મધુ કોડાની પાર્ટીનો વિલય થઈ ચૂક્યો છે, પરંતુ કોડા કોંગ્રેસમાં નથીઃ કોંગ્રેસ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડો. અજય કુમારે જણાવ્યું કે, મધુ કોડા કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા નથી
જમશેદપુરઃ કોંગ્રેસે ગુરૂવારે જાહેરાત કરી હતી કે મધુ કોડા અને તેમનાં પત્ની ગીતા કોડા કાયદેસર રીતે તેમના પક્ષમાં સામેલ થઈ ગયા છે. મધુ કોડાએ પણ જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, સાથે જ તેમના પક્ષ જય ભારત સમાનતા પાર્ટીનો પણ કોંગ્રેસમાં વિલય થઈ ગયો છે. જોકે, હવે ઝારખંડમાં આ મુદ્દે નવી રાજકીય ખટપટ જોવા મળી રહી છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડો. અજય કુમારે જણાવ્યું છે કે, મધુ કોડા પક્ષમાં જોડાયા નથી. તેમણે જણાવ્યું કે, મધુ કોડાના પક્ષનો કોંગ્રેસ પક્ષમાં વિલય થઈ ગોય છે, તેમનાં પત્ની ગીતા કોડા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, પરંતુ મધુ કોડા પક્ષમાં સામેલ થયા નથી.
આ અંગે રાજકીય વિશેષજ્ઞોએ જણાવ્યું કે, મધુ કોડાની પાર્ટીનો જ્યારે કોંગ્રેસમાં વિલય થઈ ગયો છે તો પછી તેમના બહાર રહેવાનો શો અર્થ છે. સમગ્ર પક્ષ જ જ્યારે કોંગ્રેસમાં જોડાઈ ગયો હોય તો પછી તેઓ કોંગ્રેસમાં ન જોડાયા હોય એવું કેવી રીતે શક્ય બને.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે ચાઈબાસાના કોંગ્રેસ ભવનમાં મધુ કોડા અને તેમનાં પત્ની કોંગ્રેસનાં નેતાઓ સાથે મંચ પર જોવા મળ્યા હતા. મધુ કોડાએ ગળામાં કોંગ્રેસનો પટ્ટો પણ પહેર્યો હતો. ત્યાર બાદ સમાચાર આવ્યા કે મધુ કોડા અને ગીતા કોડા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, પરંતુ પાછળથી આ સમાચાર ફગાવી દેવાયા હતા.
એવું કહેવાય છે કે, જ્યાં સુધી મધુ કોડા ઉપર લાગેલા તમામ ચાર્જ સમાપ્ત થતા નથી ત્યાં સુધી તેઓ કોંગ્રેસમાં જોડાશે નહીં. તેમનાં પત્ની ગીતા કોડાને કોંગ્રેસ પક્ષના સભ્યપદના શપથ લેવડાવાયા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડો. અજય કુમારે જણાવ્યું કે, ગીતા કોડા ચાઈબાસા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનશે.
મધુ કોડાના કોંગ્રેસ સાથે જોડાવાના સમાચાર સાથે જ ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આવવા લાગી હતી. ભાજપના નેતા અને નગર વિકાસ મંત્રી સી.પી. સિંહે જણાવ્યું કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં એટલી ડૂબેલા છી કે તેમાં સારા લોકો પ્રવેશ કરશે નહીં. તેમના માટે અસલ ઘર એ જ હતું એટલે તેઓ ડૂબકી લગાવા ગયા છે.