મહારાષ્ટ્રમાં ગઠબંધનની ગાંઠ! ઉદ્ધવ ઠાકરેની મનમાની... કોંગ્રેસ-પવાર નારાજ
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી એટલે કે વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો પેંચ એવો ફસાયો કે હજુ પણ ઉકેલાયો નથી... વિપરીત રીતે આંતરીક વિખવાદો સતત વધી રહ્યા છે..
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહામુસિબતમાં હોય તેવું લાગી રહ્યું છે.. મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીને લઈને મહાસંગ્રામ જામ્યો છે.. ઉદ્ધવ ઠાકરેની મનમાની એવી કે જાતે જ કોઈ પણ ચર્ચા વિના 17 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા.. જેના કારણે કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી પાર્ટીમાં ભારે નારાજગી વ્યાપી છે.. જેના પરથી સવાલ થાય કે, શું મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનું ગઠબંધન ટકશે ખરા ? કારણ કે ગઠબંધનના એક સાથી પ્રકાશ આંબેડકરે મહાવિકાસ આઘાડીને રામ રામ કરી દીધા...
હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મહારાષ્ટ્રની 17 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી.. જેની સાથે જ મહાવિકાસ આઘાડીમાં મહાસંગ્રામ શરૂ થઈ ગયો છે... ઉદ્ધવ ઠાકરેના નિર્ણયથી કોંગ્રેસ અને એનસીપી બંને મહત્વના સાથીપક્ષોમાં નારાજગી વ્યાપી છે... હાલ કોંગ્રેસના શિર્ષ નેતૃત્વથી ભલે કોઈ પ્રતિક્રિયા ન આવી હોય પરંતુ મુંબઈ કોંગ્રેસના નેતા સંજય નિરુપમે સામે આવીને ઉકળાટ ઠાલવી દીધો... તેમણે ઉદ્ધવ ઠાકરે સામે શાબ્દિક પ્રહાર કર્યા.. સાથે જ કહ્યું કે, શિવસેના મુંબઈમાં કોંગ્રેસને માત્ર એક સીટ ભીખમાં આપી રહી છે, જે ક્યારેય સ્વીકાર્ય નથી.. સંજય નિરુપમે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો.. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ અમારી સાથે વાત સુદ્ધા પણ નથી કરતી.. તેઓ શિવસેના સમક્ષ ઝુકી ગયા છે.
ન માત્ર કોંગ્રેસ પરંતુ એનસીપી પણ ઉદ્ધવ જૂથના વલણથી નારાજ હોવાની ચર્ચા છે.. મુંબઈ અને પાડોશી શહેરોમાં એક પણ બેઠક ન મળતા શરદ પવાર પણ નારાજ છે... NCP હમેશા મુંબઈ નોર્થ ઈસ્ટ સીટ પર ચૂંટણી લડતી આવી છે.. ત્યાં પણ ઉદ્ધવ ઠાકરેએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી... જોકે મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે શરદ પવારે એનસીપીની મહત્વની બેઠક બોલાવી હતી અને પક્ષના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીના ઉમેદવારો મુદ્દે વાતચીત કરી હતી.
આ પણ વાંચોઃ આ વર્ષે ગરમી હેરાન કરશે, દેશના ઘણા રાજ્યોમાં 40 ડિગ્રી પાર પહોંચ્યું તાપમાન
આ તરફ મહાવિકાસ આઘાડીને બીજો ઝટકો લાગ્યો વંચિત બહુજન આઘાડીથી.. પ્રકાશ આંબડકરે ગઠબંધનને રામ રામ કરીને એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો... પ્રકાશ આંબેડકરે ગઠબંધનમાં રહેવાની જગ્યાએ 8 બેઠકો પર પોતાના લડવૈયાઓના નામ જાહેર કરી દીધા... છેલ્લા કેટલાય દિવસોથી મહાવિકાસ આઘાડી અને પ્રકાશ આંબેડકર વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે માથાકૂટ ચાલતી હતી.. ત્યારે ગઠબંધનથી અલગ થતા શિવસેનાએ પ્રકાશ આંબેડકર સામે સવાલો ઉઠાવ્યા હતા.
મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.. જેમા શિવસેના અત્યારથી જ 22 પર લડવાનો દાવો કરી રહી છે.. ત્યારે સીટ શેરિંગના આ ગણિતમાં મહાવિકાસ આઘાડીની ગણતરી બગડી રહી છે.. જેના કારણે એક સાથીએ તો સાથ છોડી દીધો... તો કોંગ્રેસ અને એનસીપી પણ નારાજ છે.. જોકે હવે બેઠક વહેંચણીની આ બબાલનો ઉકેલ કઈ રીતે આવે છે તેના પર સૌની નજર રહેશે.