મુંબઈ: મહારાષ્ટ્રની એક કોર્ટે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સહિત 16 લોકો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ  કર્યું છે. જેમાં આંધ્ર પ્રદેશના સિંચાઈ મંત્રી દેવીનેમી ઉમામહેશ્વર રાવ પણ સામેલ છે. આ વોરંટ 2010માં થયેલા એક પ્રદર્શન મામલે જારી કરવામાં આવ્યું છે. આ મામલે નાંદેડ જિલ્લાના ધર્માબાદના ન્યાયિક પ્રથમ શ્રેણી મેજિસ્ટ્રેટ એન આર ગજભિયેએ પોલીસને આ તમામ આરોપીઓની ધરપકડ કરીને 21 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અવિભાજિત આંધ્ર પ્રદેશમાં ત્યારે વિપક્ષમાં રહેલા નાયડુ અને અન્યની મહારાષ્ટ્રમાં બાબલી પરિયોજના નજીક વિરોધ પ્રદર્શન મામલે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પૂણેમાં જેલમાં નાખવામાં આવ્યાં હતાં. નીચાણવાળા ભાગના લોકો આ પ્રોજક્ટથી પ્રભાવિત થશે તે કારણને આગળ ધરીને તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં હતાં. ત્યારબાદ તેમને છોડી મૂકાયા હતાં પરંતુ તેમણે જામીન માંગ્યા નહતાં. 



આ તમામ લોકો પર જનસેવકના કામમાં વિધ્ન નાખવા માટે હુમલો કે અપરાધિક બળ પ્રયોગ કરવા, હથિયારથી કે કોઈ અન્ય પ્રકારે જાણી જોઈને ઈજા પહોંચાડવી, અન્યનો જીવ જોખમમાં નાખવો સહિત ઈન્ડિયન પીનલ કોડની વિભિન્ન કલમો લગાવવામાં આવી છે. 



આ બાજુ ધરપકડ વોરંટને ટીડીપીના પ્રવક્તા લંકા દિનકરે પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહનું કાવતરું ગણાવ્યું. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યું થવું એ ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે.