નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવાના છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીને નહીં પરંતુ એનડીએને બહુમત મળ્યો છે. પરંતુ સૌથી વધુ ચર્ચા અયોધ્યા એટલે કે ફૈઝાબાદ લોકસભા સીટની થઈ રહી છે. અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને હાર મળી છે. 22 જાન્યુઆરી 2024ના રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેવામાં અયોધ્યામાં ભાજપની હાર પર બધા ચર્ચા કરી રહ્યાં છે. લોકો સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યાં છે. પરંતુ અયોધ્યામાં ભાજપની હારના ઘણા કારણો છે, આપણે તેની ચર્ચા કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં સમાજવાદી પાર્ટી જીતી
અયોધ્યામાં સૌથી ચોંકાવનારૂ પરિણામ આવ્યું છે. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદને 54567 મતથી જીત મળી છે. તેમને કુલ 5,54,289 મત મળ્યા છે. તો ભાજપના લલ્લુ સિંહને 4,99,722 મત મળ્યા છે. જ્યારે ત્રીજા નંબર પર બસપાના સચ્ચિદાનંદ પાંડેને 46407 મત મળ્યા છે. 


આ પણ વાંચોઃ હવે પરીક્ષા! મોદી પાસે નથી ગઠબંધન સરકાર ચલાવવાનો અનુભવ, નીતિશ અને નાયડું છે પલટુરામ


રામ મંદિર નિર્માણનો ફાયદો મળ્યો નહીં
ભાજપે રામ મંદિર મુદ્દા પર દેશભરમાં માહોલ બનાવ્યો હતો અને તેને આશા હતી કે ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો મળશે. પરંતુ ભાજપની આ રણનીતિ ફેલ રહી અને અયોધ્યામાં તો વિપરીત પરિણામ મળ્યું છે. જનતા વચ્ચે તે ચર્ચા છે કે આવડી મોટી ઈવેન્ટ થઈ પરંતુ ભાજપ કેમ અયોધ્યામાં હારી ગયું. આપણે તે મુદ્દાની ચર્ચા કરીએ.


રામ મંદિરનાં નિર્માણ માટે ઘર અને દુકાનો તોડવામાં આવી
રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં અનેક વિકાસ કાર્યોના કામ કરવામાં આવ્યા છે. અયોધ્યામાં 14 કિલોમીટરનો લાંબો રામપથ બનાવવામાં આવ્યો છે. આ સિવાય ભક્તિ પથ અને રામજન્મભૂમિ પથ પણ બન્યા છે. પરંતુ આ વિકાસ કાર્યો  માટે અનેક લોકોના ઘર અને દુકાનો તોડવામાં આવી હતી. અયોધ્યામાં અનેક લોકોને વળતર મળ્યું નહીં. માત્ર જેની પાસે દસ્તાવેજ હતા તેને વળતર મળ્યું હતું. 


અયોધ્યામાં અનેક લોકો પાસે વર્ષો જૂની દુકાનો હતી, પરંતુ દસ્તાવેજ નહોતા. આ લોકોને કોઈ વળતર મળ્યું નહીં. તેવામાં આવા અનેક મુદ્દાને લઈને લોકો વચ્ચે નારાજગી હતી. આ મુદ્દો ચૂંટણી દરમિયાન પણ ચર્ચામાં રહ્યો હતો. જે લોકોએ પોતાની દુકાન કે ઘર ગુમાવ્યા તે ભાજપથી નારાજ હતા. તેવામાં તે લોકોએ મત ન આપી પોતાની નારાજગી જાહેર કરી છે. 


આ પણ વાંચોઃ 'અબ કી બાર માંગેગે બેશુમાર' : TDP, JDU, ચિરાગ, માંઝી અને શિંદે આંચકી જશે આ મંત્રાલયો


અનામતનો મુદ્દો પડ્યો ભારે
અયોધ્યામાં ભાજપના નેતાઓએ નિવેદનબાજીઓ કરી હતી. જનતા વચ્ચે એક સંદેશ ગયો કે ભાજપ અનામત ખતમ કરી દેશે. તેવામાં મતદાતાઓએ આ મુદ્દા પર પણ મતદાન કર્યું હતું. આ સિવાય ભાજપના ઉમેદવારે એવું કહ્યું હતું કે મોદી સરકારને 400 સીટો જોઈએ એટલે બંધારણ બદલવું છે. આ મુદ્દાની પણ લોકો વચ્ચે સૌથી વધુ ચર્ચા રહી હતી. આ મુદ્દો પણ ભાજપને ભારે પડ્યો છે. 


જાતિગત સમીકરણ
અયોધ્યામાં પાસી જાતિના લોકો મોટી સંખ્યામાં છે. તેવામાં સમાજવાદી પાર્ટીએ અવધેશ પ્રસાદને અયોધ્યાથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ઉત્તરપ્રદેશની રાજનીતિમાં અવધેશ પ્રસાદ એક મોટો દલિત ચહેરો છે અને તેમની છબી પણ છે. સપાને અયોધ્યામાં દલિતોના મત મળ્યા છે. આ સિવાય સમાજવાદી પાર્ટીના ઉમેદવારની આ ક્ષેત્રમાં  સારી લોકપ્રિયતા પણ હતી.