મણિપુરના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ નહીં આપે બીરેન સિંહ, કહ્યું- આ મુશ્કેલ સમય છે
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે પોતાના પદેથી રાજીનામુ આપવાનો ઇનકાર કર્યો છે. શુક્રવારે સવારથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે રાજ્યપાલને મળીને પોતાનું પદ છોડી શકે છે. તેનું તેમણે ખંડન કર્યું છે.
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે પોતાના પદેથી રાજીનામુ આપવાનો ઇનકાર કરી દીધો છે. શુક્રવારે સવારે ચર્ચા ચાલી રહી હતી કે તે રાજ્યપાલ અનુસૂઈયા ઉઇકેને મળીને પદ છોડી શકે છે. પરંતુ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે હું મારા પદ પરથી રાજીનામું આપીશ નહીં. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી હિંસા પર લગામ લગાવવામાં નિષ્ફળ રહેવાને કારણે તે નિશાના પર છે. 3 મેએ રાજ્યમાં હિંસા ભડકી હતી, ત્યારબાદ હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ નથી. આ હિંસામાં 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. મૈતેઈ સમુદાયમાંથી આવનાર એન બીરેન સિંહ પર પક્ષપાતની કાર્યવાહીનો આરોપ પણ લાગ્યો છે.
ભાજપના ઘણા કૂકી ધારાસભ્યોએ તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ સિવાય મણિપુરમાં કૂકી બહુમતી ધરાવતા જનજાતીય વિસ્તારને સ્વાયત્તતા આપવાની માંગ કરવામાં આવી છે. બીરેન સિંહે ટ્વીટ કરી રાજીનામુ ન આપવાની જાણકારી આપી. તેમણે લખ્યું- હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છું કે આ મુશ્કેલ સમયમાં પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો નથી. બીરેન સિંહના રાજીનામાના સમાચાર સામે આવતા તેમના સમર્થક મુખ્યમંત્રીના ઘરની બહાર ભેગા થવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ બાળકોની એક સેલ્ફીએ પોલીસકર્મી 'પિતા' માટે એટલી મોટી મુશ્કેલી ઊભી કરી...
બીરેન સિંહના સમર્થક માંગ કરી રહ્યા હતા કે તે પોતાના પદ પરથી રાજીનામુ આપે નહીં. તેમના એક સમર્થકે કહ્યું- અમે છેલ્લા બે મહિનાથી સંકટમાંથી પસાર થઈ રહ્યાં છીએ. અમે તે દિવસની રાહ જોઈ રહ્યાં છીએ, જ્યારે ભારત સરકાર અને મણિપુરના તંત્ર વચ્ચે લોકતાંત્રિક રીતે હિંસાનું કોઈ સમાધાન નિકળશે. આવી સ્થિતિમાં જો મુખ્યમંત્રી રાજીનામુ આપે તો કઈ રીતે કામ થાય. આ સંકટની ઘડીમાં કોણ અમારૂ નેતૃત્વ કરશે. તે અમારા માટે ચિંતાની વાત છે. અમે નથી ઈચ્છતા કે તે પદ છોડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube