નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે પીએનબી ગોટાળાનાં આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ રદ્દ કરવાનું કારણ પણ જણાવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ મંત્રાલય દ્વારા મોકલવામાંઆવેલ નોટિસનો જવાબ આપ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોક્સીને કારણદર્શક નોટિસ ફટકારી હતી.  જેનો જવાબ બંન્નેમાંથી કોઇ પણ આપ્યો નહોતો. જેનાં કારણે સરકાર દ્વારા આકરા પગલા ઉઠાવાતા તેમનો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકને 11400 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યા બાદ તપાસ એજન્સીઓએ બંન્ને પર ગાળીયો કસ્યો છે. ગત્ત દિવસોમાં તપાસ એજન્સીઓ દ્વારા તેની કરોડો રૂપિયાની સંપત્તી જપ્ત કરી લેવામાં આવી છે. તે અગાઉ ગોટાળાનાં આરોપીએ પોતાનાં કર્મચારીઓને પત્ર લખીને નવી નોકરીએ શોધવા માટે કહ્યું છે. આ પત્રને મેહુલ ચોક્સીનાં વકીલ સંજય અબોટે ઇશ્યું કર્યો છે. તેમાં ગીતાંજલી જેમ્સનાં માલિકે લખ્યું છે કે તેમણે કંઇ પણ ખોટુ કર્યું નથી અને તેમને આશા છે કે આખરે સત્યનો વિજય થશે.