`ધક ધક ગર્લ` માધુરી દીક્ષિત હવે કરશે `રાજકારણ`, ભાજપ તરફથી લડશે લોકસભા ચૂંટણી 2019
યુવા દિલોની ધડકન એવી ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હવે દિગ્ગજો સામે મેદાનમાં ઉતરવા આવી રહી છે. રાજકીય મેદાનમાં નવી એન્ટ્રી કરવા જઇ રહી છે. આગામી લોકસભા ચૂંટણી 2019માં તેણી ભાજપ તરફથી મેદાને જંગમાં ઉતરશે.
મુંબઇ : હેમા માલિની, પરેશ રાવલ, કિરણ ખેર જેવા બોલીવુડ સ્ટાર બાદ વધુ એક સ્ટાર ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો બનવા જઇ રહી છે. યુવા દિલોની ધડકન એવી ધક ધક ગર્લ માધુરી દીક્ષિત લોકસભા ચૂંટણી 2019માં ભાજપ તરફથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે. લોકસભા ચૂંટણી 2019 માટે માધુરી દીક્ષિત તૈયાર થઇ રહી છે. ભાજપ તરફથી તે પૂણેથી ચૂંટણી જંગમાં એન્ટ્રી કરે એવી સંભાવના છે. ન્યૂઝ એજન્સી ભાષા અનુસાર આ જાણકારી પાર્ટીના સુત્રોએ આપી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જૂન મહિનામાં બોલીવુડ સ્ટાર સાથે મુંબઇ સ્થિત એના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. અમિત શાહ એ સમયે પાર્ટીના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત મુંબઇ આવ્યા હતા. પાર્ટી અધ્યક્ષે આ દરમિયાન માધુરીને નરેન્દ્ર મોદી સરકારની સિધ્ધિઓથી અવગત કરાવી હતી.
રાજ્યના એક વરિષ્ઠ ભાજપી નેતાએ ગુરૂવારે પીટીઆઇ ભાષાને જણાવ્યું કે, માધુરીનું નામ પૂણે બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. અમારૂ માનવું છે કે પૂણે લોકસભા બેઠ એમના માટે યોગ્ય છે. ભાજપ નેતાએ કહ્યું કે, પાર્ટી લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયામાં છે અને દીક્ષિતનું નામ પૂણે બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. આ અંગે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.