Lok Sabha Elections Result 2019 : ભાજપની આંધીમાં કોંગ્રેસ ધોવાઈ, 16 રાજ્યમાં ખાતું જ ન ખુલ્યું
લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ફરી એક વખત ભાજપની આંધી ચાલી છે. ભાજપ અને એનડીએ દ્વારા અનેક મોટા કિલ્લા ધ્વસ્ત કરી દેવાયા છે. ખાસ કરીને કોંગ્રેસની હાલત દૈશમાં સૌથી વધુ ખરાબ થઈ છે. દેશના 16 રાજ્ય એવા છે જ્યાં કોંગ્રેસનું એક પણ ખાતું ખુલી શક્યું નથી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં પણ ભાજપની લહેરે દરેકને ચોંકાવી દીધા છે. 2019નું પરિણામ ભાજપ માટે 2014 કરતા પણ સારું આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહના નારા 'અબ કી બાર, 300 પાર'નો જોરદાર જાદુ ચાલ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) આ વખતે 300ને પાર નીકળી ગઈ છે. ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન NDAનો આંકડો 350ને પાર થયો છે. ભાજપ અને NDA દ્વારા અનેક મોટા કિલ્લા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને દેશના 16 રાજ્ય એવા છે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.
સતત બીજી વખત 'પ્રચંડ મોદી લહેર' પર સરવા થઈને ભાજપે વિક્રમી સીટો મેળવીને પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. ચૂંટણી પંચ દ્વારા ગુરૂવારના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર ભાજપે 290 સીટ જીતી લીધી છે અને 13 બેઠક પર તે આગળ ચાલી રહી છે. ભાજપના ખાતામાં કુલ 303 સીટ આવી રહી છે. જેની સામે કોંગ્રેસના ખાતામાં માત્ર 52 સીટ આવી રહી છે.
નીચેના રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું જ ખુલ્યું નહીં
1. આંધ્રપ્રદેશ
2. અરૂણાચલ પ્રદેશ
3. ગુજરાત
4. રાજસ્થાન
5. હરિયાણા
6. ઉત્તરાખંડ
7. હિમાચલ
8. જમ્મુ-કાશ્મીર
9. કર્ણાટક
10. મણિપુર
11. મિઝોરમ
12. નાગાલેન્ડ
13. ઓડીશા
14. સિક્કિમ
15. ત્રિપુરા
16. દિલ્હી
ખાસ વાત રાજસ્થાન અને કર્ણાટકની છે. અહીં કોંગ્રેસની સરકાર ચાલી રહી છે, પરંતુ તેના ખાતામાં એક પણ સીટ આવી નથી. કર્ણાટકમાં 28 સીટ અને રાજસ્થાનમાં 25 લોકસભા સીટ છે. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસને 12 રાજ્યમાં એક પણ સીટ મળી ન હતી. આ વખતે કોંગ્રેસને વધુ ફટકો પડ્યો છે.
જૂઓ LIVE TV...