ભાજપના હેલિકોપ્ટર રોક્યા તો મમતા પણ રહ્યા હેલિકોપ્ટર વગરના, લગાવ્યો આરોપ
મમતાએ બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી આપી ન હતી, જેના કારણે વિવાદ વધી ગયો હતો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં અત્યારે 'હેલિકોપ્ટરનો ખેલ' ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે પશ્ચિમ બંગાળના રાયગંજ અને બાલુરઘાટમાં જાહેરસભા સંબોધિત કરવા જવાના હતા, પરંતુ તેમના હેલિકોપ્ટરને ઉતરવા દેવાયું ન હતું. આથી, યોગી ઝારખંડમાં બોકારોમાં એક જાહેરસભા સંબોધિત કર્યા બાદ સડક માર્ગે પશ્ચિમ બંગાળના પુરૂલિયા પહોંચ્યા હતા. જોકે, હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ હેલિકોપ્ટર માટે ફાંફા પડી રહ્યા છે. દુખી થઈને તેમણે જણાવ્યું કે, હેલિકોપ્ટર કંપની એડવાન્સ બૂકિંગ કર્યા બાદ તેમને હેલિકોપ્ટર નથી પૂરું પાડી રહી.
મમતાએ જણાવ્યું કે, 'હું નામ નહીં લઉં. અમે હિલોક્પટર સાથે કરાર કર્યો હતો. અમે એડવાન્સ બુકિંગ પણ કર્યું હતું અને 15 જાન્યુઆરીના રોજ કરાર પણ કર્યો હતો. હવે કંપનીએ 1 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું છે કે તે અમને હેલિકોપ્ટર પુરું પાડી શકશે નહીં.' હેલિકોપ્ટર કંપની તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
મમતાએ મંજૂરી ન આપી તો ઝારખંડ થઈને બંગાળ પહોંચ્યા સીએમ યોગી
આ અગાઉ મમતાએ કોલકાતા પોલીસ પ્રમુખ રાજીવ કુમાર સામે સીબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કર્યું હતું અને સીબીઆઈને કુમારની ધરપકડ કરવાનો આદેશ 'નૈતિક વિજય' જણાવ્યો હતો.
મમતાએ ધરણાસ્થળે મીડિયાને જણાવ્યું કે, "આ અમારો નૈતિક વિજય છે. અમે જણાવ્યું છે કે, અમે ન્યાયપાલિકા અને સંસ્થાઓનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. આ આદેશ અગાઉ પણ આપવામાં આવ્યો હતો કે તેઓ એક બીજાને અનુકૂળ હોય એવા સ્થાને વાટાઘાટો કરી શકે છે. અમે આ ચૂકાદા માટે સુપ્રીમના આભારી છીએ."