લખનઉઃ  મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન અંગે બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોંગ્રેસને અહંકાર આવી ગયો છે કે તે એકલા હાથે ચૂંટણી લડી શકે છે. માયાવતીએ વધુ આરોપ લગાવતા જણાવ્યું કે, કોંગ્રેસ પણ ભાજપની જેમ બીએસપીનો એકડો કાઢી નાખવા માટે કાવતરું રચી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતીએ જણાવ્યું કે, કોંગ્રેસ એવા વહેમમાં છે કે તે એકલા હાથે ભાજપને હરાવી શકે છે, જ્યારે સત્ય એ છે કે લોકોએ હજુ પણ કોંગ્રેસને તેની ભૂલો અને ભ્રષ્ટાચાર માટે માફ કરી નથી. કોંગ્રેસ હજુ પણ પોતાને સુધારવા માટે તૈયાર નથી. 


માયાવતીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસનું વલણ ભાજપને હરાવવાનું નથી. કોંગ્રેસ વિરોધ પક્ષોને હરાવવા માગે છે. સીટોની વહેંચણી અંગે માયાવતીએ જણાવ્યું કે, કોંગ્રેસના અક્કડ વલણને કારણે ગઠબંધન થઈ શક્તું નથી. 


માયાવતીએ દિગ્વિજય પર તાક્યું નિશાન 
બીએસપી પ્રમુખે જણાવ્યું કે, 'મને લાગે છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ-બીએસપી ગઠબંધન પ્રત્યે ઈમાનદાર છે, પરંતુ કેટલાક કોંગ્રેસી નેતાઓ આવું ઈચ્છતા નથી.' માયાવતીએ આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પર પણ નિશાન તાક્યું અને દિગ્વિજયને ભાજપના એજન્ટ જણાવ્યા હતા. બીએસપી પ્રમુખે જણાવ્યું કે, 'દિગ્વિજય સિંહ, (જે ભાજપના એજન્ટ છે) એવું નિવેદન આપી રહ્યા છે કે કેન્દ્ર તરફથી કોંગ્રેસ સાથે ગઠબંધન ન બનાવવા માટે વધુ દબાણ નાખવામાં આવી રહ્યું છે.'


બીએસપી છત્તીસગઢમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે 
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી અંગે પણ બીએસપી પ્રમુખ માયાવતીએ કોંગ્રેસને છોડીને અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. માયાવતીએ એક પત્રકાર પરિષદમાં એ જાહેરાત કરી હતી કે, 90 બેઠકની છત્તીસગઢ વિધાનસભામાં તેમની પાર્ટી 35 સીટ પર ચૂંટણી લડશે, જ્યારે અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ 55 સીટ પર ચૂંટણી લડશે. જો વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનનો વિજય થાય છે તો અજીત જોગી મુખ્યમંત્રી બનશે.