નવી દિલ્હી: મધ્ય પ્રદેશના અશોકનગરમાં શનિવારે એક ચૂંટણી સભાને સંબોધવા માટે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રથમાંથી ઉતરતી વખતે અચાનક સંતુલન ગુમાવીને પડ્યા. જો કે આ ઘટનામાં તેમને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. વાત જાણે એમ બની કે ભાજપ અધ્યક્ષ અશોકનગરમાં ચૂંટણી રેલીને ખતમ કરીને તુલસી પાર્કમાં પહોંચી જનસભાને સંબોધન કરવા માટે પોતાના રથમાંથી નીચે ઉતરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ નીચે પડ્યાં. જો કે પડ્યા બાદ તરત સુરક્ષા ગાર્ડની મદદથી ઊભા થઈ ગયા અને મંચ પર પહોંચીને સભાને સંબોધિત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે 28 નવેમ્બરના રોજ પ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી છે. જેના પગલે કોંગ્રેસ-ભાજપ સહિતની તમામ પાર્ટીઓ દરેક વિધાનસભા બેઠક માટેના પોતાના ઉમેદવારના પ્રચારમાં લાગી છે. આ જ કારણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ શનિવારે અશોક નગર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રેલી બાદ જનસભાને સંબોધિત કરી. અહીં તેમણે  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ટારગેટ કરતા કહ્યું કે 'રાહુલબાબા દિવસમાં સરકાર બનાવવાના સપના જોઈ રહ્યાં છે. રાહુલ બાબા સપના જુએ તે સારી વાત છે પરંતુ દિવસમાં સપના ન જુઓ.'



સભાને સંબોધિત કરતા વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને મધ્ય પ્રદેશમાં 55 વર્ષનો સમય મળ્યો અને તેમણે રાજ્યને બીમારુ બનાવીને છોડી  દીધુ. ભાજપની સરકારે મધ્ય પ્રદેશને વિક્સિત રાજ્યની શ્રેણીમાં લાવવાનું કામ કર્યું છે. જે રાહુલ ગાંધીને ખબર નથી કે બટાકા ફેક્ટરીમાં બને છે કે જમીનની અંદર થાય છે તેઓ  ખેડૂતોનું શું ભલું કરશે. દિગ્ગી રાજાના સમયમાં ખેડૂતોને 18 ટકા વ્યાજે લોન અપાતી હતી અને આજે શિવરાજજીના સમયમાં ખેડૂતોને વગર વ્યાજે લોન અપાય છે. 


તેમણે કહ્યું કે ઈતિહાસમાં જોઈ લો, જ્યારથી પણ દેશમાં મોદી સરકાર આવી છે, ત્યારથી દરેક ચૂંટણી અમે જીતી છે. દૂરબીન લઈને જોઈએ તો પણ દેશમાં કોંગ્રેસ ખુબ મુશ્કેલથી જોવા મળે છે. કોંગ્રેસ પાર્ટીનું એક જ કામ છે ખોટું બોલવું., જોરથી બોલવું, સાર્વજનિક રીતે બોલવું અને વારંવાર બોલવું. કોંગ્રેસ પાર્ટી ફક્ત વચન આપનારી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી કામ કરનારી પાર્ટી છે.