10 વર્ષ બાદ પણ નરીમન હાઉસમાંથી નથી ભૂંસાયા આતંકીઓના ગોળીના નિશાન
સાંદ્રાએ આશ્ચર્ય સાથે કહ્યું કે, આતંકી હુમલાના નિશાન આજે પણ કોલાબામાં આવેલી પાંચ માળની યહુદી બિલ્ડિંગમાં મોજૂદ છે. આ બિલ્ડિંગનું નામ બદલીને હવે નરીમન લાઈટ હાઉસ કરી દેવાયું છે.
નવી દિલ્હી : 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈ પર થયેલા આતંકી હુમલાની આજે 10મી વરસી છે. આ આતંકી હુમલામાં મુંબઈના નરીમન હાઉસમાં પણ હુમલો કરાયો હતો. જેમાં બે વર્ષનો ઈઝરાયેલી બાળક મોશે બચી ગયો હતો. આ બાળકને થોડા સમય પહેલા જ પીએમ મોદી ઈઝરાયેલની મુલાકાત દરમિયાન મળ્યા હતા. બાળક મોશે હોલ્ત્સબર્ગની સારસંભાળ રાખનાર મહિલા સાંદ્રા સેમ્યુઅલે કહ્યું કે, 10 વર્ષ બાદ પણ એ હાઉસમાંથી ગોળીના નિશાન દૂર કરવામાં આવ્યા નથી.
સાંદ્રાએ આશ્ચર્ય સાથે કહ્યું કે, આતંકી હુમલાના નિશાન આજે પણ કોલાબામાં આવેલી પાંચ માળની યહુદી બિલ્ડિંગમાં મોજૂદ છે. આ બિલ્ડિંગનું નામ બદલીને હવે નરીમન લાઈટ હાઉસ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલા દરમિયાન બે પાકિસ્તાની આતંકવાદી આ બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા અને તેમણે મોશેના પિતા રબ્બી ગૈવરિયલ તથા તેની માતા રિવકા સહિત 9 લોકોની હત્યા કરી હતી. જોકે, મોશેનું ધ્યાન રાખનાર મહિલા સાંદ્રાને કારણે મોશેનો જીવ બચી ગયો હતો.
હાલ મોશે તેના દાદા-દાદી સાથે ઈઝરાયેલમાં રહે છે. હાલ સાંદ્રા પણ ઈઝરાયેલમાં જ રહે છે. તાજેતરમાં જ જાન્યુઆરી મહિનામાં તે ઈઝરાયેલના વડાપ્રધાનની ભારત મુલાકાત દરમિયાન અહી આવી હતી. ત્યાં તેણે જોયું કે, બિલ્ડિંગની અંદર ભયાવહ ચીજો હજી પણ મોજૂદ છે. સાંદ્રાએ પીટીઆઈને જણાવ્યું કે, બિલ્ડિંગમાં ચોથો અને પાંચમો માળા પૂર્વવત રાખવામાં આવ્યો છે અને ત્રીજા માળ પર તોડફોડ કરવામાં આવી છે. તેને ખુલ્લા સ્થળમાં તબદીલ કરી દેવાયું છે. સાથે જ અહીં દરેક ચીજ પર ગોળીઓના નિશાન પણ છે. તે જોવુ મારા માટે બહુ જ દુખદાયક હતું. તેને નિહાળતા જ મારા મનમાં એ ઘટનાની ભયાવહ યાદ તાજી થઈ ગઈ હતી.
તેણે કહ્યું કે, લોકોએ જોવા માટે ગોળીઓના નિશાન કેમ રાખવામાં આવ્યા છે, તે હું સમજી શક્તી નથી. સાંદ્રાએ તાજમહેલ હોટલ, સીએસટીએમ સ્ટેશન પર થયેલા આતંકી હુમલાનું ઉદાહરણ આપતા કહ્યું કે, શું એ બધી જગ્યાઓ પર આ નિશાન સાચવી રાખવામાં આવ્યા છે.