MP News: મધ્ય પ્રદેશમાં સોમવારે મુખ્યમંત્રી મોહન યાદવના મંત્રીમંડળના 28 મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યાં. શપથ લેનારાઓમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, પૂર્વ સાંસદ રાકેશ સિંહ અને ઉદય પ્રતાપ સિંહ સામેલ છે. 28 મંત્રીઓમાંથી 18 કેબિનેટ રેંકના છે. છ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) છે અને ચાર રાજ્ય મંત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા અને જૂના ચહેરાનું કેબિનેટમાં સંતુલન જાળવવામાં આવ્યું છે. વર્ષ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાની મદદથી જ કોંગ્રેસની સરકાર પડી હતી અને ભાજપ સત્તામાં આવ્યું હતું. તે વખતે સિંધિયાના સમર્થકોનો શિવરાજ કેબિનેટમાં દબદબો હતો. પરંતુ મોહન યાદવ કેબિનેટમાં સિંધિયાનું કદ ઘટી ગયું હોય તેવું જણાય છે. તેમના જૂથના ફક્ત 3 જ નેતાઓને મોહન કેબિનેટમાં સામેલ કરાયા છે. આ એ જ નેતાઓ છે જે શિવરાજ સિંહ કેબિનેટમાં મંત્રી હતા. આ સિંધિયા જૂથ માટે કોઈ ઝટકાથી કમ નથી. 


સિંધિયાને મોટો ઝટકો
એટલું જ નહીં સાંચી વિધાનસભા બેઠકથી વિધાયક અને મહારાજના નજીકના ગણાતા પ્રભુરામ ચૌધરીને પણ કેબિનેટમાં સામેલ કરાયા નથી. જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા પાસેથી જ પ્રભુરામ ચૌધરીએ રાજનીતિની કક્કો બારખડી શીખી હતી. તેમના કારણ જે તેમણે રાજકારણમાં પગ મૂક્યો હતો. હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રભુરામ ચૌધરી જીત્યા હતા. તેઓ કમલનાથ સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ત્યારબાદ શિવરાજ સરકારમાં પણ તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. 


પ્રદ્યુમન સિંહ તોમર, ગોવિંદ સિંહ રાજપૂત અને તુલસી સિલાવટ જ્યોતિરાદિત્ય સિંધિયાના નીકટના ગણાય છે. આ ત્રણેય હવે મોહન યાદવ સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ ઉપરાંત વર્ષ 2020માં કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો હાથ પકડનારા એંદલ સિંહ કંસાનાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ પણ સિંધિયાના નીકટના છે. 


શિવરાજ સિંહ સરકારમાં કેટલા હતા મંત્રી?
જ્યારે વર્ષ 2020માં સિંધિયાએ કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કર્યું હતું ત્યારે તેમના જૂથના 9 સમર્થકોને શિવરાજ કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ મંત્રી હતા મહેન્દ્ર સિંહ સિસોદિયા, ગિરિરાજ સિંહ દંડૌતિયા, તુલસી સિલાવટ, પ્રદ્યુમન સિંહ તોમર, ગોવિંદ સિંહ રાજપૂત, સુરેશ ધાકડ, ઓપીએસ ભદૌરિયા, પ્રભુરામ ચૌધરી, રાજ્યવર્ધન સિંહ દત્તીગાંવ. આ ઉપરાંત કોંગ્રેસથી ભાજપમાં આવેલા બિસાહૂલાલ સિંહ, બ્રજેન્દ્ર યાદવ અને હરદીપ સિંહ ડંગને પણ મંત્રી પદ આપવામાં આવ્યું હતું. તેઓ પણ સિંધિયા જૂથના જ નેતા હતા. 


આ વખતે કેમ બદલાઈ ગયા સમીકરણ
વાત જાણે એમ છે કે હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં સિંધિયા જૂથના 2 મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો. તેમાં શિવપુરી જિલ્લાની પોહલી સીટથી સુરેશ ધાકડ અને ગુના જિલ્લાની બમૌરી વિધાનસભા સીટથી મહેન્દ્રસિંહ સિસોદીયા સામેલ છે. ઈમરતી દેવી પણ ચૂંટણી જીતી શક્યા નહીં અને અનેક વિધાયક પણ ચૂંટણી હારી ગયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube