Power Crisis: જલદી દેશમાં અંધારપટ છવાઈ જશે? કેન્દ્રએ કહ્યું- વીજળી સંકટ પર બળજબરીથી ફેલાવાઈ રહી છે દહેશત
શું દેશમાં ખરેખર વીજળીનું સંકટ આવવાનું છે? કે પછી વીજળી સંકટના નામે દેશને ડરાવવા માટે ખેલ થઈ રહ્યો છે?
નવી દિલ્હી: શું દેશમાં ખરેખર વીજળીનું સંકટ આવવાનું છે? કે પછી વીજળી સંકટના નામે દેશને ડરાવવા માટે ખેલ થઈ રહ્યો છે? કેન્દ્ર સરકાર કહે છે કે દેશમાં કોઈ વીજ સંકટ નથી અને વીજ સંકટને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જ્યારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા કેન્દ્ર પર ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવી રહ્યા છે.
દેશમાં બ્લેકઆઉટનું સંકટ?
એક બાજુ કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે દેશમાં કોઈ વીજળી સંકટ નથી અને કોલસાનો ભરપૂર સ્ટોક છે. જ્યારે બીજી બાજુ અનેક રાજ્યોથી આવી રહેલી ખબરો એ વાતનો સંકેત આપે છે કે બ્લેકઆઉટનું જોખમ તોળાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં વીજળી ઉત્પાદન પર કોલસાની અછતના કારણે અસર પડી છે. યુપીમાં નોઈડા પાવર કોર્પોરેશન લિમિટેડે લોકોને મેસેજ મોકલીને વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
મહારાષ્ટ્રમાં 3330 મેગાવોટ વીજળી આપૂર્તિ ઠપ
મહારાષ્ટ્રમાં સરકાર લોકોને વીજળી બચાવવાની અપીલ કરી રહી છે કારણ કે રાજ્યના 13 વીજળી યુનિટ બંધ થઈ ગયા છે. કહેવાય છે કે તેનું કારણ કોલસાની અછત છે. આ યુનિટ MSEDCL ને વીજળી આપૂર્તિ કરતા હતા. આ કારણે મહારાષ્ટ્રમાં 3330 મેગાવોટ વીજળી આપૂર્તિ ઠપ થઈ છે. MSEDCL એ ગ્રાહકોને ડિમાન્ડ અને સપ્લાય સંતુલિત કરવા માટે સવાર 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજળીનો ઉપયોગ ઓછો કરવાની અપીલ કરી છે. ગરમીના કારણે મહારાષ્ટ્રમાં વીજળીની માંગણી વધી છે. આથી રાજ્ય સરકાર ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદી રહી છે. આ ઉપરાંત કોયના બંધની સાથે સાથે અન્ય નાના જળ વિદ્યુત સંયંત્રો અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના માધ્યમથી વીજળી સપ્લાય થઈ રહી છે.
વીજળી પર રાજકીય 'કરંટ'
યુપીમાં નોઈડા પાવર કોર્પોરેશન લિમિટેડે લોકોને વીજળી બચાવવાની અપીલ કરી તો સમાજવાદી પાર્ટીએ યોગી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે સીએમ યોગી વીજળી પર એટલા માટે ધ્યાન નથી આપતા કારણ કે તેઓ વીજળી પ્લાન્ટનું નામ નથી લઈ શકતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે વીજળી પર ધ્યાન એટલા માટે નથી આપતા કારણ કે તેઓ પ્લાન્ટના નામ લઈ શકતા નથી. જ્યારે મુખ્યમંત્રીજી અહીં આવે તો તેમને કહેજો કે પ્લાન્ટનું નામ જણાવી દો.
વીજળી સંકટ પર દહેશત ફેલાવવામાં આવી રહી છે- કેન્દ્ર
જો કે કેન્દ્રએ કહ્યું કે દેશમાં વીજળી સંકટના નામે ખુબ દહેશત ફેલાવવામાં આવી રહી છે. ઉર્જા મંત્રાલયેકહ્યું કે કોલસાના સપ્લાય પાવર પ્લાન્ટને વધારવામાં આવી રહ્યો છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ કોલ ઈન્ડિયા પાસે 24 દિવસનો કોલસાનો સ્ટોક છે. જ્યાં સુધી રાજ્યોમાં પાવર સ્ટેશનોની વાત છે તો તેમની પાસે 17 દિવસનો નહીં પરંતુ 4-4 દિવસનો સ્ટોક તો ચોક્કસપણે ઉપલબ્ધ છે અને તેમાં રોજ સપ્લાય થઈ રહ્યો છે. ઉર્જા મંત્રાલયે એમ પણ કહ્યું કે દિલ્હીને જેટલી વીજળીની જરૂરિયાત રહેશે તેટલો સપ્લાય કરાશે. જો કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે સરકાર કોલસા સંકટ પર ખોટી જાણકારી આપી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રની આખો બંધ રાખવાની નીતિ ખતરનાક છે.
ઓક્સિજનની કમીની જેમ ત્રાહિમામ મચશે- સિસોદિયા
જે રીતે ઓક્સિજન સંકટમાં લોકો મર્યા હતા તેમ જ અહીં પણ ત્રાહિમામ મચશે. આંખો બંધ કરી લેવાની જે નીતિ છે તે ખુબ ખતરનાક છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાંથી અવાજ ઉઠી રહ્યો છે કે કોલસાનું સંકટ છે અને આ કોલસા સંકટ છેલ્લે વીજળી સંકટમાં ફેરવાઈ શકે છે. જેનું ખુબ મોટું સંકટ દેશે ઝેલવું પડશે. દેશ ઠપ થઈ જશે. દેશની સિસ્ટમ ઠપ થઈ જશે.
BIRTHDAY SPECIAL: 79 વર્ષના થયા બિગ બી, જાણો બચ્ચન કેવી રીતે પોતાની જાતને રાખે છે ફિટ
કેવી રીતે ફેલાઈ વીજળી સંકટને લઈને અફવા?
ઉર્જા મંત્રાલયે કહ્યું કે દિલ્હીમાં ટાટા પાવર તરફથી ગ્રાહકોને મેસેજ મોકલવાના કારણે કારણ વગરનો ડર ફેલાયો છે. ઉર્જા મંત્રાલયે કહ્યું કે આવો ભ્રમ અસલમાં GAIL ના એક ખોટા મેસેજના કારણે ફેલાયો કારણ કે GAIL એ દિલ્હીના ડિસ્કોમને એક મેસેજ મોકલ્યો કે તેઓ બવાના ગેસ સ્ટેશનને ગેસ સપ્લાય એક કે બે દિવસ બાદ બંધ કરશે. આ મેસેજ એટલા માટે મોકલવામાં આવ્યો કારણ કે તેનો કોન્ટ્રાક્ટ ખતમ થઈ રહ્યો છે અને આ સંબંધમાં અફવા ફેલાવવાને લઈને ટાટા પાવરને પણ ચેતવણી અપાઈ છે.
વીજળી પ્લાન્ટમાં કેમ થઈ કોલસાની કમી?
સ્પષ્ટ છે કે વીજળી સંકટને લઈને રાજ્ય સરકારો અને કેન્દ્રના દાવા અલગ અલગ છે. આ મુદ્દે તમામ રાજકીય પક્ષો અને બિન ભાજપ શાસિત રાજ્ય સરકારો કેન્દ્રને ઘેરવા લાગી છે. રહી વાત કોલસાની અછતની તો કેન્દ્રએ કોલસાની આયાત ઓછી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં કોલસાની ખાણવાળા ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણએ કોલસાના ઉત્પાદન પર અસર પડી. બહારથી આવતા કોલસાની કિંમતોમાં ખુબ વધારો થયો છે. ચોમાસાની શરૂઆતમાં પૂરતા પ્રમાણમાં કોલસાનો સ્ટોક થઈ શક્યો નહીં. આશા રાખીએ કે હવે કેન્દ્રના વચન મુજબ વીજળી પ્લાન્ટ્સને કોલસાના સપ્લાયમાં ફરીથી તેજી આવશે અને સ્થિતિ સ્પષ્ટ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube