લોકસભા ચૂંટણી: આ રાજ્યમાં જો કમળ ન ખીલ્યું તો કેવી રીતે પૂરું થશે 400 પારનું સપનું?
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 400 પારનો નારો આપેલો છે. બે તબક્કાના મતદાન બાદ પીએમ મોદી દર ચૂંટણી રેલીમાં 400 પારનો નારો આપી રહ્યા છે. ભાજપ માટે 2019થી પણ સારા પ્રદર્શન માટે દક્ષિણ ભારતીય રાજ્યોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવી ખુબ જરૂરી છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 400 પારનો નારો આપેલો છે. બે તબક્કાના મતદાન બાદ પીએમ મોદી દર ચૂંટણી રેલીમાં 400 પારનો નારો આપી રહ્યા છે. ભાજપ માટે 2019થી પણ સારા પ્રદર્શન માટે દક્ષિણ ભારતીય રાજ્યોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવી ખુબ જરૂરી છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જો કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે દમ દેખાડતા વાપસી કરીને અને સત્તા મેળવી. આવામાં ભાજપ જ્યાં સુધી આ રાજ્યમાં કમળ નહીં ખીલવે ત્યાં સુધી તેના માટે 400થી વધુ બેઠકો જીતવાની મહત્વકાંક્ષા પૂરી થઈ શકે નહીં.
28 બેઠકો મહત્વપૂર્ણ
કર્ણાટકમાં લોકસભાની 28 બેઠકો છે. 2019માં ભાજપે જબરદસ્ત દમ દેખાડતા 25 બેઠકો જીતી હતી. જો કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતથી સત્તા પર આવી ગઈ. બીજી બાજુ ભાજપ હાઈ કમાન માટે પ્રદેશમાં અનેક મુશ્કેલીઓ પણ છે. કર્ણાટક ભાજપના અનેક નેતાઓ બી એસ યેદિયુરપ્પા અને તેમના પુત્ર અધ્યક્ષ બી વાય વિજયેન્દ્રથી નારાજ છે. તેના કારણે પાર્ટીમાં આંતરિક વિખવાદ અને જૂથબાજી પણ ચાલે છે. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાને પોતે મોરચો સંભાળ્યો છે ચૂંટણી પહેલા પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ જોરદાર પ્રચાર કરી રહ્યા છે.
ભાજપે અલગ અલગ ક્ષેત્રોની કમાન અલગ અલગ નેતાઓને આપેલી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યા પોતાના વિસ્તાર ઉપરાંત પ્રદેશના બીજા ભાગોમાં પણ ચૂંટણી પ્રચાર અને રેલીઓ, સભાઓ કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગત સપ્તાહ ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રદેશની અનેક મહત્વપૂર્ણ હસ્તીઓ સાથે બેઠક કરીને ભાજપના પક્ષમાં માહોલ બનાવી રહ્યા છે. ભાજપનો લક્ષ્યાંક 400 પાર છે અને પાર્ટીએ તેના માટે જેડીએસ સાથે ગઠબંધન પણ કર્યું છે.
ભાજપ પાસે આ મુદ્દા
કર્ણાટકમાં પોતાના કોર વોટરોને સાંધી રાખવા માટે ભાજપ કોશિશ કરે છે. પાર્ટીના દિગ્ગજ નેતા પોતાના ચૂંટણી પ્રચારમાં લવ જેહાદથી લઈને કોંગ્રેસ શાસનમાં તૃષ્ટિકરણ અને મુસ્લિમ અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી પ્રદેશમાં અનેક સભાઓ કરી છે. પીએમ મોદીએ મંચ પરથી નેહા મર્ડર કેસનો મામલો ઉઠાવતા લવ જેહાદ અને ધાર્મિક તૃષ્ટિકરણ અંગે જોરદાર પ્રહાર કર્યા હતા. ભાપ જે મુદ્દાને હવા આપી રહી છે તેનાથી એવો સંકેત મળી રહ્યો છે કે પાર્ટી પોતાના જૂના પ્રદર્શનને દોહરાવવા માટે આક્રમકતાના રસ્તે છે.
આ મુદ્દો વધારી શકે છે મુશ્કેલીઓ
ચૂંટણી ટાણે જેડીએસ નેતા અને પૂર્વ પ્રધાનમત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના અશ્લિલ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ આકરા પ્રહારો કરી રહી છે. રેવન્નાને એસઆઈટી તપાસ સુધી પાર્ટીએ સસ્પેન્ડ પણ કર્યા છે. જો કે તેનાથી ભાજપ અને જેડીએસ બંનેને નુકસાન થઈ શકે છે. ડેમેજ કંટ્રોલ માટે પાર્ટીના મોટા નેતાઓએ પણ મામલાથી અંતર જાળવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube