જમ્મુ-કાશ્મીરમાં હાલ પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. પોલીસ કર્મચારીઓનું અપહરણ કરીને તેમની કરાયેલી નિર્મમ હત્યાને કારણે પોલીસ વિભાગના કર્મચારીઓ દહેશતમાં આવી ગયા છે. આ હત્યાને પગલે કેટલાક કર્મચારીઓના રાજીનામા પડવાના શરૂ થયા છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ સમગ્ર ઘટનાની આલોચના કરી છે. હિજબુલ આતંકીઓએ પહેલી ધમકી અને બાદમાં હત્યાના આચરેલા કૃત્યથી મહેબૂબાએ ટ્વિટરના માદ્યમથી શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના મેસેજમાં કેન્દ્ર સરકારની યોજનાઓની આલોચના કરી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું લખ્યું ટ્વિટર પર...
મહેબૂબાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, ત્રણ વધુ પોલીસ કર્મચારીઓ આતંકવાદીઓની ગોળીથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આક્રમણ, શોક અને નિંદા બધા માટે કરવામાં આવશે. પરંતુ દુર્ભાગ્યવશ તે પીડિત પરિવારોને કોઈ સાંત્વના નહિ આપે. તેના બાદ મહેબૂબાએ વધુ એક ટ્વિટમાં લખ્યું કે, સમયની સાથે આતંકવાદીઓ દ્વારા પોલીસ કર્મચારીઓના અપહરણ અને પછી હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની બાહુબલી નીતિ ઘાટીમાં કામ નથી કરી રહી. ઘાટીમાં આવી ઘટનાઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેના માટે વાતચીત તો માત્ર માધ્યમ છે, જેની આશા દૂર સુધી દેખાઈ પણ નથી રહી.



શોપિયાથી ગાયબ થયા હતા પોલીસ કર્મચારીઓ
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ગુરુવારે રાત્રે ગાયબ થયેલા 4 પોલીસ કર્મચારીઓમાંથી 3ના મૃતદેહો શુક્રવારે સવારે મળી આવ્યા હતા. મૃતકોમાં બે એસપીઓ અને એક પોલીસ કોન્સ્ટેબલ સામેલ છે. જોકે, હાલ ત્રીજા એસપીઓ વિશે કોઈ  માહિતી  મળી નથી. અને તેની તપાસ માટે રાજ્ય પોલીસ તથા સુરક્ષાદળો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 



પોલીસ કર્મચારીઓના રાજીનામાનો દોર શરૂ થયો
આ ઘટના બાદ હવે પોલીસ કર્મચારીઓમાં રાજીનામાની લાઈન લાગી ગઈ છે. શોપિયાંમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ મોહંમદ ઈરશાદ બાબાએ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે, તો બીજી તરફ અન્ય કર્મચારીઓ પણ હવે પોતાના રાજીનામા ધરી રહ્યાં છે. 


આતંકીઓએ આપી હતી ધમકી
હિજબુલ આતંકી રિયાઝ નાઈકુએ ચાર દિવસ પહેલા જ એક ઓડિયો જાહેર કરીને સ્થાનિક પોલીસ કર્મચારીઓને ધમકાવ્યા હતા. ઓડિયો ક્લિપમાં તેણે કહ્યું હતું કે, હિન્દુસ્તાનની સરકાર એક ષડયંત્ર દ્વારા લોકોને એસપીઓ બનાવી રહી છે. અનેક વિભાગમાં જગ્યા ખાલી છે, પણ પોલીસ દળમાં જ ભરતી થઈ રહી છે. નાઈકુએ તમામ એસપીઓને કહ્યું કે, તેઓ ઉગ્રવાદીઓની સૂચના પોલીસને ન આપો અને તરત પોલીસની નોકરી છોડી દે, નહિ તો પરિણામ ખરાબ આવશે.