નવી દિલ્હીઃ વિવાદિત નિવેદન આપીને હંમેશાં કોંગ્રેસને મુશ્કેલીમાં મુકનારા નેતા મણિશંકર અય્યરનું પક્ષમાંથી સસ્પેન્શન પાછું
ખેંચી લેવાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવાને કારણે તેમને
પક્ષના પ્રાથમિક સભ્ય પદ પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જોકે, પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ પણ તેમનાં વિવાદિત નિવેદનોનો
સિલસિલો અટક્યો ન હતો. અય્યર ઘણા લાંબા સમયથી પક્ષમાં પાછા ફરવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ સંગઠનના મહાસચિવ અશોક ગેહલોત તરફથી આપવામાં આવેલા એક નિવેદન મુજબ, પક્ષની કેન્દ્રિય શિસ્ત સમિતીની
ભલામણ પર રાહુલ ગાંધીએ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અય્યરનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ્દ કરવાને મંજૂરી આપી છે. 


મણિશંકર અય્યરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2002ના ગુજરાત રમખાણો અંગે આપવામાં આવેલા નિવેદન પર ટિપ્પણી કરતા
જણાવ્યું હતું કે, "મેં વિચાર્યું ન હતું કે 2014થી એક સીએમ જે મુસલમાનોને 'પિલ્લા' (ગલુડિયા) સમજે છે તે પીએમ બનશે. તેમને
જ્યારે પુછવામાં આવ્યું હતું કે તમને એ ઘટનાનું દુખ છે તો તેમણે જણાવ્યું હતું કે, એક ગલુડિયું પણ ગાડી નીચે આવી જાય તો
મને દુખ થાય છે."


અય્યર આટલેથી જ અટક્યા ન હતા. તેમણે આગળ જણાવ્યું કે, "મેં વિચાર્યું કે, જે વ્યક્તિએ આવું કહ્યું, જે રમખાણોનાં 24 દિવસ
સુધી મુસલમાનોના કેમ્પમાં ગયો નથી. અમદાવાદની મસ્જિદમાં એ દિવસે ગયો જ્યારે પીએમ વાજપેયી આવ્યા હતા. એ દિવસે
ત્યાં જવું મજબુરી હતી. મેં વિચાર્યું ન હતું કે આવો વ્યક્તિ દેશનો વડા પ્રધાન બની શકે છે."


પીએમ મોદી પર અય્યરના તીખા વેણ
1. 2017માં અય્યરે જણાવ્યું હતું - 'કાશ્મીરના યુવાનો હથિયાર હાથમાં લેવામાં કશું ખોટું કરતા નથી. ભાજપના લોકો તેમને
મજબુર કરે છે.'
2. 2015માં ભારત-પાક સંબંધો અંગે અય્યરે જણાવ્યું હતું - 'ભારત અને પાકિસ્તાનનાં સંબંધોને મજબૂત કરવા માટે મોદીને
ખસેડવા પડશે, નહીંતર વાટાઘાટો આગળ નહીં વધે.' 
3. 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન મણિશંકર અય્યરે જણાવ્યું હતું કે, 'હું તમને વચન આપું છું કે 21મી સદીમાં નરેન્દ્ર મોદી
આ દેશના વડા પ્રધાન ક્યારેય નહીં બની શકે.'
4. 2013માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ કોંગ્રેસને 'ઉધઈ' કહીને સંબોધી હતી. 
5. 2013માં અય્યરે પીએમ મોદીને 'જોકર' કહ્યા હતા.