2024 ચૂંટણી પહેલા શરદ પવારનો માસ્ટરસ્ટ્રોક? જાણો તેમના રાજીનામાની ઈનસાઈડ સ્ટોરી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનારા શરદ પવાર પોતાના દિલની વાત મોટાભાગે ઈશારાની ભાષામાં જ કરે છે અને તેમના નિર્ણયોની ઝલક પણ તેમના આ સંકેતોમાં છૂપાયલા હોય છે. આવો જ એક સંકેત થોડા દિવસ પહેલા આપ્યો હતો. મહારાષ્ટ્રના ચેમ્બુરમાં NCP ના યુવા કાર્યકરોના એક સંમેલનને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે રોટી બળે તે પહેલા પલટી નાખવી જોઈએ.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનારા શરદ પવાર પોતાના દિલની વાત મોટાભાગે ઈશારાની ભાષામાં જ કરે છે અને તેમના નિર્ણયોની ઝલક પણ તેમના આ સંકેતોમાં છૂપાયલા હોય છે. આવો જ એક સંકેત થોડા દિવસ પહેલા આપ્યો હતો. મહારાષ્ટ્રના ચેમ્બુરમાં NCP ના યુવા કાર્યકરોના એક સંમેલનને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે રોટી બળે તે પહેલા પલટી નાખવી જોઈએ. હું પાર્ટીના નેતાઓને પણ એ જ કહી રહ્યો છું કે રોટી પલટવાનો સમય આવી ગયો છે.
તેમના આ નિવેદન પર મહારાષ્ટ્રમાં પહેલેથી ઉથલપાથલ મચાવી રહેલું રાજકારણ વધારે ગરમાવા લાગ્યું. મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજકીય ધૂરંધરો તેમના આ નિવેદનના તારણો કાઢવા લાગ્યા અને પાર્ટી અધ્યક્ષ પદેથી પોતાના રાજીનામાની જાહેરાત કરીને પવારે રાજકીય રોટલી પલટી નાખી. હવે તેમના જ ઈશારાને આધાર બનાવીએ તો કેટલાક મહત્વના સવાલ પેદા થાય છે. પહેલો એ કે શું પોતાની જ પાર્ટી એનસીપીમાં તેમના ભત્રીજાના તેવર જોતા શરદ પવારને પોતાની રાજકીય રોટી બળવાનો ખતરો પેદા થયો હતો અને બીજો એ કે જે પાર્ટીમાં શરદ પવાર જ બધુ છે અને જ્યાં તેમની વાત જ બ્રહ્મવાક્ય છે ત્યાં આખરે આવી સ્થિતિ પેદા કઈ રીતે થઈ.
શરદ પવારે પાર્ટી અધ્યક્ષ પદથી પોતાના રાજીનામાની જાહેરાત એક પત્ર દ્વારા પણ કરી જેમાં તેમણે લખ્યું કે મારા સાથીઓ, હું NCP અધ્યક્ષ પદ છોડી રહ્યો છું પરંતુ સામાજિક જીવનમાંથી રિટાયર થઈ રહ્યો નથી. સતત યાત્રા મારી જિંદગીનો અતૂટ ભાગ બની ચૂકી છે. હું પબ્લિક મિટિંગ અને કાર્યક્રમોમાં સામેલ થતો રહીશ. હું પુણે, બારામતી, મુંબઈ, દિલ્હી કે ભારતના કોઈ પણ ભાગમાં રહું તમારા માટે પહેલાની જેમ હાજર રહીશ. લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે હું હંમેશા કામ કરતો રહીશ. લોકોનો પ્રેમ અને ભરોસો મારા શ્વાસ છે. જનતા સાથે મારો અલગાવ થઈ રહ્યો નથી. હું તમારી સાથે હતો અને છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહીશ. આપણે લોકો મળતા રહીશું. આભાર.
એટલું જ નહીં શરદ પવારે એ પણ જાહેરાત કરી કે તેઓ હવે કોઈ ચૂંટણી લડશે નહીં. શરદ પવારની આ જાહેરાત બાદ હોલમાં એક પળ માટે તો સન્નાટો છવાઈ ગયો હતો. કદાચ ત્યાં બેઠેલા પાર્ટીના સીનિયર નેતાઓને તેમના આ નિર્ણયનો અંદેશો થઈ રહ્યો હતો પરંતુ પવારના આ નિર્ણયથી દરેક જણ સ્તબ્ધ થઈ ગયા. પાર્ટીના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની આંખો ભરાઈ ગઈ. પ્રફુલ્લ પટેલ અને છગન ભૂજબળ સહિત અને સીનિયર નેતાઓ તેમને રાજીનામું પાછું લેવાની અપીલ કરવા લાગ્યા હતા.
પાર્ટીના કાર્યકરો પણ આ નિર્ણય માટે તૈયાર નહતા. હોલની અંદરથી લઈને બહાર સુધી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા. શરદ પવાર પાસે રાજીનામું પાછું ખેંચવાની ગુહાર લગાવવા લાગ્યા. હાલાત એવા પેદા થયા કે પાર્ટીના સીનિયર નેતાઓને તેમને સમજાવવા માટે મોરચો સંભાળવો પડ્યો.
જો કે એક વ્યક્તિ એવા પણ હતા જેઓ આ રાજીનામાથી સંતુષ્ટ હતા અને તે હતા શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજીત પવાર. એકબાજુ જ્યાં પાર્ટીના બીજા નેતાઓ શરદ પવારને રાજીનામું પાછું લેવા સમજાવી રહ્યા હતા ત્યાં અજીત પવારે કહ્યું કે શરદ પવાર પર રાજીનામું પાછું ખેંચવા માટે દબાણ કરવું જોઈએ નહીં. હવે નવા નેતૃત્વને તક મળવી જોઈએ.
અત્રે જણાવવાનું કે શરદ પવારે જ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનો પાયો નાખ્યો હતો અને તેમણે ભાજપ વિરુદ્ધ અલગ અલગ વિચારધારાવાળી શિવસેના અને કોંગ્રેસને એકજૂથ કર્યા અને મહારાષ્ટ્રમાં સરકાર પણ ચલાવી. આવામાં તેમના આ નિર્ણયથી ફક્ત NCP માં જ નહીં પરંતુ મહાવિકાસ આઘાડીમાં પણ રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ રાજીનામાંથી નક્કી થઈ ગયું છે કે શરદ પવાર હવે પોતાની 60 વર્ષની રાજકીય કરિયરને વિરામ આપવા જઈ રહ્યા છે. શરદ પવાર દેશના રાજકારણમાં સૌથી વરિષઠ ચહેરો છે અને રાજકીય અનુભવના મામલે હાલ કોઈ પણ નેતા તેમની આસપાસ પણ નથી. આથી તેમને મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ અને ચાણક્ય પણ કહેવાય છે અને આથી તેમના આ રાજીનામાને ફક્ત રાજીનામાં તરીકે જોવામાં નથી આવતું કારણ કે રાજકીય જાણકારોનો એક વર્ગ એવું પણ માને છે કે શરદ પવારનું આ રાજીનામું તેમના શક્તિ પ્રદર્શનની એક રીત છ ેઅને તેઓ આ બહાને પાર્ટીની અંદરથી લઈને પરિવારની અંદર સુધી, એક સાથે અનેક નિશાન સાધવા માંગે છે.
આ નિશાન કયા હોઈ શકે તે પણ જાણો...
- એવું કહેવાય છે કે અજીત પવાર અને તેમના જૂથના કેટલાક નેતાઓ, શરદ પવાર પર ભાજપને સાથ આપવાનો દબાવ બનાવી રહ્યા હતા જેથી કરીને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શિંદે સરકારને કોઈ જોખમ ઉભુ થાય તો તેઓ તેમને સાથ આપી શકે. એટલું જ નહીં થોડા દિવસ પહેલા અજીત પવારના 10થી 15 ધારાસભ્યોના ભાજપમાં જવાની અટકળો પણ સામે આવી હતી અને અજીત પવારે પોતાના ટ્વીટર બાયોમાંથી પણ NCP નું ચૂંટણી ચિન્હ હટાવ્યું હતું.
અજીત પવાર વર્ષ 2019માં પણ ભાજપની સાથે જઈને રાજભવનમાં શપથ ગ્રહણ કરી ચૂક્યા હતા. આવામાં માનવામાં આવી રહ્યું છે કે શરદ પવારે રાજીનામાનો દાવ અજીત પાવરને ચિત્ત કરવા માટે જ ખેલ્યો છે જેથી કરીને અજીત પવારની સ્થિતિ પાર્ટીની અંદર નબળી પડે અને જો તેઓ પાર્ટી સાથે બળવો કરે તો પણ NCP ને વધુ નુકસાન ન થાય.
- શરદ પવારની ઉંમર 82 વર્ષ છે અને તેો કેન્સર સર્વાઈવર છે. ગત વર્ષે કોરોનાથી પણ સંક્રમિત થયા હતા. આવામાં બની શકે કે પોતાના સ્વાસ્થ્યને જોતા તેઓ પોતાની નજર સામે જ પાર્ટીની લીડરશીપ ટ્રાન્સફર કરવા માંગતા હોય જેથી કરીને આ નિર્ણયનો વિરોધ પણ ન થાય અને પાર્ટીને નવા ઉત્તરાધિકારી પણ મળી જાય.
- પવાર પરિવારમાં પાર્ટી પર વર્ચસ્વને લઈને પણ ઘમાસાણ છે. એકબાજુ જ્યાં શરદ પવારના પુત્રી સુપ્રીયા સુલે તેમના ઉત્તરાધિકારી ગણાય છે ત્યાં બીજી બાજુ તેમના ભત્રીજા અજીત પવાર પણ પાર્ટી પર દાવેદારી કરતા આવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં અજીત પવારે ખુલીને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે NCP 2024 ની મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકે છે અને હું 100 ટકા મુખ્યમંત્રી બનવા ઈચ્છીશ એટલે કે તેમની મહત્વકાંક્ષા કોઈથી છૂપાયેલી નથી. આવામાં બની શકે કે શરદ પવાર પોાતના આ ઈમોશન કાર્ડ દ્વારા આ વિવાદને ખતમ કરવા માટે કોશિશ કરી રહ્યા હોય.
- છેલ્લા કેટલાક સમયથી અજીત પવાર NCP ની અનેક મહત્વની બેઠકોમાં ગેરહાજર રહ્યા. આવામાં માનવામાં આવી રહ્યું છે કે શરદ પવારના પરિવારમાં બધુ ઠીક નથી. આવામાં હોઈ શકે કે શરદ પવારે અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને ઈમોશનલ કાર્ડ ખેલ્યું હોય જેથી કરીને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને એકજૂથ રાખી શકાય.
આમ તો રાજકારણમાં આ કોઈ નવી વાત નથી. આ પહેલા શિવસેના અધ્યક્ષ બાળ ઠાકરે પણ આવું બે વાર કરી ચૂક્યા છે. દર વખતે રાજીનામું આપવાની રજૂઆત બાદ તેઓ પાર્ટીની અંદર પહેલા કરતા વધુ મજૂબત થઈને ઊભરી આવ્યા હતા.
- વર્ષ 1978માં વિધાનસભા ચૂંટણી અને મુંબઈ નગર નિગમ ચૂંટણીઓમાં શિવસેનાનું પ્રદર્શન ખાસ નહતું. ત્યારબાદ બાળાસાહેબ ઠાકરેએ હારની જવાબદારી લેતા પાર્ટી પ્રમુખના પદેથી રાજનામાની જાહેરાત કરી પરંતુ શિસૈનિકોએ તે વિરુદ્ધ પ્રદર્શન શરૂ કરી દીધુ અને ત્યારબાદ બાળ ઠાકરેએ રાજીનામું પાછું ખેંચી લીધુ.
- એ જ રીતે 1992માં બાળ ઠાકરેના જૂના સાથે માધવ દેશપાંડેએ આરોપ લગાવ્યો કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પાર્ટીની અંદર જરૂર કરતા વધુ હસ્તક્ષેપ કરી રહ્યા છે. પાર્ટીની રચના બાદ પહેલીવાર એવું બન્યું હતું કે પાર્ટીની અંદર કોઈએ બાળ ઠાકરે પર સવાલ ઉઠાવ્યા હતા. આવામાં તેમણે પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખ લકીને પરિવાર સહિત શિવસેના છોડવાની જાહેરાત કરી દીધી. આ ખબર પડતા જ શિવસૈનિકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને પ્રદર્શન શરૂ કરી દીધુ. તેમણે બાળ ઠાકરેને રાજીનામું પાછું ન લેવા પર માતોશ્રી સામે આત્મદાહની ધમકીઓ પણ આપવા માંડી. બાળ ઠાકરેના આ રાજીનામાની રજૂઆત બાદ પાર્ટીમાં તેમના વિરુદ્ધ બળવો ઠંડો પડી ગયો અને શિવસેના મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ મજબૂત પાર્ટી બનીને સામે આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube