જૂના મતભેદો ભૂલીને સપા-બસપા એક થાય, જન્મદિવસ પર બોલ્યા માયાવતી
માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાનું ગઠબંધન થયા બાદ ભાજપની ઉંઘ ઉડી ગઈ છે. પીએમ મોદીની સાથે અમિત શાહ એન્ડ કંપની પરેશાન છે.
નવી દિલ્હીઃ બસપા સુપ્રીમો માયાવતી આજે (15 જાન્યુઆરી) પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહી છે. આ તકે તેમણે મીડિયાને સંબોધન કર્યું અને તેમને જન્મદિવસ પર મળેલી શુભકામનાઓ પર આભાર પ્રગટ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વખતે મારો જન્મદિવસ એક એવા સમયે છે જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને અમારી પાર્ટીએ સપાની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ભાજપ અને બીજી પાર્ટીઓની ઉંઘ ઉડી ગઈ છે. બસપાના સુપ્રીમોએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ નક્કી કરે છે કે દેશના વડાપ્રધાન કોણ બનશે અને કોની સરકાર બનશે.
તેમણે આ તકે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ભાજપની સાથે કોંગ્રેસ એન્ડ કંપનીને પણ પાઠ ભણાવવાની જરૂર છે. કોંગ્રેસે પણ કિસાનોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે, પરંતુ કિસાનોને ફાયદો થયો નથી. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની નવી સરકાર પર અત્યારથી આંગળી ઉઠવા લાગી છે.
આ દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ નોઇડાના એક પાર્કમાં યોજાનારી નમાજ પર લાગેલા પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભાજપ અને આરએસએસ ધર્મની રાજનીતિ કરી રહ્યાં છે. નમાજ પર પર પ્રતિબંધ લાદવાનો પ્રયત્ન થયો અને જુમાની નમાજ રોકવા માટે સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જન્મદિવસ પર ભેટનો ઉલ્લેખ કરતા માયાવતીએ બસપા અને સપા કાર્યકર્તાઓને અપીલ કરી કે તમામ જૂની દુશ્મની ભૂલીને વિરોધીઓના શામ, દામથી બચીને એક થાય. આજ મારા જન્મદિવસની ગિફ્ટ હશે. માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાનું ગઠબંધન થયા બાદ ભાજપની નિંદર ઉડી ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીની સાથે શાહ એન્ડ કંપની મુશ્કેલીમાં છે. આપણે હવે તેની મુશ્કેલી વધુ વધારવાની છે. સપા-બસપા બંન્ને મળીને ભાજપના સૂપડા સાફ કરી દેશે.