નવી દિલ્હી: પૂર્વ લદાખ (Ladakh) માં સરહદે ગતિરોધને દૂર કરવા માટે ભારત (India-China) અને ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે બુધવારે 'સકારાત્મક' વાતચીત થઈ. આ મુદ્દે જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે મેજર જનરલ સ્તરની સાડા ચાર કલાકથી વધુ લાંબી ચાલેલી બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળે યથાસ્થિતિ બહાલ કરવા અને ગતિરોધવાળા તમામ સ્થાનો પર ભારે સંખ્યામાં થયેલા ચીની સૈનિકોના જમાવડાને તરત હટાવવા પર ભાર મૂક્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતચીતથી જ દૂર થશે ગતિરોધ
મેજર જનરલ સ્તરની બેઠક પૂર્વ લદાખમાં વાસ્તિવક નિયંત્રણ રેખા (LAC)ના ભારતીય ભાગમાં થઈ. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વાર્તા સકારાત્મક રહી અને બંને પક્ષોએ સકારાત્મક માહોલમાં વિચારોનું આદાન પ્રદાન કર્યું. બંને સેનાઓ વાતચીતથી ગતિરોધ દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. ગતિરોધને શાંતિપૂર્ણ રીતે ખતમ કરવા માટે બંને સેનાઓએ ગલવાન ઘાટી અને હોટ સ્પ્રિંગના કેટલાક વિસ્તારોમાં મર્યાદિત સંખ્યામાં પોતાના સૈનિકોને પાછા ખેંચ્યા જેના એક દિવસ બાદ આ બેઠક થઈ. અધિકારીએ ઓળખ ન ઉજાગર કરવાની શરતે જણાવ્યું કે ભારતીય પક્ષે પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજુ કર્યાં. ચીની પક્ષે પણ પોતાની સ્થિતિ રજુ કરી. 


આ વિસ્તારોમાં આમને સામને છે બંને સેનાઓ
જો કે બંને પક્ષો હજુ પણ પેન્ગોંગ ત્સો, દોલત બેગ ઓલ્ડી અને ડેમચોક જેવા કેટલાક વિસ્તારોમાં હજુ પણ આમને સામને છે. સૈન્ય સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે બંને સેનાઓ ગલવાન ઘાટીના પેટ્રોલિંગ પોઈન્ટ 14 અને 15 તથા હોટ સ્પ્રિંગ વિસ્તારમાં પાછળ હટી છે. તેમણે કહ્યું કે ચીની પક્ષ બંને વિસ્તારોમાં દોઢ કિલોમીટર સુધી પાછળ હટ્યો છે. પેન્ગોંગ ત્સોમાં 5 મેના રોજ હિંસક સંઘર્ષ બાદ ભારત અને ચીનની સેનાઓ આમને સામને છે. ગતિરોધ સમાપ્ત કરવા માટે પહેલા ગંભીર પ્રયત્ન હેઠળ લેહ સ્થિત 14 કોરના ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહ અને તિબ્બત સૈન્ય જિલ્લા ડિસ્ટ્રિક્ટના કમાન્ડર મેજર જનરલ લિયૂ લિન વચ્ચે 6 જૂનના રોજ વિસ્તૃત ચર્ચા થઈ હતી. 


6 જૂનની વાતચીતમાં બની સહમતિ પર થઈ રહ્યું છે કામ
ચીને બુધવારે કહ્યું કે 6 જૂનના રોજ બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વચ્ચે બનેલી 'સકારાત્મક સહમતિ'ને ભારત અને ચીને લાગુ કરવાનું શરૂ કરી દીધુ છે. બંને પક્ષોની સેનાઓના પાછળ હટવા અને પોતાની પહેલાની સ્થિતિમાં પાછા ફરવાની ખબર અંગે પૂછતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું કે બંને પક્ષો સરહદ પર સ્થિતિ સામાન્ય કરવા માટે પગલાં લઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે સરહદ પર સ્થિતિ અંગે હાલમાં જ ભારત અને ચીન વચ્ચે કૂટનીતિક તથા સૈન્ય સ્તર પર પ્રભાવી વાર્તા થઈ અને સકારાત્મક સહમતિ બની. પ્રવક્તાએ કહ્યું કે બંને પક્ષ સરહદ પર સ્થિતિ સામાન્ય કરવા માટે આ સહમતિ પર પગલાં લઈ રહ્યાં છે. 


ભારતના સડક નિર્માણ પર ચીનને આપત્તિ
શનિવારે સૈન્ય સ્તરની વાતચીતના એક દિવસ પહેલા બંને દેશો વચ્ચે રાજનયિક સ્તર પર વાર્તા થઈ હતી. આ દરમિયાન બંને પક્ષોએ એક બીજાની સંવેદનશીલતા અને ચિંતાઓનું સન્માન કરતા શાંતિપૂર્ણ ચર્ચાના માધ્યમથી મતભેદો દૂર કરવાના પ્રયાસ કરવા પર સહમતિ બની હતી. હાલનો ગતિરોધ શરૂ થવાના કારણે પેન્ગોંગ ત્સો ઝીલની આસપાસ ફિંગર વિસ્તારમાં ભારત તરફથી એક મહત્વપૂર્ણ સડક નિર્માણ પર ચીનનો આકરો વિરોધ છે. આ ઉપરાંત ગલવાન ઘાટીમાં દરબુક-શાયોક-દોલત બેગ ઓલ્ડી માર્ગને જોડતી એક વધુ રસ્તાના નિર્માણ પર ચીનના વિરોધને લઈને પણ ગતિરોધ છે. 


ભારતની સ્પષ્ટ વાત, નિર્માણ કાર્ય નહીં અટકે
પેન્ગોંગ ત્સોમાં ફિંગર વિસ્તારમાં રસ્તાને ભારતીય જવાનોના પેટ્રોલને લઈને મહત્વનો ગણાઈ રહ્યો છે. ભારતે પહેલા જ નક્કી કરી લીધુ છે કે ચીની વિરોધના કારણે તે પૂર્વ લદાખમાં પોતાના કોઈ પણ સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને અટકાવશે નહીં. બંને દેશોના સૈનિકો ગત 5 અને 6 મેના રોજ પૂર્વ લદાખના પેન્ગોંગ ત્સો વિસ્તારમાં પરસ્પર બાઝી પડ્યા હતાં. 5 મેની સાંજે ચીન અે ભારતના 250 સૈનિકો વચ્ચે થયેલી આ હિંસા બીજા દિવસ પણ ચાલુ રહી હતી. ત્યારબાદ 9 મેના રોજ ઉત્તર સિક્કિમ સેક્ટરમાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી. ભારત-ચીન સરહદ વિવાદ 3488 કિમી લાંબી એલએસીને લઈને છે. ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબ્બતનો ભાગ બતાવે છે. બંને પક્ષ કહે છે કે સરહદી વિવાદનો જ્યાં સુધી આખરી ઉકેલ ન આવે ત્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવી ખુબ જરૂરી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube