#MeToo: 6 મહિલાઓએ લગાવ્યો મંત્રી એમ જે અકબર પર ગંભીર આરોપ, જાણો શું છે મામલો
મીટુ અભિયાન અંતર્ગત નીત નવી હસ્તીઓના નામ બહાર આવી રહ્યાં છે. આ કડીમાં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર ઉપર પણ આરોપ લાગ્યાં.
નવી દિલ્હી: મીટુ અભિયાન અંતર્ગત નીત નવી હસ્તીઓના નામ બહાર આવી રહ્યાં છે. આ કડીમાં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર ઉપર પણ આરોપ લાગ્યાં. તેમના ઉપર આરોપ છે કે જ્યારે તેઓ સંપાદક હતાં તો તેમણે અનેક મહિલા પત્રકારોનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે અનેક પત્રકારોએ સોશિયલ મીડિયાનો સહારો લેતા અકબર પર સાર્વજનિક રીતે આરોપ લગાવ્યાં છે.
આ કડીમાં પત્રકાર પ્રિયા રમાનીએ તેમના પર સૌથી પહેલો આરોપ લગાવતા પોતાની સ્ટોરી શેર કરી છે. આ અગાઉ તેમણે ગત ઓક્ટોબરમાં વોગ ઈન્ડિયામાં લખેલા પોતાના આર્ટિકલમાં ડિયર મેલ બોસને સંબોધિત કરતા એક આર્ટિકલ લખ્યો હતો. તે વખતે દુનિયાભારમાં શરૂ થયેલા મીટુ અભિયાનના બેકગ્રાઉન્ડમાં તેમણે પોતાની સ્ટોરીને લખી હતી. જો કે તે વખતે તેમણે આરોપીનું નામ જાહેર કર્યુ નહતું. પરંતુ 8 ઓક્ટોબરના રોજ તેમણે પોતાની સ્ટોરિની લિંક શેર કરતા લખ્યું કે હકીકતમાં તેમની જૂની સ્ટોરી એમ જે અકબર સંબંધિત હતી. તેમણે આ સાથે લખ્યું કે તેમણે નામ એટલા માટે નહતું લીધુ કારણ કે તેમણે મારી સાથે કશું કર્યું નહતું. પરંતુ અનેક અન્ય મહિલાઓની તેનાથી પણ ખરાબ સ્ટોરીઝ તેમને સંલગ્ન હોઈ શકે છે.- કદાચ તેઓ તેને શેર કરે.
પ્રિયા રમાનીએ આર્ટિકલમાં પોતાના એક જોબ ઈન્ટરવ્યુંના અનુભવને શેર કરતા કહ્યું કે તે સમયે હું 23 વર્ષની હતી અને તેઓ 43 વર્ષના હતાં. સંપાદકે મને દક્ષિણ મુંબઈની તે હોટલમાં મળવા માટે બોલાવ્યાં જ્યાં તેઓ હંમેશા રોકાયા કરતા હતાં. તેમણે કહ્યું કે હકીકતમાં તે ઈન્ટરવ્યું ઓછો ડેટ વધારે હતી. સંપાદકે ડ્રિંક ઓફર કરી અને જૂના હિંદી ગીતો સંભળાવવાનું કહ્યું. એટલે સુધી કે તેમણએ પોતાના બેડની પાસે આવીને બેસવાનું કહ્યું જેને ના પાડી દીધી.
પ્રિયા રમાનીના સામે આવ્યાં બાદ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી તેમના સહિત કુલ 6 મહિલા પત્રકારોએ એમ જે અકબર પર આરોપ લગાવ્યાં છે. આ કડીમાં રમાનીની જેમ ફ્રીલાન્સ પત્રકાર કનિકા ગેહલોતે પણ પોતાના અનુભવ શેર કર્યાં છે. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે મેં ભલે રમાનીનો લેખ વાંચ્યો નથી પરંતુ મને તેને જરૂર નથી કારણ કે મેં અકબર સાથે 3 વર્ષ કામ કર્યું છે. કનિકાએ 1995-1997 સુધી ધ એશિયન એજમાં કામ કર્યું હતું. એમ જે અકબર ત્યારે તેના સંપાદક હતાં. કનિકાએ કહ્યું કે જ્યારે મેં ત્યાં જોઈન કર્યું ત્યારે મને પહેલા જ તેમના અંગે જણાવી દેવામાં આવ્યું હતું.
આ જ રીતે ધ એશિયન એજના રેસિડેન્ટ એડિટર સુપર્ણા શર્માએ પણ અનેક પ્રસંગો શેર કર્યા છે. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે જ્યારે તેઓ 1993-96 દરમિયાન અખબારની લોન્ચ ટીમનો ભાગ હતા ત્યારે એક દિવસ એકબર એકદમ પાછળ આવીને ઊભા રહી ગયા હતાં. તેમણે કહ્યું કે "મારી બ્રાની સ્ટ્રેપ ખેચી અને કઈંક કહ્યું. જે કહ્યું તે તો હવે યાદ નથી પરંતુ મેં જોરથી બૂમો પાડી."
આ જ પ્રકારના મામલે લેખિકા શુમા રાહાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે 1995માં જોબ ઈન્ટરવ્યુ માટે કોલકાતાની તાજ બંગાલ હોટલમાં બોલાવી. ત્યાં તેમના રૂમમાં બેડ પર બેસીને ઈન્ટરવ્યુ આપવાનું કહ્યું. ત્યારબાદ જોબ ઓફર કરતા બાદમાં ડ્રિંક પર આવવા જણાવ્યું. રાહાએ કહ્યું કે આ અસહજ કરનારી દશાઓના કારણે તે ત્યાં નોકરી કરી શકી નહીં.
આ રીતે પત્રકાર પ્રેરણા સિંહ બિંદ્રાએ સાત ઓક્ટોબરના રોજ એક ટ્વિટરમાં આ જ પ્રકારની હળતી મળતી ઘટનાનો ઉલ્લેખ કર્યો. જો કે પહેલા તેમણે અકબરના નામનો પોતાની ટ્વિટમાં ઉલ્લેખ નહતો કર્યો પરંતુ સોમવારે તેમણે નામનો ઉલ્લેખ કર્યો. આ જ રીતે એક અન્ય પત્રકાર શુતાપા પોલે રમાનીની ટ્વિટને રિટ્વિટ કરતા અકબર પર આરોપ લગાવ્યાં.
કોંગ્રેસે કરી તપાસની માગણી, સરકાર ચૂપ
આ આરોપો સામે આવતા જ કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી એમ જે અકબર વિરુદ્ધ લાગેલા શારીરિક શોષણના આરોપોની તપાસની માગણી કરી છે. બીજી બાજુ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ એમજે અકબર સામે કાર્યવાહી થશે કે નહીં તે સવાલનો જવાબ ટાળી ગયાં. આ આરોપો પર વિદેશ રાજ્ય મંત્રી અકબરની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. કહેવાય છે કે હાલ તેઓ એક વ્યાપારિક પ્રતિનિધિમંડળની સાથે નાઈજિરિયાના પ્રવાસે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં મીટુ અભિયાન ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મનોરંજન અને મીડિયા જગતની અનેક મહિલાઓએ શારીરિક શોષણની પોતાની આપવીતિઓ શેર કરી છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ 2008માં એક ફિલ્મના સેટ પર નાના પાટેકર પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો. ત્યારબાદ હોલિવૂડના મીટુની જેમ ભારતમાં પણ આ અભિયાન શરૂ થઈ ગયું છે. પાટેકરે જો કે તનુશ્રીના આરોપોને ફગાવ્યાં છે.