નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં સુરક્ષાની ફરજોમાં નિયુક્ત કરાયેલા 7000 સીઆરપીએફ જવાનોને પાછા ખેંચી લેવાનો આદેશ આપ્યો છે. સૌથી વધુ જવાનો પશ્ચિમ બંગાળમાં તૈનાત હતા. ચાર રાજ્યોમાં તૈનાત આ જવાનો સીઆરપીએફની 7 બટાલિયનના છે. તાજેતરમાં જ સરકાર દ્વારા આપવામાં આવેલા એક આદેશ પ્રમાણે આ જવાનોને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર દક્ષિણ બસ્તરમાં તૈનાત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆરપીએફની 7 બટાલિયનનાં આ જવાનોને પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં નક્સલ વિરોધી ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા, જ્યારે ઉત્તર પ્રદેશમાં તેઓ આંતરિક સુરક્ષામાં સહકાર આપી રહ્યા હતા. 


કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યોને આપવામાં આવેલા આદેશ પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી 3 બટાલિયન, બિહારમાંથી બે અને ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાંથી 1-1 બટાલિયન પાછી ખેંચી લેવામાં આવશે. 


આધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્રીય અનામત પોલીસ દળની આ બટાલિયનોને ઘણા લાંબા સમય બાદ સ્થળાંતરનો આદેશ અપાયો છે. અર્ધલશ્કરી દળો દ્વારા ગૃહ મંત્રાલય સમક્ષ એવી માગ કરાઈ હતી કે, છત્તીસગઢમાં માઓવાદી ગઢમાં પ્રવેશ કરવા માટે અને નક્સલીઓનો સફાયો કરવા માટે તેમને વધુ બટાલિયનની જરૂર છે. તેમની આ માગને અનુલક્ષીને ઉપરોક્ત નિર્ણય લેવાયો છે. 


તેમણે જણાવ્યું કે, 'લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ' દ્વારા દક્ષિણ બસ્તરમાં નક્સલી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. આ વિસ્તાર ઓડિશા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે. જેના કારણે તેમને કાબુમાં રાખવા માટે સીઆરપીએફની વધુ ટૂકડીઓની જરૂર છે.  


અર્ધલશ્કરી દળોએ ગૃહમંત્રાલયને જણાવ્યું છે કે, છત્તીસગઢના સુકમા, દાંતેવાડા, બિજાપુર, કાંકેર અને કોંડાગાંવમાં છેલ્લા એક વર્ષથી હથિયારધારી માઓવાદીઓની ગતિવિધીઓમાં અસામાન્ય વધારો થયો છે. સીઆરપીએફ દ્વારા આ જિલ્લાઓમાં આવેલા નક્સલવાદીઓનાં કેમ્પને ભેદવા ઓપરેશન હાથ ધરવું જરૂરી છે, જેના માટે વધુ જવાનોની જરૂર પડશે. 


નક્સલ વિરોધી ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા સીઆરપીએફના એક સિનીયર અધિકારીએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ સિવાયના અન્ય ત્રણ રાજ્યોમાં માઓવાદથી પ્રભાવિત વિસ્તારોમાં સીઆરપીએફનાં જવાનોએ છેક અંદર સુધી ઘુસી જઈને નક્સલવાદીઓનો સફાયો કર્યો છે અને સીઆરપીએફ અત્યારે ત્યાં મજબૂત સ્થિતિમાં છે.


ઉત્તર પ્રદેશમાં હાલ માત્ર 'સોનેભદ્ર' વિસ્તાર જ નક્સલવાદથી પ્રભાવિત બચ્યો છે. અહીં અત્યારે 8થી 9 બટાલિયોનો પહેલાંથી જ કાર્યરત છે. એટલે, ત્યાંથી એક બટાલિયન પાછી ખેંચવામાં કોઈ તકલીફ ઊભી નહીં થાય. 


અમને અપેક્ષા છે કે, આ મહિનાના અંતમાં જવાનોને ખસેડવાનું કાર્ય શરૂ થઈ જશે અને આ વર્ષના અંત સુધીમાં તેમને છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાનમાં જોડી દેવામાં આવશે. 


આ સાથે જ ગૃહમંત્રાલયે છત્તીસગઢ સરકારને પણ આદેશ આપ્યો છે કે, તે નવી આવનારી સીઆરપીએફની ટૂકડીઓના રહેવા અને પરિવહનની યોગ્ય વ્યવસ્થા કરી રાખે. 


સીઆરપીએફ દેશનું સૌથી મોટું હથિયારધારી અર્ધલશ્કરી દળ છે. તેમાં અત્યારે 3 લાખથી વધુ જવાનો કાર્યરત છે. વર્તમાનમાં છત્તીસગઢમાં 30 બટાલિયનો તૈનાત કરવામાં આવેલી છે. એક સીઆરપીએફ બટાલિયનમાં 1000 જવાનો હોય છે.