મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: ભાજપના આ દિગ્ગજ નેતાઓનું આ વખતે કપાયું પત્તું
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 નજીક છે. ભાજપે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટના અનેક દિગ્ગજ મંત્રીઓની ટિકિટ કાપી છે.
નવી દિલ્હી/મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 નજીક છે. ભાજપે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટના અનેક દિગ્ગજ મંત્રીઓની ટિકિટ કાપી છે. પ્રદેશના શિક્ષણ મંત્રી વિનોદ તાવડેને મોટો આંચકો લાગ્યો છે. કારણ કે તાવડેનું આ વખતે ચૂંટણી લડવાનું સપનું રોળાયું છે. ઉમેદવારી નોંધાવવાના છેલ્લી દિવસ શુક્રવારના રોજ સવારે ભાજપના ઉમેદવારોની ચોથી લિસ્ટ બહાર પડતાની સાથે જ શિક્ષણ મંત્રી તાવડેની ટિકિટ કપાઈ હોવાની વાત સ્પષ્ટ થઈ ગઈ. વિનોદ તાવડે મુંબઈના પશ્ચિમ પરા વિસ્તાર બોરીવલી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે.
હવે આ સીટ પર વિનોદ તાવડેની જગ્યાએ ભાજપ અને શિવસેના ગઠબંધનના ઉમેદવાર સુનિલ રાણેને પાર્ટીએ ટિકિટ આપી છે. સુનિલ રાણે મુંબઈ ભાજપના યુવા નેતા છે. સુનિલ રાણે આ અગાઉ પણ મુંબઈની વરલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે હવે વરલી બેઠક પરથી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે શિવસેના અને ભાજપના ગઠબંધન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.
પ્રિયા દત્ત પર ટિકિટ વેચવાનો આરોપ, કોંગ્રેસના નેતાએ કહ્યું-તેમના ભાઈના અંડરવર્લ્ડ સાથે સંબંધ
કહેવાય છે કે કથિત નકલી એન્જિનિયરિંગ ડિગ્રી અને અન્ય આરોપોના કારણે વિપક્ષી દળોના નેતાઓા આરોપથી ઘેરાયેલા શિક્ષણ મંત્રી વિનોદ તાવડેને બાજુમાં મૂકવામાં જ ભાજપને હિત લાગ્યું અને શિક્ષણ મંત્રી તાવડેની ટિકિટ કાપીને વિપક્ષની બોલતી બંધ કરી દીધી છે.
વિનોદ તાવડે એક સમયે પ્રદેશમાં મુખ્યમંત્રી પદના દાવેદાર હતાં. તાવડે મહારાષ્ટ્રના મરાઠા નેતા છે. પ્રદેશના રાજકારણમાં મરાઠાઓ ખુબ શક્તિશાળી છે. અત્યાર સુધી પ્રદેશના મોટાભાગના મુખ્યમંત્રી મરાઠા જાતિમાંથી જ આવેલા છે. વર્ષ 2014 કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનને હરાવીને પ્રદેશમાં સત્તામાં આવેલા દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પહેલીવાર શિક્ષણ મંત્રી તરીકે કાર્યભારમાં આવેલા વિનોદ તાવડે અગાઉ મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષના નેતા હતાં.
જુઓ LIVE TV