PM મોદી અને શી જિનપિંગ સરહદ પર શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા સહમત-વિદેશ મંત્રાલય
પીએમ નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું.
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે આ પ્રવાસમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ચાર બેઠકો થઈ અને આ દરમિયાન બંને દેશ સરહદ પર શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે સહમત થયાં. આ દરમિયાન એ પણ જણાવવામાં આવ્યું કે દિલ્હીથી જ નક્કી થયું હતું કે કોઈ સમાધાન થશે નહીં. પરંતુ બંને દેશો કેટલાક મુદ્દાઓ પર સહમત થયા છે. ભારત-ચીનની સરહદો પર શાંતિ રહેશે. વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી.
પીએમ મોદી અને શી જિનપિંગે ચાની ચુસ્કીઓ લેતા લેતા કરી 'વર્લ્ડ ઈકોનોમી' પર ચર્ચા
મુખ્ય અંશો...
મોદી અને જિનપિંગ વચ્ચે વ્યાપાર અને પર્યટનના મુદ્દે વાતચીત થઈ.
બંને નેતાઓએ ગંગા સફાઈ અને ખેલોના મુદ્દે પણ વાત કરી.
પીએમ મોદીએ STRENGTHની વાત કરી જે શી જિનપિંગને ગમી.
ભારત-ચીનની ફિલ્મો બંને દેશોમાં બતાડવામાં આવશે.
ભારત-ચીન વિશ્વની બે મોટી શક્તિઓ છે અને બંનેએ નક્કી કર્યુ છે કે તેઓ શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખશે.
દિલ્હીથી જ નક્કી થયું હતું કે કોઈ સમાધાન થશે નહીં. પરંતુ બંને દેશો કેટલાક મુદ્દાઓ પર સહમત થયા છે.
ભારત-ચીનની સમગ્ર સરહદ પર શાંતિ બની રહેશે.
આતંકવાદથી બંને દેશોને ખતરો, બંને દેશોએ સાથે મળીને લડવા પર ભરોસો વ્યક્ત કર્યો છે.
આતંકી મસૂદ અઝહરને લઈને બંને દેશો વચ્ચે વાતચીત થઈ છે.
ભારત-ચીનની આખી સરહદ પર શાંતિ જાળવી રાખવા અને સુરક્ષાના ચુસ્ત ઈન્તેજામ કરવા માટે વાતચીત થઈ છે.
VIDEO: ચીનમાં PM મોદી માટે ખાસ વગાડવામાં આવ્યું બોલિવૂડનું 'દિલ'વાળુ ગીત
બંને દેશોનો વિશ્વ પર પડી રહ્યો છે પ્રભાવ-ચીન
ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન અને ભારતે રાષ્ટ્રીય વિકાસ, પરસ્પર લાભના સહયોગને મજબુત કરવા, સ્થિરતા, વિકાસ, સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા, વૈશ્વિક શાંતિ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે મોદીને કહ્યું કે બંને દેશોએ નીકટ ભાગીદારી કાયમ કરી છે અને સહયોગ કર્યો છે. આપણે સકારાત્મક પ્રગતિ કરી છે. ભારત અને ચીન બંને દેશોની સયુંક્ત વસ્તી 2.6 અબજ છે જેમાં વિકાસ માટે જબરદસ્ત ક્ષમતા છે. આ બંને દેશોનો પ્રભાવ ક્ષેત્ર અને વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ચીન અને ભારત વૈશ્વિક સંવૃદ્ધિ માટે મહત્વપૂર્ણ એન્જિન છે. દુનિયામાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે ચીન-ભારત વચ્ચે સારા સંબંધ હોવા ખુબ જરૂરી છે અને એક સકારાત્મક ચીજ છે.