લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે 21 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી
આ યાદીમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની કેટલીક સીટોના ઉમેદવાર જાહેર કરાયા છે, જેમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરનો પણ સમાવેશ થાય છે જે મુરાદાબાદ બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી લડશે
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન બનાવવાની કવાયતને મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે તે ઉત્તર પ્રદેશમાં હવે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર એકલા હાથે જ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે. આ દરમિયાન કોંગ્રેસ બુધવારે લોકસભા ચૂંટણીની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની કેટલીક જાણીતી બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવાયા છે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર આગામી લોકસભા ચૂંટણી મુરાદાબાદ બેઠક પરથી લડશે. બીજું મોટું નામ પ્રિયા દત્તનું છે, જેને મુંબઈ ઉત્તર-મધ્યની બેઠક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયા દત્તના પિતા સુનિલ દત્ત લાંબા સમય સુધી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે.
લોકસભા ચૂંટણી 2019: કર્ણાટકમાં કોંગ્રેસ - જેડી(એસ) વચ્ચે 20-8ની ફોર્મ્યુલા નક્કી થઈ
આ યાદીમાં મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી નાના પટોલેને ટિકિટ આપવામાં આવી છે. નાગપુર બેઠક આરએસએસનું ગઢ છે અને અહીંથી ભાજપના નીતિન ગડકરી ચૂંટાતા આવ્યા છે. અન્ય જાણીતા નામમાં સોલાપુરથી સુશીલ કુમાર શિંદે, આસામથી રાજ્યસભાના સાંસદ સંજય સિંઘને ઉત્તર પ્રદેશની સુલતાનપુર અને પ્રતાપગઢ બેઠક પરથી રાજુકુમારી રત્નાને ટિકિટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કાર્યસમિતિની બેઠકનું આયોજન કરીને આગામી લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દેવાયું હતું. આજે, બીજા દિવસે કોંગ્રેસ કર્ણાટકમાં પણ જનતા દળ(એસ) સાથે ગઠબંધન કરી લીધું છે અને મોડી સાંજે પોતાની બીજી યાદી બહાર પાડી દીધી છે.
ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...