Mann Ki Baat: ઓલિમ્પિકથી ભારતના યુવાઓના મન બદલાયા- પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા આજે દેશવાસીઓને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમની આ 80મી શ્રેણી હતી.
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા આજે દેશવાસીઓને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમની આ 80મી શ્રેણી હતી. અત્રે જણાવવાનું કે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ પ્રસાર ભારતી 23 ભાષાઓમાં કરે છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણને બધાને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી છે અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ ઉજવે છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયે મેજર ધ્યાનચંદજીનો આત્મ જ્યાં પણ હશે ત્યાં ખુબ પ્રસન્નતા અનુભવતો હશે કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકીએ કર્યું હતું અને ચાર દાયકા બાદ લગભગ 41 વર્ષ પછી ભારતના યુવાઓ, દીકરા, દીકરીઓએ હોકીની અંદર ફરીથી એકવાર પ્રાણ ફૂંક્યા.
પીએમ મોદીએ કહ્યું કે ગમે તેટલા મેડલ કેમ ન મળે પરંતુ જ્યાં સુધી હોકીમાં મેડલ ન મળે ત્યાં સુધી ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ લઈ શકતો નથી અને આ વખતે ઓલિમ્પિકમાં હોકીમાં મેડલ મળ્યો, ચાર દાયકા બાદ મેડલ મળ્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું, તમે કલ્પના કરી શકો છો કે મેજર ધ્યાનચંદજીના દિલ પર, તેમના આત્મા પર, તેઓ જ્યાં પણ હશે તેમને કેટલી પ્રસન્નતા મળતી હશે. આજે જ્યારે આપણને દેશના યુવાઓમાં આપણા દીકરા-દીકરીઓમાં ખેલ પ્રત્યે જે આકર્ષણ જોવા મળી રહ્યું છે, માતા પિતાને પણ બાળકો જો ખેલમાં આગળ વધે છે તો ખુશી થઈ રહી છે, આ જે જુસ્સો જોવા મળી રહ્યો છે તે હું સમજુ કે આ જ મેજર ધ્યાનચંદજીને ખુબ મોટી શ્રદ્ધાંજલિ છે.
પીએમએ કહ્યું કે સાથીઓ જ્યારે ખેલકૂદની વાત થાય છે ત્યારે સ્વાભાવિક છે કે આપણી સામે સમગ્ર યુવા પેઢી જોવા મળે છે અને જ્યારે યુવા પેઢી તરફ ધ્યાનથી જોઈએ છીએ ત્યારે કેટલો મોટો બદલાવ નજરે ચડે છે. યુવાઓનું મન બદલાઈ ચૂક્યું છે. આજનો યુવા જૂની પૂરાણી રીત કરતા કઈક અલગ કરવા માંગે છે, કઈક નવું કરવા ઈચ્છે છે. આજનો યુવા નવા રસ્તે જવા માંગે છે. અજાણી જગ્યા પર ડગ માંડવા ઈચ્છે છે.
આપણે જોઈએ છીએ થોડા સમય પહેલા જ ભારતે પોતાના સ્પેસ સેક્ટરને ઓપન કર્યું અને જોત જોતામાં તો યુવા પેઢીએ તે તકને ઝડપી લીધી અને તેનો લાભ ઉઠાવવા માટે કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા યુવાઓ આગળ આવ્યા. મને પાક્કી ખાતરી છે કે આવનારા દિવસોમાં ખુબ મોટી સંખ્યા એવા સેટેલાઈટ્સની હશે જે આપણા યુવાઓ, વિદ્યાર્થીઓ, આપણી કોલેજો, યુનિવર્સિટીઓ તથા લેબમાં કામ કરતા વિદ્યાર્થીઓએ બનાવ્યા હશે.
તેમણે વધુમાં કહ્યું કે આજે નાના નાના શહેરોમાં પણ સ્ટાર્ટ અપ કલ્ચરનો વિસ્તાર થઈ રહ્યો છે અને હું તેમા ઉજ્વળ ભવિષ્યનો સંકેત જોઈ રહ્યો છું. હાલ થોડા દિવસ પહેલા જ આપણા દેશમાં રમકડાં પર ચર્ચા થઈ રહી હતી. જોત જોતામાં જ્યારે આપણા યુવાઓના ધ્યાનમાં આ વિષય આવ્યો તો તેમણે પણ મનમાં નક્કી કરી લીધુ કે દુનિયામાં ભારતના રમકડાંની ઓળખ કેવી રીતે બને રમકડાં કેવી રીતે બનાવવા, રમકડાંની વિવિધતા શું હોય, રમકડાંમાં ટેક્નોલોજી કેવી રીતે લાવવી, Child Psychology પ્રમાણે રમકડાં કેવા હોય? આજે આપણા દેશના યુવા તે તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. કઈક ફાળો આપવા માંગે છે.
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ઓલિમ્પિક્સે ખુબ મોટો પ્રભાવ પેદા કર્યો છે. ઓલિમ્પિકના ખેલ પૂરો થયો અને હાલ પેરાલિમ્પિક્સ ચાલે છે. દેશ માટે આ ખેલ જગતમાં જે કઈ થયું તે વિશ્વની સરખામણીમાં ભલે ઓછું હશે પરંતુ વિશ્વાસ ભરવા માટે તો ઘણું બધુ થયું. તેમણે કહ્યું કે આજે યુવાઓ ફક્ત સ્પોર્ટ્સ તરફ જોઈ રહ્યા છે એવું નથી. તે તે સંલગ્ન સંભાવનાઓને પણ જોઈ રહ્યા છે. તેની સમગ્ર Ecosystem ને ખુબ ઝીણવટભરી નજરેથી જોઈ રહ્યા છે. તેના સામર્થ્યને સમજી રહ્યા છે અને કોઈને કોઈ રીતે પોતાની જાતને જોડવા પણ માંગે છે. હવે તેઓ Conventional ચીજોથી આગળ જઈને New Disciplines ને અપનાવી રહ્યા છે.
સ્વચ્છતા પર ભાર
પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે બધાના પ્રયત્નો આપણને પ્રેરણા આપે છે. આપણે બધા એ જાણીએ છીએ કે જ્યારે પણ સ્વચ્છ ભારતનું નામ આવે છે ત્યારે ઈન્દોરનું નામ સામે આવે જ છે. ઈન્દોર અનેક વર્ષોથી સ્વચ્છ ભારતના રેન્કિંગમાં ટોચ પર રહ્યું છે. તેમણે કહ્યું કે કોરોના સંકટકાળમાં સ્વચ્છતાને લઈને જેટલી વાત થવી જોઈતી હતી તેમાં થોડી કમી રહી ગઈ. તેમણે કહ્યું કે ઈન્દોરના નાગરિકોએ નાળાને સીવર લાઈન્સ સાથે જોડ્યા છે. સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે. આ કારણે સરસ્વતી અને કેન નદીમાં ઉમેરાતા ગંદા પાણીમાં ઘટાડો થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે દેશમાં ખેલ-કૂદ, Sports, Sportsman Spirit હવે અટકવાના નથી. આ Momentum ને કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં સ્થાયી બનાવવાના છે. ઉર્જાથી ભરી દેવાના છે. નિરંતર નવી ઉર્જાથી ભરવાનું છે, બધાના પ્રયત્નોથી જ ભારત ખેલોમાં એ ઊંચાઈ મેળવી શકશે, જેના માટે તે હકદાર છે. મારા વ્હાલા યુવાઓ, આપણે આ તકનો ફાયદો ઉઠાવતા અલગ અલગ પ્રકારના ખેલોમાં મહારથ પણ મેળવવું જોઈએ. ગામડે ગામડે ખેલોની સ્પર્ધાઓ સતત ચાલુ રહેવી જોઈએ.
જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી
પીએમ મોદીએ કહ્યું કે આવતી કાલે જન્માષ્ટમીનો મહાપર્વ પણ છે. જન્માષ્ટમીનો પર્વ ભગવાન કૃષ્ણના જન્મનો પર્વ છે. આપણે ભગવાનના બધા સ્વરૂપોથી પરિચિત છીએ, નટખટ કનૈયાથી લઈને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્યથી લઈને શસ્ત્ર સામર્થ્યવાળા કૃષ્ણ સુધી, કલા હોય, સૌંદર્ય હોય, માધુર્ય હોય...ક્યાં ક્યાં કૃષ્ણ છે. પરંતુ આ વાતો હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે જન્માષ્ટમીથી થોડા દિવસો પહેલા હું એક રસપ્રદ અનુભવમાંથી પસાર થયો તો મારું મન કરે છે કે હું તમારી સાથે તેની વાત કરું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ મંદિરથી 3-4 કિલોમીટરના અંતરે ભાલકા તીર્થ છે. આ ભાલકા તીર્થ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ધરતીપર પોતના અંતિમ પળો વીતાવ્યા હતા. એક પ્રકારે આ લોકથી તેમની લીલાનું ત્યાં સમાપન થયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તે સમગ્ર વિસ્તારમાં વિકાસના અનેક કામ ચાલુ છે, હું ભાલકા તીર્થ અને ત્યાં થઈ રહેલા કાર્યો વિશે વિચારતો હતો અને મારી નજર એક સુંદર Art-book પર પડી.
તેમણે કહ્યું કે આ પુસ્તક મારા ઘરની બહાર કોઈ મારા માટે છોડી ગયું હતું. જેમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક સ્વરૂપ, અનેક ભવ્ય તસવીરો હતી. ખુબ મોહક તસવીરો હતી અને ખુબ Meaningful તસવીરો હતી. મે પુસ્તકના પાના પલટવાના શરૂ કર્યા તો મારી જિજ્ઞાસા વધી ગઈ. જ્યારે મે આ પુસ્તક અને તે તમામ ચિત્રો જોયા અને તેના પર મારા માટે એક સંદેશ લખેલો જોયો અને વાંચ્યો તો મારું મન થયું તે હું તેમને મળુ.
પીએમ મોદીએ કહ્યું કે બીજા જ દિવસે મારી મુલાકાત જદુરાની દાસીજી સાથે થઈ. તેઓ અમેરિકી છે અને તેમનો જન્મ અમેરિકામાં થયો છે. જદુરાની દાસીજી ISKCON સાથે જોડાયેલા છે, દરે કૃષ્ણા મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને તેમની એક મોટી વિશેષતા છે ભક્તિ આર્ટ્સમાં તેઓ નિપુણ છે. તમે જાણો છો કે હવે બે દિવસ બાદ એક સપ્ટેમ્બરના રોજ ISKCON ના સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ સ્વામીજીની 125મી જયંતી છે. જદુરાની દાસીજી આ કડીમાં ભારત આવ્યા હતા.
જુઓ Live
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube