નવી દિલ્હીઃ ટાસ્ક ફોર્સનું કહેવું છેકે, સ્ત્રીઓ જ્યારે પોતાના પહેલાં સંતાનને જન્મ આપે ત્યારે તેમની ન્યૂનતમ વય ઓછામાં ઓછી 21 વર્ષ તો હોવી જ જોઈએ. 21 વર્ષ કરતા નાની ઉંમરે ગર્ભવતી થતી મહિલાઓને અનેકવિધ સામાજિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. અને વિવિધ પ્રકારની સમસ્યાઓનો નાની ઉંમરે એક સાથે સામનો કરતી વખતે સ્ત્રીઓને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેથી સ્ત્રીઓની લગ્નની વય મર્યાદા વધારીને પુરુષોની સમાન 21 વર્ષ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે આ પ્રસાસ્તવને મંજૂરી આપી દીધી છે. હવે કાયદામાં સંશોધન કરીને આગામી સમયમાં તેને દેશભરમાં લાગુ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. એટલું જ નહીં આ કાયદો તમામ ધર્મમાં પણ લાગુ કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારે સ્ત્રીઓની લગ્નની ન્યૂનતમ વય મર્યાદા વધારીને 18 થી 21 વર્ષ કરવાની તૈયારીઓ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેના માટે સરકાર વર્તમાન કાયદાઓમાં સંકલન કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે, દીકરીઓને કુપોષણ જેવી સમસ્યાઓથી બચાવવા માટે તેમના લગ્નની વય મર્યાદામાં વધારો કરવો જોઈએ. નાની ઉંમરમાં લગ્નને કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


વર્તમાન કાયદા અનુસાર, દેશમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓ માટે 18 વર્ષ છે. હવે સરકાર બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરશે. નીતિ આયોગમાં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે તેની ભલામણ કરી હતી. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલ પણ આ ટાસ્ક ફોર્સના સભ્ય હતા. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ, શાળા શિક્ષણ અને સાક્ષરતા મિશન અને ન્યાય અને કાયદા મંત્રાલયના બિલ વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સભ્યો હતા.


આ ટાસ્ક ફોર્સની રચના ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી અને તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. ટાસ્ક ફોર્સે કહ્યું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે દીકરીઓની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. લગ્નમાં વિલંબથી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.