | ભાજપ | 161 | 20.3 |
1998 | ભાજપ | 182 | 25.6 |
1999 | ભાજપ | 182 | 23.8 |
2004 | કોંગ્રેસ | 145 | 26.5 |
2009 | કોંગ્રેસ | 206 | 28.6 |
2014 | ભાજપ | 282 | 31.3 |
2019 | ભાજપ | 303 | 37.7 |
વધતા રાજકીય પક્ષો
1951માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં 53 પાર્ટીઓ મેદાનમાં હતી જ્યારે 2019ની ચૂંટણી આવતા સુધીમાં તો આ આંકડો 12 ગણો વધી ગયો. 2019ની લોકસભા ચૂંટણીમાં 670 પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં ભાગ્ય અજમાવી રહી હતી.
2016માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ આવું જ કઈક થયું હતું. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેમને મળેલા મતોની ટકાવારી હિલેરી ક્લિન્ટન કરતા ઓછી હતી. 2018માં મધ્ય પ્રદેશની ચૂંટણીમાં પણ આવું જોવા મળ્યું હતું જ્યાં કોંગ્રેસને મળેલા કુલ મતોની ટકાવારી ભાજપ કરતા ઓછી હતી પરંતુ આમ છતાં સીટોના મામલે ભાજપ કરતા આગળ હતી. 230 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 114 બેઠકો જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી.
દેશમાં પ્રત્યે સીટ પર સરેરાશ 17.85 લાખ મતદારો છે. કુલ મતદારોની સંખ્યા 96.97 કરોડ જેટલી છે. ઓછી વોટ વેલ્યુ (વધુ મતદારો હોવા છતાં ઓછા સાંસદ ચૂંટવાની તક)ની રીતે દેશના ટોપ 5 રાજ્યોમાં રાજસ્થાન (21.04), દિલ્હી (21.04), હરિયાણા (19.83), મધ્ય પ્રદેશ (19.45) અને તેલંગણા (19.43) છે. સૌથી વધુ વોટવેલ્યુ ધરાવતા રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ (4.44), ના મતદારોની છે. ત્યારબાદ સિક્કિમ (4.64), ગોવા (5.83), મિઝોરમ (8.61) અને મણિપુર (10.24) નો નંબર આવે છે. તમે રાજ્યના કુલ મતદારોની સંખ્યાને રાજ્યની કુલ લોકસભા સીટોથી ભાગી નાખો તો તમને તમારા રાજ્યની વોટવેલ્યુ ખબર પડી જશે.
ભાજપનો 400 બેઠકોનો લક્ષ્યાંક
આ વખતની લોકસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપે 400 પ્લસ સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપને ફાળે 303 બેઠકો ગઈ હતી. ભાજપે કુલ જેટલી સીટો જીતી હતી તેમાંથી ત્રણ ચતુર્થાંશ (224) સીટો પર તેને 50 ટકાથી વધુ મતો મળ્યા હતા. કોંગ્રેસ માટે આવી સીટોની સંખ્યા માત્ર 18 જેટલી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube